નવસારી વિભાગ ના રેલવે સ્ટેશને 24 કલાકમાં બે જણાંના ટ્રેન દુર્ઘટનામાં મોત થયા હતા. જેમાં નવસારી રેલવે સ્ટેશને પ્લેટફોર્મ પસાર કરતા રાજધાની ટ્રેનની અડફેટે આવી ગયેલી મહિલાનું મોત થયું હતું. જ્યારે સચિનથી ભેસ્તાન રેલવે સ્ટેશનની વચ્ચે અજાણ્યા 45 વર્ષીય યુવાને પડતું મુકતા તેનું મોત થયું હતું. નવસારીના જલાલપોરના ખાલપાચાલમાં રહેતી કમલાબેન અંબાલાલ કોંડા (ઉ.વ. 40) તેમની પુત્રી સાથે સામાજિક કામ અર્થે બહારગામ ગયા હતા.
દરમિયાન સાંજે 7.55 વાગ્યે ડાઉન લાઈન ટ્રેક પ્લેટફોર્મ નંબર-1 ઉપર સમાન સાથે ચઢવા જતા ચઢાયું ન હતું. તેઓ કોશિશ કરતા હતા ત્યારે મુંબઈથી દિલ્હી તરફ જતી સુપર ફાસ્ટ ટ્રેન રાજધાની પ્લેટફોર્મ નં. -1 પરથી પસાર થતા કમલાબેન કોંડા અડફેટે આવી જતા તેમનું ગંભીર ઇજાથી મોત થયું હતું. તેમની પુત્રીને અને સામાનને તેઓએ પ્લેટફોર્મ ઉપર ચડાવ્યા હતા પરંતુ તેઓ ચડી નહીં શકતા આ ગંભીર અકસ્માત થયાનું જોનાર લોકોએ જણાવ્યું હતું.
જ્યારે બીજી ઘટનામાં સચિનથી ભેસ્તાન રેલવે સ્ટેશન વચ્ચે આવેલ કિમી નંબર-252/20-22 ડાઉન ટ્રેક પર બાંદ્રા સૂરત ઇન્ટરસિટી ટ્રેનની આગળ પડતું મુકતા 45 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાથી મોત થયું હતું. અજાણ્યા યુવાનની ઉંચાઈ 5 ફૂટ 5 ઈંચ, રંગે ઘઉંવર્ણ, તેણે શરીરે સફેદ આડા પટ્ટાવાળી ટી-શર્ટ અને બ્લ્યુ પેન્ટ પહેર્યું હતું. ગળાના ભાગે અંગ્રેજીમાં JAAN લખાવેલું હોય આ યુવાનની ભાળ મળ્યેથી નવસારીના અહેકો કેસરસિંહ ઉદેસિંહ વલસાડ રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.