કાર્યવાહી:નવસારીમાં રિમાન્ડ દરમિયાન ચીકલીગર ગેંગના સભ્યોની વધુ બે ચોરીની કબૂલાત

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામજી પાર્ક અને તુલસીવન સોસાયટીમાં થયેલી ચોરીના ભેદ ઉકેલાયા

નવસારીમાં સપ્તાહ અગાઉ ધોબીવાડમાં તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવીને 2 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા. આ ગેંગ દસ્તાનમાં આવેલ રેલવે ફાટક પાસેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 જણાની અટક કરી હતી. નવસારી પોલીસે આરોપીઓનો કબજો મેળવીને કોર્ટમાંથી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસને રિમાન્ડ દરમિયાન બે ચોરીની ઘટનાનો ઉકેલ મેળવામાં સફળતા મળી હતી.

નવસારી ટાઉન પોલીસમાંથી મળતી માહિતી મુજબ વિજલપોરના રામજી પાર્ક અને નવસારીના છાપરા રોડ પર આવેલી તુલસીવન સોસાયટીમાં બંધ ઘરમાં પણ ચોરી કર્યાનું રિમાન્ડ દરમિયાન ચીકલીગર ગેંગના સભ્યોએ જણાવ્યું હતું. તપાસ કરતા પીઆઇ ડી.જે.પટેલે માહિતી આપતા જણાવ્યું કે નવસારીમાં વધુ બે ચોરીના ગુના ઉકેલાયા હતા. જેમાં રામજી પાર્કમાંથી અંદાજે 3.50 લાખની ચોરી અને તુલસીવનમાંથી 2.34 લાખની ચોરી કર્યાનો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી.

ઘટના 1 :તા. 23 મે 2022ના રોજ તસ્કરોએ રામજી પાર્કમાં બંધ ઘરને નિશાન બનાવ્યું
વિજલપોર શહેરના રામજી પાર્કમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર મુંબઇ લગ્નમાં ગયું હતું. તેનો લાભ લઇ તેમના બંધ ઘરમાંથી રાત્રિના સમયે ચોરીની ઘટના બની હતી. જેમાં રોકડ અને સોનાચાંદી ના દાગીના મળી આશરે રૂ 3.50 લાખની ચોરી થઈ હતી.

ઘટના 2: તા.5 જૂનના રોજ દર્પણ સોસાયટીમાંથી તિજોરી તોડી રૂ.2.34 લાખની મત્તાની ચોરી કરી હતી
નવસારીના છાપરા રોડ વિસ્તારમાં આવેલી દર્પણ સોસાયટીમાં જીતેન્દ્ર પ્રતાપભાઈ (હાલ રહે. તુલસીવન અને મૂળ રહે. બોરીવલી)ના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના મુખ્ય દરવાજો ઉપર મારેલ તાળું તોડી અંદર પ્રવેશ કરી તસ્કરોએ રૂમમાં રાખેલ તિજોરીના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ. 2,34,500ની ધાપ મારી હતી.

અન્ય સમાચારો પણ છે...