કોરોના વાઈરસ:નવસારી અને મોહનપુર ગામે વધુ બે પોઝિટિવ કેસ, આંક 18

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં બીજો પોઝિટિવ કેસ, આરોગ્ય તંત્રની દોડધામ

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 18 ઉપર પહોંચી ગયો છે. ગણદેવી તાલુકાના મોહનપુર ગામના  68 વર્ષીય  બળવંતભાઈ પટેલ અને  નવસારી શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ વિરભદ્ર કોમ્પલેક્ષમાં  મુંબઈથી આવેલા ઋષભ ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંનેને સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં વધુ બે કોરોના  કેસનો ઉમેરો થતાં આરોગ્ય વિભાગ  દોડતું થઇ ગયું છે.

ગણદેવીના મોહનપુર ગામે રહેતા 68 વર્ષીય  બળવંતભાઈના ભાઈ પ્રવીણભાઈ, તેમના પત્ની અને પુત્રો સાથે  મોહનપુર ગામે પહોંચ્યા હતા. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે તેમને હોમ કોરોન્ટાઈન કરી સેમ્પલ લીધા હતા.21 મીના રોજ  પ્રવીણ ભાઈના દીકરા અનિકેતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમે મોહનપુર ગામને કોરોન્ટાઈન કર્યું હતું અને અનિકેતને સારવાર માટે ખસેડયો હતો.જોકે એક જ ઘરમાં રહેતા આ પટેલ પરિવારના સભ્યોના પણ સેમ્પલ લેવાયા હતા.જેમાં  68 વર્ષીય બળવંતભાઈ પટેલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને મંગળવારે  108માં યશફીન હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

હવે નવસારી શહેરમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો 2 ઉપર પહોંચી ગયો છે.  સ્ટેશન વિસ્તારમાં આવેલ વીરભદ્ર એપાર્ટમેન્ટમાં  મુંબઈથી આવેલા 20 વર્ષીય યુવાન ઋષભ પરેશભાઈ ભટ્ટનો  રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મુંબઈમાં લોકડાઉન ખુલતા દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ તે મુંબઈથી તેના માતા-પિતા સાથે રહેવા આવ્યો હતો. જોકે તેની તબિયત સારી ન હોય ચેકઅપ કરાવતા ન્યુમોનિયાની અસર જોવા મળી હતી. બે દિવસ  પહેલાં જ નવસારીમાં આવેલા ઋષભ ભટ્ટને પણ હોમ કવૉરોન્ટાઈન કરાયો હતો. મંગળવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા નવસારી સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે ખસેડાયો છે. જયારે તેમના માતાપિતાને અંબાડા સીએચસીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે જ નવસારી જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 18 પર  પહોંચી ગયો છે.

વીરભદ્ર અને મોહનપુર ગામે પ્રવેશબંધી

નવસારી પાલિકા વિસ્તારમાં સ્ટેશન રોડ ઉપર આવેલ વીરભદ્ર કોમ્પલેક્ષ વિસ્તારને અને ગણદેવીમાં મોહનપુર ગામને  જિલ્લા મેજિસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે મળેલી સત્તાની રૂએ કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કર્યો છે. વીરભદ્ર કોમ્પલેક્ષ અરીયાના લોકોને દૂધ, શાકભાજી, કિરાણા જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તો દ્વારા હોમ ડિલેવરીથી તેમના ઘરે પૂરી પાડવા સૂચના અપાય છે. જ્યારે મોહનપુર ગામે આ ચીજવસ્તુઓ સવારે 8 થી બપોરના ૩ વાગ્યા સુધીમાં લોકોએ મેળવી લેવા સૂચના અપાય છે. આ જાહેરનામુ 8 જૂન 2020 સુધી અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...