નવસારી તાલુકાના અષ્ટગામમાં કરોડોની જમીનની લે-વેચ બાબતે થયેલ છેતરપીંડી કેસમાં બેને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે. નવસારીના અષ્ટગામમાં રહેતા વિનુભાઈ રમણ પટેલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમની સહિયારી જમીન અષ્ટગામ અને ભૂલાફળિયાની બ્લોક નંબર 212 થી 216 અને ભુલાફળિયાની બ્લોક નંબર 585વાળી જમીન વેચાણે આપવાની હતી. જે માટે સુરતનાં હંસરાજ ગોદ્લીયા અને પ્રશાંત હંસરાજ ગોદ્લીયા (બંને રહે. સુભાષનગર, ઘોડદોડરોડ, સુરત), રોમિત વિનોદ પટેલ (રહે. ગણેશ સ્ટ્રીટ, ભીમપોર, ડુમસ), પંકજ ચાવડા (રહે. ક્રિષ્નાનગર અલથાણ રોડ, સુરત) અને એ.એ.શેખ (રહે. અલશફેર એપાર્ટમેન્ટ, મલબાર હિલ સામે, ન્યુ રાંદેરરોડ, સુરત)એ એકબીજાની મદદગારીથી જમીન રૂ. 33.51 કરોડમાં વેચાણે લેવાનું નક્કી કર્યું હતું.
તમામે વેચાણ કિંમત લખ્યા વિનાનાં કોરા વેચાણ સાટાખત બનાવીને જમીન વેચાણનાં ખોટા-ખોટા બેંક એક્નોલેજમેન્ટ લેટર બનાવીને તેમને બતાવ્યા હતા. સાટાખત જાન્યુઆરીમાં બનાવ્યા અને સપ્ટેબર સુધીમાં માત્ર રૂ. 2 કરોડ જ રકમ ચૂકવી હતી. જયારે રૂ. 31.02 કરોડ ન ચૂકવતા તમામ 5 વિરૂદ્ધ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બે આરોપી રોમિત વિનોદ પટેલ અને પંકજ ચાવડા ભાગેડુ હોય તેમને નવસારી ગ્રામ્યનાં દિગ્વિજયસિંહ સિસોદિયા અને યોગીરાજસિહ મહાવીરસિંહે સુરતથી બે માસ બાદ ઝડપી પાડ્યા હતા. તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પીઆઈ પ્રમોદ બ્રહ્મભટ્ટ તપાસ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.