તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં મેઘમહેર:ગ્રીડ ઓવરબ્રિજ પાસે જાહેર માર્ગ પર બે ફૂટ પાણી ભરાયા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા નહીં કરાતા દર વર્ષે ઉભી થતી સમસ્યાં

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર જારી રહી હતી. જેમાં દરેક તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં ખેરગામ અને ચીખલીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી.

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર થઈ હતી. જેમાં નવસારી જિલ્લામાં દરેક તાલુકામાં વરસાદ નોંધાયો હતો. નવસારીમાં 33 મિમી, જલાલપોરમાં 22 મિમી, ગણદેવીમાં 53 મિમી, ચીખલીમાં 59 મિમી, ખેરગામમાં 59 મિમી અને વાંસદામાં 43 મિમી વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો હતો.

નવસારી શહેરમાં પણ રાત્રે અને સવારે પડેલા વરસાદના કારણે રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. જેમાં ગ્રીડથી બારડોલી જતા માર્ગ પર આવેલા ઓવરબ્રિજ પાસે 2 ફૂટ પાણી ભરાયા હતા. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા વર્ષો જૂની છે અને આ સ્થળે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે થોડા જ વરસાદમાં સમગ્ર વિસ્તાર પાણીનો ભરાવો થઈ જાય છે. ગુરુવારે પડેલા વરસાદને કારણે પણ લોકોને મુશ્કેલી પડી હતી. ગુરુવારે આખો દિવસ વરસાદી માહોલ સર્જાયો હતો.

ચીખલીમાં ઠેર-ઠેર પાણી ભરાયા, વાહનચાલકોને મુશ્કેલી
ચીખલી પંથકમાં બપોર સુધી સતત વરસાદને પગલે ચીખલીના જુના વલસાડ રોડ, ચીખલી-વાંસદા રોડ, ચીખલી તલાવચોરા ઉપરાંત ને. હાઇવેના સમરોલી, થાલા વિસ્તારમાં સર્વિસ રોડ પર વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાની નોબત આવી હતી.

બામણવેલમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો
ચીખલી તાલુકાના બામણવેલમાં મુખ્ય માર્ગ પર વરસાદ દરમિયાન મસમોટો ભુવો પડતા વાહનચાલકો માટે જોખમ ઉભું થયું હતું. ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગની નજીક બામણવેલમાં જતા મુખ્ય માર્ગ પર મધ્યમાં ખાડો પડતા હાલ તો સ્થાનિકો દ્વારા ઝાડની ડાળીઓ નાંખી કામચલાઉ વ્યવસ્થા કરાઈ હતી. માર્ગ મકાન દ્વારા લોકોની સલામતી માટે ખાડો પુરવાની વ્યવસ્થા કરાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...