નિરાધારને આધાર:અનાથ બાળાની વ્હારે બે કલેક્ટરો આવ્યા, સુપાગામની 13 વર્ષની બાળાને પાલક માતા-પિતા યોજનાનો લાભ અપાવ્યો

નવસારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લાના સુપાગામે હળપતિ સમાજની મેઘાકુમારી શૈલેષભાઇ હળપતિ નામની કન્યા પ્રાથમિક શાળા સુપાગામમાં ઘોરણ 7માં અભ્યાસ કરતી હતી. બાળકીની ઉંમર 12 વર્ષની થવાના એક દિવસ પહેલા જ તેની માતા વનિતાબેનનું ટુંકી માંદગી બાદ નવસારી ખાતે નિધન થયું હતું. આ પહેલા તેના પિતાનું વર્ષ 2020માં દેવભૂમિ દ્વારકાના આર. કે. બંદર ખાતે થયું હતું. જોકે બાળકીના પિતાના મરણનો દાખલો ન હોવાને કારણે સરકારી યોજનાનો લાભ મળતો ન હતો.

સુપાગામના રાજેશભાઇ ઠાકોરભાર નાયક સરકારની પાલક માતા-પિતા યોજનાનો લાભ આ અનાથ દિકરીને મળે તે હેતુથી તેમના ઘરે ફોર્મ ભરવા ગયા હતા. જોકે ત્યાં તેમને જાણવા મળ્યું હતું કે, બાળકીના પિતા સ્વ.શૈલેષભાઇનો મરણનો દાખલો નથી. સરકારી નિયમ મુજબ જે સ્થાને મૃત્યુ થયું હોય તે જ જગ્યાથી મરણનો દાખલો પ્રાપ્ત કરી શકાય છે. શૈલેષભાઇનું મૃત્યુ દેવભૂમિ દ્વારકા ખાતે થયેલ હોય મરણ દાખલો મેળવવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ જણાતા રાજેશભાઇએ નવસારીના કલેક્ટરને સમગ્ર બાબતથી માહિતગાર કરીને બાળકીને મદદ કરવા માટે જણાવ્યું હતું. નવસારીના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે સધળી હકીકત જાણીને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર મુકેશ પંડ્યાને ટેલિફોનિક વાત કરી સ્વ.શૈલેષભાઇના મરણના દાખલા માટે મદદરૂપ થવા જણાવ્યું હતું.

કલેક્ટરના સૂચન બાદ દ્વારકાના અધિકારીએ રાજેશભાઇનો સંપર્ક કરીને મરણના દાખલા માટેના જરૂરી દસ્તાવેજો મંગાવીને અરજી કરી હુકમ મેળવી શૈલેષભાઇનો મરણ દાખલો ગણતરીના દિવસોમાં મોકલી આપ્યો હતો. જે બાદ બાળકીને મુખ્યમંત્રી પાલક માતા-પિતા યોજના અન્વયે આર્થિક સહાય મળવાની શરૂઆત પણ થઇ ચુકી છે. બાળપણમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ બાળકીની મદદ માટે રાજેશભાઈએ તા.13-8-2021 ના રોજ નવસારીના કલેક્ટરને અરજી કરી હતી જેનું િનરાકરણ માત્ર 10 દિવસની અંદર તા.24-8-2021 ના રોજ મળી જવા પામ્યું હતું. આ સમગ્ર વાત હાલમાં જ ગત સપ્તાહે નવસારીમાં યોજાયેલ મહેસૂલી મેળામાં આવેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર િત્રવેદીને જાણ થતાં નવસારી કલેક્ટરની આ િવશિષ્ટ કામગીરી માટે નોંધ લીધી હતી.

લાંબી પ્રક્રિયા સરળ બની
આટલી બધી લાંબી કાર્યવાહી ખૂબ જ ઝડપી રીતે પૂર્ણ કરીને ગરીબ આદિવાસી નિરાધાર બાળકીને જીવન નિર્વાહના કાર્યમાં બન્ને કલેક્ટર અને અધિકારીઓ જો રસ ન દાખવે તો આ પ્રક્રિયા હજુ સુધી લંબાઇ હોત. દિકરીના હક માટે મદદરૂપ થયેલા દરેકનો આભારી છું.- રાજેશભાઇ નાયક, સામાજિક કાર્યકર, સુપાગામ

અન્ય સમાચારો પણ છે...