રખડતા ઢોરોનો ત્રાસ:નવસારીની લુંસિકુઈ ચોપાટી પર બે આખલાઓએ ઉધમ મચાવ્યો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, ભોજનની મિજબાની માણતાં લોકોમાં નાસભાગ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોજનની મિજબાની માણતાં લોકો પર બે લડતા આખલા આવી ચઢતાં અફડાતફડી

રખડતા ઢોરોએ નવસારી શહેરના લોકોના નાકમાં દમ કરી નાખ્યો છે. રખડતા ઢોરોએ અનેક લોકોને ઈજાગ્રસ્ત કરતાં પાલિકા પર લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાના ભૂતકાળમાં પણ દાખલા બન્યા છે. ત્યારે ગઈકાલે બુધવારે રાત્રે નવસારીની લુંસિકુઈ ચોપાટી પાસે પરિવાર સાથે ભોજનની મિજબાની માણતા લોકો પર બે લડતા આખલા આવી ચઢતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે સ્થાનિકોના પ્રયાસ બાદ બે આખલા છૂટા પડ્યા હતા અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પાલિકા સમયાંતરે ઢોર પકડવાની કામગીરી કરે છે, છતાંય આખલા અને રખડતી ગાયો ક્યારેક રાહદારીઓ માટે ખતરારૂપ બને છે. જેના કારણે ભૂતકાળમાં એક યુવાનને ગંભીર ઇજા થવાની સાથે એક આશાસ્પદ યુવાનનું બાઇક અથડાવાને કારણે ઘટનાસ્થળે જ મોત થયું હોવાની પણ ઘટનાઓ બની છે.

ત્યારે ગઈકાલે રાતે બનેલી ઘટનાને કારણે પરિવાર સાથે હળવાશથી સ્ટ્રીટ ફૂડ લેતાં લોકોની મજા બે લડતા આખલાઓએ બગાડી હતી. આખલાઓએ ઉધમ મચાવી લારીવાળાનો સામાન પણ વેરવિખેર કરી નાખ્યો હતો. જેમાં એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટનાને પગલે રખડતા ઢોર મુદ્દે પાલિકા વધુ ગંભીર બને તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...