આજે વર્લ્ડ ટીવી ડે:નવસારીમાં 1970 થી ટીવી આવ્યા પણ ખરો ટેલિવિઝન યુગ 1984થી શરુ થયો હતો

નવસારી19 દિવસ પહેલાલેખક: ભદ્રેશ નાયક
  • કૉપી લિંક
  • 84 બાદ ચિત્રના ડોટ્સ ગાયબ થયા અને ટીવી કલર થઈ ગયા હતા

21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહીંના નવસારીમાં પણ ટેલિવિઝનની દુનિયા ક્રમશઃ બદલાતી રહી છે. નવસારીમાં 70 ના દાયકા સુધી મોટેભાગે લોકો મનોરંજન અને સમાચાર બન્નેમાં રેડિયો ઉપર જ આધાર રાખતા હતા. 70થી 80ના દાયકામાં ટેલિવિઝન આવવાની શરૂઆત થઈ હતી. જોકે ટીવી કલર નહિ પણ બ્લેક એન્ડ વ્હાઈટ જ હતા. જોકે ટીવી ઉપર પિકચર કાયમ સારું રેહતું ન હતું અને ઘણો સમય તો દોટ્સ જ પડતા રહેતા હતા.

તેનું કારણ એ હતું કે નવસારીમાં ટીવી રિલે સ્ટેશન હતું નહિ અને મુંબઈના લો પાવર સ્ટેશન પર જ આધાર રાખવો પડતો હતો. ઉનાળામાં થોડું ચિત્ર સારું દેખાતું પણ શિયાળા અને ચોમાસામા સામાન્યતઃ વિઝન સારું રેહતું નહીં. જોકે ટીવી ઉપર ગુરુવારના છાયાગીત, રવિવારનું સિનેમા વિગેરેની લોકો આખું અઠવાડિયું રાહ જોતા હતા. ક્રિકેટ પ્રેમીઓ શહેરમાં એકલદોકલ સિનેમા હતા ત્યાં ટેસ્ટ મેચ જોવા જતા હતા. 1984ના વર્ષથી ખરા અર્થમાં પંથકમાં ટેલિવિઝનની ક્રાંતિ થઈ હતી.

આ વર્ષમાં મુંબઈનું લો પાવર સ્ટેશન હાઈ કરી દેવાયું અને કલર ટ્યુબ પણ આવી ગઈ હતી. ચિત્ર ઉપર દેખાતા દોટ્સ ગાયબ થઈ ગયા હતા અને રંગીન ટીવી પણ આવી ગયા હતા બાકી જે સમસ્યા હતી તે 1987ના અરસામાં નવસારીમાં જ રિલે સ્ટેશન આવી જ્યાં ઉકેલાઈ ગઇ હતી. જોકે 90 સુધી મોટેભાગે સરકારી ટીવી એવા દૂરદર્શન નો જ યુગ હતો. સમાચાર હોય કે મનોરંજન બન્નેમાં દૂરદર્શન જ હતું. 90 બાદ ક્રમશઃ પુનઃ ક્રાંતિ આવી જ્યારે ખાનગી ટીવી ચેનલો શરૂ થઈ હતી. જે પ્રથમ મનોરંજન ક્ષેત્રમાં અને બાદમાં સમાચાર વિભાગમાં પણ આવી.

અન્ય સમાચારો પણ છે...