તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનભાડામાં વધારો:મેમુ ટ્રેનમાં નવસારીથી સુરતના ભાડામાં ત્રણ ગણાે વધારો

નવસારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીથી સુરતની ટિકિટ 10ની જગ્યાએ 30 રૂપિયા, અપ અને ડાઉન બન્ને મળી માત્ર 40 જેટલી જ ટિકિટ ફાટે છે
  • મેમુ ટ્રેન લોકલ હોવા છતાં એક્સપ્રેસ જેટલું ભાડું વસુલાય છે, નવસારીથી વડોદરા જવા રૂ. 35થી વધારી 70 કરી દેવાયા

લોકડાઉનના એક વર્ષ બાદ લોકલ ટ્રેન એવી મેમુ શરૂ તો કરાઈ પણ નવસારીથી સુરત યા વલસાડ જવાની ટિકીટમાં 300 ટકા (3 ગણો) વધારો કરાયો છે. લોકડાઉન ગત માર્ચ 2020માં કોરોનાને લઈ મુકવામાં આવ્યું ત્યારથી તકેદારી અર્થે ટ્રેનો બંધ કરવામાં આવી હતી. થોડા સમય અગાઉ એક્સપ્રેસ ટ્રેનો ક્રમશઃ શરૂ કરાઈ હતી. આખરે લોકડાઉનનું 1 વર્ષ થવા આવ્યું ત્યારે લોકલ પેસેન્જર ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે,જેમાંની એક ટ્રેન ઉમરગામ-વડોદરા વચ્ચે દોડતી મેમુ ટ્રેન પણ છે.

આ ટ્રેન 4 માર્ચથી શરૂ થઈ છે અને નવસારી સ્ટેશને પણ થોભે છે. ટ્રેન સુરત તરફથી નવસારી સવારે 9.40 કલાકની આસપાસ આવે છે અને બપોર બાદ વલસાડ તરફથી 4-38 કલાકે આવે છે. લોકલ ટ્રેન શરૂ થતાં મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. જોકે તેની ટિકીટના દર જાણતા નારાજગી પણ છે. મેમુ લોકલ પેસેન્જર ટ્રેન હોવા છતાં એક્સપ્રેસનું ભાડું રખાયું છે. નવસારી-સુરતનું ભાડું હવે 10ની જગ્યાએ 30 રૂપિયા છે, નવસારી-વલસાડનું ભાડું પણ 10ની જગ્યાએ 30 રૂપિયા છે. નવસારી-વડોદરાના 35ની જગ્યાએ મેમુમાં 70 રૂપિયા ટિકીટના વસૂલાય છે. મળતી માહિતી મુજબ હાલ રોજ અપડાઉન મળી માત્ર 40 જેટલી જ ટિકીટ જ ફાટે છે.

સિઝન પાસ સહિતની અનેક રાહત પણ નહીં
હાલ મેમુ ટ્રેનમાં અગાઉ કરતા ભાડા તો વધારવામાં આવ્યા છે પરંતુ તેની સાથે હાલ અનેક સુવિધા જે પેસેન્જરોને મળતી હતી તે મળતી નથી. સિઝન પાસને માન્યતા નથી. પ્લેટફોર્મ ટિકીટ પણ નથી. સિનિયર સિટીઝનોને પણ જે ભાડામાં રાહત મળતી હતી, તે પણ મળતી નથી. જેથી મેમુ ટ્રેન શરૂ થવા છતાં મુસાફરોને પરવડે તેમ નથી.

સુરત અપડાઉન કરનારા માટે ટ્રેન ક્યારે ?
નવસારી પંથકમાં સૌથી વધુ લોકો ટ્રેનોમાં સુરત અપડાઉન કરે છે. જોકે હાલ જે મેમુ શરૂ કરાઈ છે તે નોકરી ધંધા અર્થે સુરત જવા માંગતા હજારો લોકો માટે સમયની રીતે યોગ્ય નથી, કારણ કે નવસારીથી લોકો સવારે સુરત જાય છે. જ્યારે હાલની મેમુ તો બપોર બાદ સાંજે સુરત જાય છે. આ સ્થિતિમાં લગભગ બિનઉપયોગી છે. મોટી સંખ્યામાં લોકો સવારે સુરત તરફથી ટ્રેનની આશા રાખી રહ્યા છે.

મેમુ હાલ ‘સ્પેશ્યલ ટ્રેન’ તેથી ભાડુ વધુ
લોકલ પેસેન્જર ટ્રેન ગણાતી મેમુ ટ્રેનનું ભાડુ હાલ ખુબ વધારવા બાબતે રેલવે તંત્ર અલગ કારણ આપે છે. રેલવે સૂત્રો કહે છે કે, હાલ જે ઉમરગામ-વડોદરા મેમુ દોડે છે તે અગાઉની રૂટિન ટ્રેન તરીકે દોડાવાતી નથી પરંતુ ‘સ્પેશ્યલ ટ્રેન’ તરીકે દોડાવાય છે. તેથી ભાડામાં વધારો કરાયો છે.

પડ્યા ઉપર પાટા જેવી હાલત છે
વધારે પડતુ ભાડુ હાલ બિલકુલ જ યોગ્ય નથી. પડ્યા ઉપર પાટુ જેવી વાત છે. લોકો ટુવ્હિલર, ફોર વ્હિલરમાં વધુ ભાડુ ચૂકવી ત્રાસ ભોગવી રહ્યા છે અને માંડ માંડ ટ્રેન ચાલુ કરી તો આજ રીતે ભાડુ વસૂલાય તો કઈ રીતે લોકો પોતાના છેડા પૂરા કરશે ? સરકારે આ અંગે વિચારવું જોઈએ. બીજુ કે સુરત તરફ સવારે જવા પણ ટ્રેન શરૂ કરવી જોઈએ. > મહેન્દ્ર દરબાર, મુસાફર અને ભૂતપૂર્વ સભ્ય, રેલવે સલાહકાર સમિતિ, નવસારી

અન્ય સમાચારો પણ છે...