રાષ્ટ્ર ભકિત:નવસારી જિલ્લાના 4 લાખથી વધુ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના મકાનો પર ત્રિરંગો લહેરાશે

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13થી 15 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘરે રાષ્ટ્રધ્વજને લહેરાવવા કલેકટરની અપીલ

સમગ્ર દેશમાં આઝાદીના 75મા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13થી 15મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી દેશનું ગૌરવ-દેશનું અભિમાન-ત્રિરંગો હર ઘરની શાન બને તે માટે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જિલ્લાના નાગરિકોને પોતાના ઘર પર 13થી 15 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રધ્વજને લહેરાવીને રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવવાની અપીલ કરી છે.

જિલ્લામાં ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમના સુચારૂં આયોજન અર્થે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેકટર અમિત પ્રકાશ યાદવે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, જન-જનમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે લોકોમાં સન્માનની ભાવના વધુ બળવત્તર થાય તે માટે આગામી 13થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

તેમણે જિલ્લામાં યોજાનાર આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના મળી 4 લાખથી વધુ ઘર, મકાનો પર રાષ્ટ્રના આન-બાન-શાન સમાન ત્રિરંગો લહેરાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી જિલ્લાના તમામ ઘરો સહિત, દુકાનો, ઉદ્યોગ, વેપારીઓ, વાણિજિયક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને નાગરિકોમાં અને ખાસ કરીને આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં વધુ દેશદાઝની ભાવના વધુ પ્રબળ બને તે માટેના કાર્યમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

તેમણે ઉપસ્થિત સર્વેને આજની યુવા પેઢીમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને ઝંકૃત કરવા માટે સેલ્ફી પોઇન્ટ બનાવવા સહિત જન-જનમાં હર ઘર ત્રિરંગાની જાગૃતિ આવે તે માટે પ્રભાતફેરી, શાળાઓમાં ચિત્ર, નિબંધ, વકતૃત્વ, રંગોળી જેવી હરીફાઇનું આયોજન કરવા ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર કરવા જેવી વિવિધ બાબતોને આવરી લેવા પ્રેરક સૂચન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેકટર કેતન જોશી સહિતના જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...