ગમખ્વાર અકસ્માત:ધોળાપીપળા પાસે રોંગ સાઇડે આવેલી કાર ટેન્કરની અડફેટે, વલસાડના નવેરા ગામના 2 અને નવસારીના 1 યુવકનું મૃત્યુ

નવસારી15 દિવસ પહેલા
  • પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર લેવા નીકળેલા પુત્રનું મોત
  • વલસાડથી સુરત જતા મામા-ફોઇના ત્રણ ભાઇઅોની કાર કાબૂ ગુમાવતા ડિવાઇડર કૂદી બીજા ટ્રેક પર પહોંચતા ગમખ્વાર અકસ્માત

વલસાડ જિલ્લામાં આવેલા નવેરા ગામ ખાતે રહેતા યુવાનના પિતાને કોરોના મહામારી દરમિયાન સુરત ખાતે આવેલ સ્મિમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેના મરણનું પ્રમાણપત્ર લેવા જતા યુવાનની કારનો ટેન્કર સાથે અકસ્માત થયો હતો. જેમાં કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી જતા તેમાં બેસેલા નવસારીના રાનકુવા ગામના યુવાન અને નવેરા ગામના યુવાન તથા કારચાલકનું ઘટના સ્થળ પર કરુણ મૃત્યુ થયું હતું. વધુ તપાસ પોસઈ એમપી પટેલ કરી રહ્યા છે.

વલસાડના નવેરા ગામે રહેતા આયુષ ભરતભાઈ પટેલ (ઉ.વ.20)ના પિતાનું તાજેતરમાં કોરોના મહામારી દરમિયાન સુરત ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હાલમાં કોરોના મૃતકોને સરકાર દ્વારા સહાયના ફોર્મ ભરાવતા હોય પિતાનું મૃત્યુ સુરતની સ્મિમેર હોસ્પિટલમાં થયું હોય તેનું પ્રમાણપત્ર લેવા માટે સોમવારે આયુષ પટેલ તેમના ભાઈ અજય અરવિદભાઈ પટેલ (ઉ.વ.36 રહે.નવેરા વલસાડ) સાથે કાર નંબર DN 09 J 2075માં સવારે ઘરેથી નીકળ્યા હતા. તેઓ સુરત જતા હોય તેમના ફુઇના દીકરા મયુર નીતિનભાઈ પટેલ (રહે.રાનકુવા તા.ચીખલી નવસારી)ને પણ સાથે લઈ ગયા હતા. ત્યારે સવારે 9.30 વાગ્યાના સુમારે કાર ચાલક ધોળાપીપળા ઓવરબ્રિજ પાસે કારચાલકથી સ્ટીયરીંગ ઉપર કાબુ ન રહેતા ને.હા. પર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર પસાર થયેલ ટેન્કર નંબર GJ 19 X 2871ના આગળના ભાગે જોરથી અથડાવી દેતા કારનો કચ્ચરઘાણ થઈ જતા કારની અંદર બેસેલા કારચાલક અજય પટેલ (ઉ.વ.36), આયુષ ભરત પટેલ (ઉ.વ.20 રહે.નવેરા ગામ, વલસાડ) અને મયુર નીતિન પટેલ (રહે.રાનકુવા, ચીખલી)નું કારની અંદર જ કચડાઈ જતા કમકમાટી ભર્યું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોસઈ પીવી પાટીલ અને સતાફ આવીને મૃતકોની બોડીને બહાર કાઢી ઓળખાણ કરાવી તેમના સ્વજનોને બોલાવ્યા હતા. ત્યારબાદ યુવાનોના મૃતદેહને પીએમની કાર્યવાહી પૂર્ણ કરી તેમના સ્વજનોને મોડી સાંજે કબ્જો આપ્યો હતો.

ટેન્કર ચાલકે અકસ્માતની ફરિયાદ નોંધાવી
સુરતના સુમુલ ડેરીમાં કામ કરતા ટેન્કર ચાલક સૂરજ શ્યામનારાયન યાદવે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સુમુલ ડેરીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. તેઓ સોમવારે ટેન્કર લઈ અમદાવાદથી મુંબઈ તરફ હાઇવે નંબર 48 ઉપર પસાર થતા હતા ત્યારે મુંબઈથી અમદાવાદ તરફના ટ્રેક પર એક કાર નંબર DN 09 J 2075ના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી હંકારી લાવી સ્ટીયરીંગનો કાબુ ગુમાવી ડિવાઈડર કુંડાવી તેમના ટેન્કરના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ દેતા કારનો આગળનો ભાગ દરવાજા સુધી તૂટી ગયો હતો. કારમાં બેસેલા ઇસમોના હાથ, પગ, માથા અને શરીરના ભાગોમાં ઇજા થઇ હતી. કાર ચાલક અજય પટેલ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

ત્રણ યુવાનોના અકાળે મોતથી શોક છવાયો
નવસારીના રાનકુવા ખાતે રહેતા મયુર પટેલ ગાંધીનગર ખાતે એંજીનિયરીંગ કોલેજમાં બી.ઇના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના વલસાડ ખાતે રહેતા મામાના દિકરા આયુષ તેના પિતાનું મરણનું પ્રમાણ પત્ર લેવા જતા મયુર પટેલને પણ સાથે લઈ ગયા અને નવસારીમાં ને.હા.નંબર 48 ઉપર દુર્ઘટના બની. પટેલ પરિવારમાં એકી સાથે 3 યુવાનોના આકસ્મિક નિધન થતા શોકનો માહોલ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...