નવસારી રેલવે સ્ટેશને ઉભી રહેતી ત્રણ લોકલ ટ્રેનો અને એક ફાસ્ટ ટ્રેન સામાન્ય લોકો માટે શરૂ કરવામાં આવે તેની રજૂઆત કરવા છતાં રેલવે વિભાગે તેની દરકાર લીધી નથી. લોકલ ટ્રેન થકી નવસારી સ્ટેશનને વર્ષે અંદાજીત 12 કરોડ જેટલી આવક મળે છે. છતા મુસાફરોને હાલાકીને તથા રેલવે કમિટિના સભ્યો,સાંસદ સહિતની રજૂઆતને પણ તંત્ર ઘોળી પી ગયું છે. જેને લઇ રોજિંદા મુસાફરી કરતાં 30 હજાર મુસાફરોની જગ્યાએ હવે માંડ 10 હજારની આસપાસ જ થઇ ગયા છે. લોકલ ટ્રેન શરૂ નહીં કરાતા મુસાફરોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
નવસારીના રેલવે સ્ટેશન ઉપર કોરોના કાળ પહેલા મુસાફર ટ્રેન નિયત સમય મુજબ ઉભી રહેતી હતી. કોરોના મહામારી દરમિયાન ટ્રેનો બંધ કરવામાં આવી હતી પણ બીજી લહેર બાદ અમુક ટ્રેનો શરૂ કરવામાં આવી પણ હજુ પણ નાના રેલવે સ્ટેશને થોભતી ટ્રેનો શરૂ નહીં થતા લોકોને ઘણી તકલીફ પડી રહી છે.
હાલમાં નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ નવસારીના જ હોવા છતાં ટ્રેનના સ્ટોપેજ બાબતે રેલવે વિભાગ તેમની રજૂઆતને ગાંઠતું નહીં હોય તેવું લાગી રહ્યું છે. નવસારીના રેલવે સ્ટેશનથી સુરત અને મુંબઈ તરફ હજારો મુસાફરો અપડાઉન કરતા હતા.
બપોરે સુરત તરફ જતી વિરાર શટલ સુરત કે જેમાં હીરાના 4 હજારથી વધુ વેપારીઓ જતા હતા, ત્યારબાદ ફિરોઝપુર એક્સપ્રેસ સુરત તરફ બપોરના સમયે જતી ફાસ્ટટ્રેન અને સુરત-વલસાડ લોકલ ટ્રેન, મુંબઈ-અમદાવાદ પેસેન્જર જેવી મુસાફરો માટે મહત્ત્વની ટ્રેન ચાલુ નહીં કરતા લોકો નોકરીએ જવા માટે બસ અને પોતાના વાહનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
સાંસદ સી.આર.પાટીલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ હોવા છતાં તેમની રજૂઆતને પણ ઘોળીને પી ગયેલા પશ્ચિમ રેલવેના અધિકારીઓ આવી માત્ર લોલીપોપ આપી તમારી માગ ત્વરિત પુરી થશે એવી હૈયા ધરપત આપે અને રેલવે કમિટીના સભ્યો રાજી થાય પણ લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી.
નવસારીના નેતાઓનું પાણી મપાયું
કોરોના ઓસરતા કેટલીક ટ્રેનો ચાલુ કરાઈ હતી, પરંતુ હજી સુધી લોકલ અને ફાસ્ટ ટ્રેનો ચાલુ નહીં કરાતા નોકરિયાત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. આ અંગે જાણ થતા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ પશ્ચિમ રેલવેના ડી.આર.એમ. સાંસદ સી.આર. પાટીલ અને ઝેડ.આર.યુ.સી.સી.ના ઝોન અધ્યક્ષ સી.આર.પાટીલને આ ટ્રેનો સત્વરે ચાલુ કરવા ટેલિફોનિક રજૂઆત કરી હતી. રજૂઆત બાદ પણ સમસ્યા હજુ ઠેરની ઠેર છે. અધિકારીઓ હૈયાધરપત આપી જાય છે અને સભ્યો પણ રજૂઆત કર્યાનો સંતોષ લઈ રહ્યાં છે.
ટૂકા દિવસોમાં જ લોકલ ટ્રેન શરૂ કરી દેવાશે
દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ઉપયોગી એવી લોકલ ટ્રેન છેલ્લા ઘણાં સમયથી બંધ છે એ હકીકત છે. કોરોનાને કારણે આવી સ્થિતિ ઉભી થઇ હતી. જો કે હાલ સ્થિતિ સુધરતા હવે ટુકા ગાળામાં જ ફરીથી લોકલ ટ્રેન શરૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બાબતે નવસારી સહિત સુરતમાંથી પણ રજૂઆતો મળી છે. તે અંગે રેલવે વિભાગમાં પણ જાણ કરાઇ છે અને તે સગવડ પુરી પડાશે. >સી.આર.પાટીલ, સાંસદ, નવસારી.
ડાયમંડ ઉદ્યોગ માટે ઉપયોગી ટ્રેન ખાસ ચાલુ થાય
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારીથી સુરતમાં ડાયમંડ સાથે સંકળાયેલા વેપારીઓ બપોરે ટ્રેનમાં જતા તે બે ટ્રેન બંધ થઈ છે. વેપારી બપોરે ટ્રેનમાં જાય અને સાંજે પરત બીજી નવસારી આવતી ટ્રેન મળે તે રીતે વ્યવસ્થા કરતા હતા. ઉપરાંત નવસારીમાં બાંદ્રા-જયપુર એક્સપ્રેસનું સ્ટોપેજ નવસારીને મળે તે માટે સાત વર્ષની રજૂઆત છતાં સ્ટોપેજ મળ્યું નહીં. પેસેન્જર ટ્રેન સમયસર અને બદલાયેલ ટ્રેનોના રૂટ પુનઃ. જુના સમય પ્રમાણે જ થાય તે માટે રજૂઆત કરી છે. >સંજય શાહ, ZRUCC કમિટી મેમ્બર, પ.રેલવે.
કોરોના બાદ હવે સ્થિતિ સુધરી છે ત્યારે લોકલ ટ્રેન શરૂ કરાય તે જરૂરી
કોરોના પહેલા 30 હજાર લોકો આવનજાવન કરતા પણ કોરોના બાદ શરૂ થયેલ ટ્રેનોના સમયપત્રક બદલાયા અને મુસાફરોને અગત્યની લોકલ ટ્રેનોની શરૂઆત કરાઈ નહીં. 3 વર્ષથી લોકો હેરાન થઈ રહ્યાં છે. પેટ્રોલનો ભાવ વધ્યો, પોતાના વાહનો લઈ જતા અકસ્માતની સંખ્યા વધી, શિડ્યુલ પ્રમાણે ટ્રેનો શરૂ થાય અને સામાન્ય લોકોની લોકલ ટ્રેન શરૂ થાય એવી માગ છે. >મહેશ બાસ્તીકર, પ્રમુખ, આપ, નવસારી-વિજલપોર શહેર
બે-ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણય ની અપેક્ષા છે
નવસારી રેલવે સ્ટેશને આવતી લોકલ ટ્રેનો અને આવશ્યક ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ બાબતે નવસારી જિલ્લાના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલવેના અધિકારીને લેખિતમાં રજૂઆત થઈ છે. બે ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણયની અપેક્ષા છે. >ભરતભાઈ સુખડીયા, DRUCC મેમ્બર, પશ્ચિમ રેલવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.