ઘર માથે પડેલી કુદરતી આફતે નવસારીના દાંડીવાડમાં રહેતા ત્રણ આદિવાસી પરિવારોના માથેથી છત છીનવી લીધી હતી. દોઢ મહિના અગાઉ ચોરમલાનું વિશાળકાય ઝાડ જમીનદોસ્ત થતા ત્રણ ઘરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેને કારણે ત્રણ આદિવાસી પરિવારોએ મજબૂરીમાં નજીકની જર્જરીત સ્કૂલમાં આશરો લેવો પડ્યો હતો. જ્યારે ઘર બનાવવા પાલિકાએ આર્થિક સહાયની જાહેરાત કર્યા બાદ પણ આજ દિન સુધી મદદરૂપ ન થતા દિવ્ય ભાસ્કર દ્વારા ગઈકાલે અહેવાલ પ્રસિદ્ધ થયાના ગણતરીના કલાકોમાં પાલિકા પ્રમુખ જીગિષ શાહ અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈને 55 હજારની સહાયની ચેક આપ્યા હતા.
નવસારીના દાંડીવાડમાં દોઢ મહિના અગાઉ વિશાળકાય ચોરમલાનું ઝાડ ધરાશાયી થતા પાંચ આદિવાસી પરિવારોના ઘર ઉપર પડ્યું હતું. જેમાં ત્રણ ઘરોને સંપૂર્ણ નુકશાન થયું હતું અને ઘર વખરી પણ ઝાડ નીચે દબાતાં ત્રણેય પરિવારોને માથા પરથી છત જતા આકાશ નીચે રહેવાની નોબત આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક નગરસેવકો અને પાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં ત્રણેય પરિવારોને નજીકની જર્જરિત થયેલી શાળામાં રાખવા રૂમ ફાળવી આપ્યા હતા. જ્યારે શાળા જર્જરિત હોવાથી પરિવારો ભયના ઓથા હેઠળ રહી રહ્યા હતા અને પોતાનું ઘર વહેલું બનાવી શકાય એવા પ્રયાસો હાથ ધર્યા બાદ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલએ પણ પીડિત પરિવારોની મુલાકાત લેતા પાલિકા તંત્ર ઊંઘતું ઝડપાયું હતું.
ઝાડ ધરાશાયી થયા બાદ નવસારી-વિજલપોર પાલિકાએ પાંચેય અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય કરવાની ખાતરી આપી હતી, પરંતુ દોઢ મહિનો વિત્યા બાદ પણ સહાય ન મળતા ગરીબ આદિવાસી પરિવારો મૂંઝાઈ રહ્યા હતા. સાથે જ ચોમાસામાં જર્જર શાળામાં રહેવાનું પણ જીવનું જોખમ હોવાથી, ચિંતિત બન્યા હતા ત્યારે હાલમાં ચેક મળતા તેઓ પોતાના ઘરને સરખુ કરાવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.