"મારી દીકરીને પણ ન્યાય આપો":વડોદરા દુષ્કર્મ પ્રકરણને સાડા ત્રણ મહિના વિતી ગયા હોવા છતાં પરિવાર ન્યાય માટે તરસ્યો, મૃતક યુવતીની માતાએ હર્ષ સંઘવીને ગુહાર લગાવી

નવસારી6 મહિનો પહેલા
  • હર્ષ સંઘવીએ જે-તે સમયે પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી
  • અમને ન્યાય મળશે તેવો ભરોસો અપાયો હતો, સમય વીતવાની સાથે વિશ્વાસ પણ ઘટતો જઈ રહ્યો - માતા

હાલમાં સુરત ખાતે ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડથી સમાજમાં દીકરીઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થ થયા છે. ગ્રીષ્માના ગળા પર ચપ્પુ ફેરવનાર ફેનીલને સજા થાય તેવી માંગ ચારેકોરથી ઉઠી રહી છે. ત્યારે સાડા ત્રણ મહિના અગાઉ વડોદરામાં દુષ્કર્મ અને ત્યારબાદ કથિત રીતે આત્મહત્યા કરનાર નવસારીની દીકરી સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયા નથી. જેને ન્યાય મળે તે આશામાં દીકરીની માતાના આંસુ સુકાતા નથી.

નોંધનીય છે કે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પીડિત પરિવાર સુરત સર્કિટ હાઉસ ખાતે મળવા ગયો હતા. ત્યારે હર્ષ સંઘવીએ મૃતક દીકરીને પોતાની બહેન અને તેની માતાને પોતાની માતા ગણાવીને તેમની સાથે ન્યાય થશે તેવી વાત કહી હતી. પણ સમય વીતતો ગયો અને કથિત આત્મહત્યાને 3 મહિનાથી વધુનો સમય વીતી ગયો છે. ત્યારે હર્ષ સંઘવીને પીડિત પરિવારે વેધક સવાલો ઉભા કર્યા છે અને ગ્રીષ્મા સહિત મારી દીકરીને પણ ન્યાય મળે તેવી માંગ કરી છે.

શું હતી ઘટના?

વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વિનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે યુવતીએ એ લખેલી ડાયરીમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા. આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેનું અપહરણ થયું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં સનસની જગાવી હતી અને 15 જેટલી ટીમ બળાત્કારીઓની શોધખોળમાં લાગી હતી. પરંતુ હજુ સુધી પોલીસના હાથમાં કંઈ લાગ્યું નથી. પીડિત પરિવાર 12થી વધુ વખત વડોદરા જઈ આવ્યો પણ તેમને હૈયાધારણા સિવાય કંઈ હાથ લાગ્યું નથી.

દિવ્યા ભાસ્કરે ચોંકાવનારો ખૂલાસો કર્યો હતો

દિવ્ય ભાસ્કરે યુવતી દ્વારા રેલવેના કોચમાંથી પોતાના ઉપરી સંજીવ શાહને કરાયેલા SOS મેસેજનો ઘટસ્પોટ કર્યો હતો. જેથી પોલીસે ઓએસીસ સંસ્થાના કેટલાક વિદ્યાર્થીઓ અને સંચાલક સંજીવ શાહની તપાસ શરૂ કરી હતી. પણ પોલીસ હજી સુધી આ કેસમાં ખાસ કંઈ ઉકાળી શકી નથી, જેથી પીડિત પરિવારની ધીરજ ખૂટવા પામી છે.

દિવ્ય ભાસ્કર સમક્ષ રડતી આંખોએ દીકરીને માતાએ રાજ્ય સરકાર અને ગૃહ મંત્રી હર્ષવર્ધન સંઘવીને ગુહાર લગાવી છે કે જેમ સમાજની અન્ય દીકરીને તમે ન્યાય અપાવો છે તેવી રીતે મારી દીકરીને પણ ન્યાય અપાવો. અમને ન્યાય મળશે તેવો ભરોસો તો અપાયો હતો, પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ અમારો વિશ્વાસ ઘટતો જઈ રહ્યો છે. ત્યારે સુરતમાં બનેલી હાલની ઘટનામાં આરોપીને ફાંસી મળે તેવી માંગ ઉગ્ર બની રહી છે. ત્યારે નવસારીની દીકરીના પ્રકરણમાં હજુ સુધી પોલીસ આરોપીને શોધી શકી નથી. ત્યારે આ પરિવાર ન્યાયની આશ લગાવીને બેઠો છે.

અન્ય સમાચારો પણ છે...