સમસ્યા:તીઘરા જકાતનાકે પાણીની લાઇનમાં ભંગાણ, હજારો લિટર પાણી વહી ગયું

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 દિવસથી પાલિકામાં રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર

નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં આવેલા તીઘરા ગામના જકાતનાકા પાસે આવેલા શિવાલય એપાર્ટમેન્ટ પાસે છેલ્લા 4 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે, જેના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ બાબતે સ્થાનિકોએ પાલિકામાં જાણ કરી હોવા છતાં સમારકામ હાથ ધરાયું નથી.નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં તીઘરા જકાતનાકા પાસે આવેલ શિવાલય એપાર્ટમેન્ટની સામે છેલ્લા ચાર દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ થવાને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

પાલિકા સત્તાધીશોને અનેક વખત પાઈપલાઈનમાં ભંગાણ બાબતે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ અધિકારીઓનું પેટનું પાણી હાલતું નહીં હોય તેમ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેથી હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું. આ પાણીના કારણે મચ્છરજન્ય ઉપદ્રવ થાય તો આ વિસ્તારમાં રોગચાળો ફાટવાની પણ દહેશત સેવાઇ રહી છે. આ બાબતે પાલિકામાં જાણ કરવા છતાં કોઈ આવતું નહીં હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી છે. નવસારી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર પાણીની લાઇનમાં ભંગાણ થઇ રહ્યું છે એ જોતા જૂની લાઇન કાઢી નવી લાઇન નાંખવાની તજવીજ હાથ ધરાઇ તેવી પણ લોક મુખે ચર્ચા ચાલી રહી છે.

ફરિયાદનું નિરાકરણ લાવતા નથી
સરકાર એક તરફ તંત્ર પાણી બચાવોના નારા સાથે અભિયાન ચલાવે છે તો બીજી તરફ પાલિકાના જ કર્મચારીઓ પાણીની લાઈનમાં ભંગાણની ફરિયાદનું નિરાકરણ લાવતા નથી. જેના કારણે અંતે શહેરીજનોએ ભોગવવાનું આવે છે. વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ છે. પાણી બચાવવું દરેક શહેરીજનોની પ્રાથમિકતા છે. - કેશવભાઈ મહાદેવભાઈ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...