નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં આવેલી વનગંગા સોસાયટીમાં પાલિકાના કર્મચારીની ભૂલને કારણે પાણીની લાઈનમાં ભંગાણ થયું છે, જેના કારણે પાણીનો વેડફાટ થયો હતો. ઉનાળાની સિઝનમાં મોટેભાગે શહેરી વિસ્તારમાં પાણીની તંગી જોવા મળે છે. જેને પહોંચી વળવા માટે પાલિકા શહેરીજનોને મોટેભાગે એક ટાઈમ પાણી આપવાનો નિયમ બનાવે છે. જો કે, નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં આવેલી વનગંગા સોસાયટીમાં આજે ગુરૂવારે ચોમાસા જેવો માહોલ ઉભો થયો હતો.
પાલિકા સત્તાધિશોને પાઇપલાઇનમાં ભંગાણ હોવાની જાણ થતાં તેમણે પાઈપ લાઈન રિપેર કરવા ત્વરિત સૂચનાઓ આપી હતી. સાથે જ રસ્તાઓ પર રહેલા પાણીનો નિકાલ પણ કરવાની શરૂઆત થઈ હતી. હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું. સાથે જ આ પાણીના કારણે મચ્છરજન્ય ઉપદ્રવ થાય તો વિસ્તારમાં રોગચાળો ફાટવાની દહેશત પણ સ્થાનિકો સેવી રહ્યા છે.
એક તરફ તંત્ર દ્વારા પાણી બચાવોના નારા સાથે અભિયાન ચલાવવામાં આવે છે, તો બીજી તરફ પાલિકાના જ કર્મચારીઓ પાણીની લાઈનની કામગીરી વ્યવસ્થિત કરતા નથી. જેને લઈને આખરે ભોગવવાનું તો શહેરના લોકોને જ આવે છે જેવી ફરિયાદો પણ ઉભી થવા પામી છે. પાલિકાના વોટર વર્કસ કમિટીના ચેરમેન પ્રશાંત દેસાઈના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં પાલિકાના કર્મચારીની પાણીની લાઈન કામગીરીમાં બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે. ત્યારે તપાસ કર્યા બાદ જો કર્મચારી કસૂરવાર જણાશે તો તેના વિરૂદ્ધ સખત પગલાં ભરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.