નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં આવેલા હર્ષ ગંગા સોસાયટીમાં છેલ્લા બે દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ થયુ છે. જેના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
ઉનાળાની સિઝનમાં મોટેભાગે શહેરી વિસ્તારમાં પાણીની તંગી જોવા મળે છે. જેને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા શહેરીજનોને મોટેભાગે એક ટાઈમ પાણી આપવાનો નિયમ બનાવે છે. જોકે, નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ થવાને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાલિકા સત્તાધીશોને અનેક વખત પાઈપ લાઈનમાં ભંગાણ બાબતે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ અધિકારીઓનું પેટનું પાણી હાલતું ન હોય તેમ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેથી હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું. સાથે જ આ પાણીના કારણે મચ્છરજન્ય ઉપદ્રવ થાય તો આ વિસ્તારમાં રોગચાળો ફાટવાની પણ દહેશત સેવાઇ રહી છે.
એક તરફ તંત્ર પાણી બચાવો ના નારા સાથે અભિયાન ચલાવે છે તો બીજી તરફ પાલિકાના જ કર્મચારીઓ પાણીની લાઈનમાં ભંગાણની ફરિયાદનું નિરાકરણ લાવતા નથી જેના કારણે અંતે તો ભોગવવું શહેરીજનોને જ પડે છે. આ મામલે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.