માસિક ધર્મ સ્વચ્છતા દિવસ:માસિક ધર્મને લઇ વિચારો આજે પણ નથી બદલાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દેસાઈ ફાઉન્ડેશન દ્વારા લોકોને જાગૃત કરાયા હતા. - Divya Bhaskar
દેસાઈ ફાઉન્ડેશન દ્વારા લોકોને જાગૃત કરાયા હતા.
  • દેસાઇ ફાઉન્ડેશને નવસારીના જાહેર માર્ગો પર ફરીને રેલી યોજી હતી

દુનિયામાં કેટલાક દેશો આજે પણ માસિક ધર્મને લઇને લોકોના વિચારો નથી બદલાયા. જેને કારણે આજે પણ મહિલાઓ ખુલીને આ વિષય પર વાત નથી કરી શકતી. લોકોના આ વિચારોને બદલવાના આશયથી દર વર્ષે વિશ્વ માસિક ધર્મ સ્વચ્છતા દિનની ઉજવણી કરવામાં આવે છે. નવસારીમાં પણ આ વિષયની જાગૃતિ લાવવાના હેતુથી જાહેર માર્ગો પર ફરીને તથા અલગ-અલગ એક્ટિવિટી અને પ્રોગ્રામ કરીને દેસાઇ ફાઉન્ડેશન સતત કાર્યરત છે.

‘વિશ્વ માસિક ધર્મ સ્વચ્છતા દિવસ’ એટલે કે ‘વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે 2022’ દર વર્ષે 28 મેના રોજ ઉજવવામાં આવે છે. તેનો હેતુ મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાનું મહત્વ સમજાવવાનો છે. ગામડાઓ અને શહેરોમાં રહેતી લાખો મહિલાઓ હજુ પણ તેનાથી સંબંધિત ઘણી મહત્વપૂર્ણ માહિતીથી અજાણ છે અને તેઓ એ પણ જાણતા નથી કે તેમની થોડી બેદરકારી તેમને હેપેટાઇટિસ બી, સર્વાઇકલ કેન્સર, યોનિ સંક્રમણ જેવા ગંભીર રોગો તરફ ધકેલી શકે છે. તેની અસર મહિલાઓને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ લાંબી ઉંમર સુધી હેરાન કરી શકે છે.

મહિલાઓને આવી સ્થિતિ માંથી પસાર ન થવું પડે તેના માટે આશરે એક દાયકાથી પણ વધુના સમયથી દેસાઇ ફાઉન્ડેશન સતત કાર્યરત છે. માસિક ધર્મ વિશે મહિલાઓ તથા તેના પરિજનોને માહિતગાર કરી જાગૃતિ ફેલાવવાના કાર્યો કરી રહી છે. નવસારી અન્ય જિલ્લા અને અલગ-અલગ રાજ્યોમાં પણ તેઓ પોતાની સેવા આપી રહ્યાં છે. દેસાઇ ફાઉન્ડેશનના કર્મીઓએ નવસારીના જાહેર માર્ગો પર ફરીને જાગૃતિના પોસ્ટર સાથે રેલી યોજી હતી. જેમાં લોકોને મળીને સમજણ આપવામાં આવી હતી.

વાસ્તવમાં દુનિયાભરમાં આજે પણ કેટલાક એવા સમાજ છે, જ્યાં મહિલાઓ આ વિષય પર ખુલીને વાત નથી કરતી. આવી સ્થિતિમાં, આ દિવસે એવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે લોકોને કહેવામાં આવે કે માસિક ધર્મ એ ગુનો નથી, પરંતુ તે એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે. જેના પર ઘરમાં અને સમાજમાં ખુલીને વાત કરવાની જરૂર છે, જેથી મહિલાઓ અને યુવતીઓને ગંભીર અને જીવલેણ રોગોથી બચાવી શકાય.

વિશ્વ માસિક ધર્મ સ્વચ્છતા દિવસનો ઇતિહાસ
સૌથી પહેલા માસિક ધર્મ સ્વચ્છતા દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2014માં જર્મનીના વૉશ યુનાઈટેડ નામમા એક એનજીઓએ કરી હતી. દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. ખરેખર, આ દિવસ પસંદ કરવા પાછળનું પણ એક કારણ છે. સામાન્ય રીતે, મોટાભાગની સ્ત્રીઓનું માસિક ચક્ર 28 દિવસનું હોય છે. આ જ કારણ છે કે આ દિવસની ઉજવણી માટે 28મી તારીખ પસંદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...