નવસારીમાં અનેક મહાપુરુષોની જન્મજયંતી અને પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિના જાહેર કાર્યક્રમો યોજાય છે પણ ભારતીય ઉદ્યોગના ભીષ્મપિતામહ નવસારીના સપૂત જમશેદજી ટાટાના જન્મદિવસે પુનઃ શુક્રવારે કાર્યક્રમો યોજાયા નહીં.
નવસારી શહેરમાં સરકારી તંત્ર ઉપરાંત રાજકીય પક્ષો દેશમાં મહત્વનું યોગદાન આપનાર મહાનુભાવો જેવા કે ગાંધીજી,સરદાર પટેલ, પંડિત નહેરુ, દીનદયાળ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખરજી, ડો.આંબેડકર વગેરેને તેમની જન્મજયંતી, પુણ્યતિથિએ યાદ કરી પુષ્પાંજલિ કરવાના જાહેર કાર્યક્રમનું આયોજન કરે છે, જે સારી બાબત છે પણ માત્ર દેશ જ નહીં દુનિયામાં પોતાના નવસારી શહેરનું નામ રોશન કરનાર શહેરના સપૂત જમશેદજી ટાટાને તેની જન્મજયંતીએ કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું નથી.
3 માર્ચ 1839ના રોજ નવસારીના દસ્તુરવાડ વિસ્તારમાં જન્મેલ જમશેદજી ટાટાએ પ્રથમ મોટો ઉદ્યોગ દેશમાં સ્થાપ્યો હતો જેને કારણે તેઓ ભારતીય ઉદ્યોગ જગતના ભીષ્મપિતામહ કહેવાય છે. એટલું જ નહિ તેમના દ્વારા કરાયેલ દાન એટલું ઘણું છે કે દોઢ વર્ષ અગાઉ હુરુન રિપોર્ટના સરવેમાં તેઓ દુનિયાના સૌથી મોટા દાનવીર પણ જાહેર થયા હતા. તેઓ નવસારીના સપૂત હોવા છતાં 3 માર્ચ શુક્રવારે તેમના જન્મદિને સરકારી તંત્ર યા રાજકીય પક્ષ દ્વારા પુનઃ કોઈ જાહેર કાર્યક્રમ થયો નહીં. જોકે તેમના જન્મસ્થળના ઘરે જશન વિધિ (પારસી પૂજા વિધિ) જરૂર થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે શહેરમાં ટાટા પરિવારની શાળા, ઓડિટોરિયમ વગેરે પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.