તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરીની મહોર:મરોલી રેસ્ટ હાઉસની પડતર જગ્યામાં શોપિંગ સેન્ટર-પાર્ટી પ્લોટ બનશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા એકપણ પ્રશ્ન વિના 20 મિનિટમાં જ પૂર્ણ, પ્રમુખે અધ્યક્ષ સ્થાનેથી પ્રોજેક્ટ મૂક્યો
  • રૂ. 55 લાખના ખર્ચે આ બંને પ્રોજેક્ટ માટે સભામાં મંજૂરીની મહોર, સ્ટેમ્પ ડ્યુટીમાંથી વિવિધ કમિટીના વિકાસ કામોને બહાલી અપાઇ

નવસારી જિલ્લા પંચાયતની સોમવારે મળેલી સામાન્ય સભા કોઈપણ પ્રશ્ન વગર 20 મિનિટમાં પૂર્ણ થઈ હતી. સભામાં 18 કામને મંજૂરી આપવામાં આવ્યાં બાદ પ્રમુખસ્થાનેથી બે કામ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં મરોલી રેસ્ટ હાઉસ પાસે પડતર જગ્યામાં શોપિંગ સેન્ટર અને પાર્ટી પ્લોટ બનાવવા 55 લાખના ખર્ચની મંજૂરી અપાઈ હતી.

ઉપરાંત 3.50 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. નવસારી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બજેટ બાદ સોમવારે બીજી સામાન્ય સભા હતી. આ સભામાં પ્રમુખ ભીખુભાઇ આહીર, નવનિયુક્ત ડીડીઓ અર્પિત સાગર, ડેપ્યુટી ડીડીઓ દૃષ્ટિ શુક્લાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 3 અને ભાજપના 26 સભ્યની ઉપસ્થિતિમાં કોઈપણ પ્રશ્ન વગર માત્ર 20 મિનિટમાં સભા પૂર્ણ થઈ હતી. આ સભામાં 18 કામો અને પ્રમુખસ્થાનેથી કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં આઇસીડીએસ વિભાગમાં બાળ તંદુરસ્તીની સ્પર્ધા, નવા શૌચાલય, રંગકામ અને 3 થી 6 વર્ષના બાળકો માટે દૂધ સંજીવની માટે 65 લાખ ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી.

આયુર્વેદ શાખામાં જિલ્લામાં આવેલા 11 દવાખાનામાં કબાટની ખરીદી, દિશાસૂચક બોર્ડ, પંચકર્મના સાધનો માટે કુલ 8 લાખની જોગવાઈ કરવામાં આવી, સગર્ભા માતાઓને પણ પોષણની કીટ માટે 11.37 લાખના ખર્ચની મંજૂરી અપાઈ હતી. જિલ્લામાં આવેલા 8 જર્જરિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા બનાવવામાં આવશે. મરોલીમાં આવેલા રેસ્ટ હાઉસની જગ્યા પડતર હોય જિલ્લા પંચાયત દ્વારા શોપિંગ સેન્ટર અને પાર્ટી પ્લોટ બનાવવા પ્રમુખે રજૂ કરવામાં આવતા તેને પણ મંજૂરી આપવામાં આવી હતી. 55 લાખના ખર્ચે બનનાર આ શોપિંગ સેન્ટર અને પાર્ટી પ્લોટથી પંચાયતને દર વર્ષે 70 હજારની આવક થશે.

ઉપરાંત 60 લાખ ડિપોઝીટ અને તેના વ્યાજ પેટે 70 હજારની આવકનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લા પંચાયત ભવન અને અધિકારીના નિવાસસ્થાને 18.74 લાખના ખર્ચે સોલાર પેનલ નાંખવામાં આવતા તેના ખર્ચની મંજૂરી અપાઈ હતી. નવસારી જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં જ પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલા મરોલી આરામ ગૃહની પડતર જગ્યામાં શોપિંગ સેન્ટર અને પાર્ટી પ્લોટ બનાવવાની વાતથી સૌ માં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. તમામ સભ્યે આ કામને વધાવી લઇ શુભેચ્છા આપી હતી.

સિંચાઇના ચેરમેનને આરોગ્ય સમિતિના ચેરમેન બનાવાયા
આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે નગીનભાઈ ગાંવિતની પસંદગી કરવામાં આવી હતી. તેમનું કોરોનાના કારણે અવસાન થતાં સોમવારે મળેલી સભામાં 2 મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલી અપાઈ હતી. તેમની જગ્યાએ સિંચાઈ સમિતિના પરેશ પટેલે ચેરમેનપદેથી રાજીનામુ આપ્યું અને તેમને આરોગ્ય સમિતિના ચેરમેન બનાવવાની દરખાસ્ત પ્રમુખ ભીખુભાઇ આહિરે કરતા તે મંજૂર કરવામાં આવી હતી.

સભ્યો પ્રશ્ન રજૂ કર્યા વિના મૂકપ્રેક્ષક બન્યા
જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રથમ જ હોય જેમાં ભાજપના 26 અને કોંગ્રેસના 3 સભ્ય હાજર રહ્યાં હતા. જોકે આ સભામાં ડેપ્યુટી ડીડીઓ દૃષ્ટિબેન શુક્લાએ સભાનું સંચાલન કર્યું હતું. 7 દિવસ પહેલા તેમણે પ્રશ્ન આપવાના હોવાની જાહેરાત પણ કરી હતી. છતાં કોઈએ પ્રશ્ન નહીં આપતા તમામ સભ્યો મૂક બની શાંત ચિત્તે સભા સાંભળતા હતા.

જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની પણ રચના કરાશે
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને હવે જિલ્લા પંચાયતમાં પણ જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવશે. જેમાં પ્રમુખ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખને જવાબદારી સુપરત કરવામાં આવી હતી.

સભ્યોને વિકાસના કામો માટે દાતા શોધવા અપીલ
ગામોમાં વિકાસ કરવા માંગતા ગામમાં નવી આંગણવાડી, રસ્તા, ચોરો બનાવવા, પાણીની સુવિધા, સ્મશાન ગૃહ કે મુખ્ય પ્રવેશદ્વારથી ગામમાં જવાના મુખ્ય માર્ગ માટે દાતાઓ આગળ આવશે અને દાન આપશે. તેટલી જ રકમ સરકાર આપીને આ વિકાસના કામો કરશે તેવી યોજના આવતા દરેક સભ્યોને વિકાસના કામો માટે દાતાઓ શોધવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...