અધિકારી જ નથી:જિલ્લાના સૌથી મોટા પૂરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી જ ન હતા

નવસારી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીપીઓની જગ્યા છેલ્લા 5 મહિનાથી ભરાઈ જ નથી

કુદરતી આફત માટે બનાવાયેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં નવસારી જિલ્લામાં 5 મહિનાથી અધિકારી જ નથી. જિલ્લામાં મોટું પૂર આવ્યું ત્યારે અધિકારી જ ન હતા. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દરેક જિલ્લાઓમાં શરૂ કર્યો છે.આ જિલ્લાઓમાં ડિસ્ટ્રીકટ પ્રોજેકટ ઓફિસર (ડીપીઓ)ની નિમણૂક કરવામાં આવે છે.આ વિભાગ દ્વારા પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આફતના સમય માટે પ્લાનિંગ વગેરે કરવામાં આવે છે. અહીંના નવસારી જિલ્લામાં પણ આ ડીપીઓની જગ્યા છે.

જોકે મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં ફેબ્રુઆરી મહિનામાં અહીંના ડીપીઓએ રાજીનામુ આપ્યા બાદ છેલ્લા 5 મહિનાથી જગ્યા ખાલી જ છે. ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં થોડા દિવસ અગાઉ મોટા ઘોડાપૂરના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં ડીપીઓ જ ન હતા. વલસાડના ડીપીઓને નવસારીનો ચાર્જ અપાયો છે પણ વલસાડમાં પણ એજ સમયે પૂરની સ્થિતિ હોય ત્યાંના ડીપીઓ નવસારીમાં વધુ સમય ગેરહાજર જ રહ્યાનું જાણવા મળ્યું છે.

જ્યારે નવસારી જિલ્લામાં ચોમાસામાં લગભગ દર વર્ષે પૂર આવે છે, દરિયાકાંઠાનો વિસ્તાર હોય વાવાઝોડું, ભરતીની સમસ્યા પણ રહે છે આમ છતાં તંત્રે અહીં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીની જગ્યા ભરવાની તસ્દી લીધી નથી. ડીપીઓની કામગીરી પણ ફ્લડ કન્ટ્રોલ વિભાગના કર્મચારીઓએ કરવી પડે છે. શું તાકીદે અહીંની ખાલી જગ્યા પુરવામાં આવશે ?

અન્ય સમાચારો પણ છે...