તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • There Is Such A Shortage Of Water That Even Giving Water To A Guest Coming Home Has To Be Considered, Water Problem In Cherrapunji Of Gujarat

વિકરાળ સમસ્યા:ગુજરાતના ચેરાપૂંજીમાં પાણી સમસ્યા, સ્થાનિકો બિન આરોગ્યપદ અને ડહોળુ પાણી પાવી માટે મજબૂર

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં 100 ઇંચ વરસાદ પણ લોકોના ઘર સુધી પાણી પહોંચતું નથી
  • આઝાદીથી આજ સુધી પીવાના પાણીને લઈને ડાંગમાં સમસ્યા ઉકેલાઇ નથી

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં પડે છે. જેને કારણે ડાંગને રાજયનું ચેરાપૂંજી કહેવામાં આવે છે, જોકે સૌથી વધુ વરસાદ વરસતો હોવા છતાં અહીંયા માત્ર ઉનાળામાં નહિ પણ બારે માસ પાણીની સમસ્યા જોવા મળે છે. અને સ્થાનિક આદિવાસીઓને પાણી ભરવા માટે દૂર જવું પડે છે.

જિલ્લામાં સરેરાશ 100 ઇંચ કરતાં વધુ વરસાદ

રાજ્યના ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામાં સરેરાશ 100 ઇંચ કરતાં વધુ વરસાદ પડતો હોય છે. ચોમાસામાં લોકો ખાસ અહીંયા નદીઓ અને કુદરતી ધોધ જોવા દૂરદૂરથી આવતા હોય છે. તેમ છતાં અહીંયા રહેતા આદિવાસી લોકો માટે પીવાના પાણીની સમસ્યા ખૂબ મોટી છે, મોટા ભાગના ગામોમાં લોકોએ પાણીમાટે દુરદુર ભટકવું પડે છે. દિવસ હોયકે રાત પાણી માટેની લાઈન જોવા મળે છે. ગામમાં અને ઘરોમાં પાણી પહોંચાડવા માટે સરકારની વિવિધ યોજના નિષ્ફળ જોવા મળે છે. જ્યા ટાંકી બનાવી છે ત્યાં પાણી પહોંચતું નથી નળ કનેક્શન હોય ત્યાં પાણી આવતું નથી. સોનગીર ગામની મહિલાઓ પાણી માટે રોજ માથે બેડા લઈને 2 કિલોમીટરનો પહાડ ચઢે છે. ગામની તળેટીમાં આવેલ કુવાના આધારે જીવતા લોકો ઉનાળામાં માંડ તરસ મિટાવે એટલું પાણી મેળવી શકે છે. ત્યારે ચોમાસામાં તેમના નસીબમાં ડહોળું પાણી હોય છે.

દૂષિત પાણીને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર

બિન આરોગ્યપદ અને ડહોળા પાણીને કારણે અને જુદા જુદા પ્રકારના રોગના ભોગ બનવું પડે છે. કમનસીબે આવું પાણી લેવા માટે પણ ગામના લોકોએ દુરદુર ભટકવું પડી રહયું છે. જંગલ વિસ્તારને કારણે અહિયાં હિંસક પ્રાણીનો ભય રહે છે જેથી લોકો સમૂહમાં પાણી લેવા જાય છે અને તેમાં પણ સાથે સુરક્ષા માટે એક બે માણસ જતા હોય છે. સાપુતારાથી નજીક મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલ બરડા ગામની હાલત સોનગીર કરતાં પણ ખરાબ છે. આદિવાસી અને પછાત ગામોમાં સરકારે વીજળી, રસ્તા સાથે મોબાઈલ નેટવર્ક ની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓને કારણે અહીંયા લોકો માટે જીવન જરૂરી એવું પાણી પહોંચતું નથી.

પાણીની વાસમો યોજના બિનઉપયોગી

બરડા ગામે વાસમો યોજના હેઠળ બનવવામાં આવેલી ટેન્ક તૂટી ગઇ છે. અહિયાં પણ ઘર ઘર પાણીએ માત્ર સ્વપ્ન જેવું લાગે છે. વર્ષો જૂનો પાણીનો કૂવો પણ જમીનમાં ધસી પડ્યો છે. જોકે એક માત્ર આધાર હોય એટલે મહિલાએ જીવન જોખમે આ કુવાની તૂટેલી પાળ ઉપર ચઢીને કે કુવામાં નીચે ઉતરીને પાણી લેવા મજબૂર છે. જિલ્લાના આગેવાનોના કહેવા મુજબ માનવજીવન અને પશુપાલન માટે જરૂરી એવા પાણી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પૈસા આપે છે. પરંતુ અહીંના અધિકારીઓ મોટા ભાગની યોજના કાગળ ઉપર બતાવી લોકોના જીવન સાથે રમત રમી રહ્યાં હોય એવું લાગે છે. જિલ્લામાં યોગ્ય સંકલન અને આયોજનના અભાવે ડાંગમાં પાણીની સમસ્યા હલ થઈ શકતી નથી.

પશુપાલન માટે પણ પાણી ઉપલબ્ધ થતું નથી

સોનગીર ગામના રહેવાસી ઝીપરભાઈ ગાવીતના જણાવ્યા મુજબ અમે ડુંગર ઉપર રહીએ છીએ અને પાણીની સમસ્યા વર્ષોથી ઉકેલાઈ નથી. બે કિલોમીટર પર આવેલા પાણી પુરવઠાના કુવે જઈને પાણી મજબૂરીવશ પાણી ભરવું પડે છે. હિંસક પ્રાણીઓનો ખતરો રહેતા હંમેશા બે થી વધુ લોકો પાણી ભરવા માટે જતા હોય છે. સ્થાનિક મહિલા છાયાબેન દેશમુખએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે જ્યારે પરિવારને પાણી અપૂરતું મળે છે. તો ઘરે આવેલા મહેમાનને કઈ રીતે પાણી પૂછી તે પણ એક મોટો સવાલ છે. પશુપાલન માટે પણ પાણી ઉપલબ્ધ થતું નથી.

ગામમાં શોભાના ગાંઠિયા સમાન બનાવેલા બોર

ગામમાં શોભાના ગાંઠિયા સમાન બનાવેલા બોર અને કુવા બિનઉપયોગી થયા છે. કામ કરવા જઈએ તો પાણી ભરવાનું રહી જાય અને પાણી ભરવા જઈએ તો કામ બાકી રહી જાય આવી ગંભીર પરિસ્થિતિમાં અમે જીવન જીવવા મજબૂર બન્યા છે. કોઈ રાજકારણીઓએ વર્ષો બાદ પણ અમારી સુધ લીધી નથી કે તમે કઈ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યાં છે.

વર્ષોથી સરકારી ગ્રાન્ટ પાણીમાં જઈ રહી છે

ડાંગ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરીએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ડાંગના 311 ગામડા અને ત્રણ તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં વાસમો પાણીપુરવઠાની યોજના દ્વારા પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ વર્ષો સુધી થઈ શક્યું નથી. પાણી પુરવઠાના અધિકારીઓ ટેબલ પર પ્લાન એસ્ટીમેટ બનાવે છે. અસરગ્રસ્ત ગામડાઓનો સર્વે વર્ષો બાદ પણ થયો નથી. માત્ર ટેબલ પર 20 થી 40 લાખની આભાસી યોજના બનાવીને કામ કર્યાનો સંતોષ અધિકારીઓ માને છે. ગામમાં આવીને અણઘડ વહીવટ દ્વારા કુવો અને બોર બનાવી દેવામાં આવે છે. પણ જળ સ્તર નીચા જતા રહેતા તે ગ્રામજનો માટે બિન ઉપયોગી સાબિત થયા છે. અને વર્ષોથી સરકારી ગ્રાન્ટ પાણીમાં જઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...