તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંકડાના જાદુગર:લાંબાગાળાના ફાયદા ગણાવવાનો કોઇ અર્થ નથી, દૂરના ભવિષ્યનું કોઇ ભવિષ્ય નથી હોતું : પ્રશાંતચંદ્ર મહાલનોબિસ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2006થી દર વર્ષે 29 જૂન આંકડાશાસ્ત્રીની યાદમાં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવાય છે

ભારતના આંકડાશાસ્ત્રના પિતા તથા આંકડાના જાદુગર તરીકે પી.સી.મહાલનોબિસ તરીકે પ્રખ્યાત છે. તેઓનો જન્મ 29મી જૂન 1893એ કલકત્તામાં થયો હતો. તેઓનું મૃત્યુ 28મી જૂન 1972એ થયું હતું. તેમના પિતાનું નામ ચન્દ્ર મહાલનોબિસ હતા. તેઓએ બાળપણનો સમય તેમના દાદા ગુરૂચરણ સાથે પસાર કર્યો હતો તેમની પાસેથી તેઓને સામાજીક અને રાજકીય જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

પ્રશાંતના જીવન ઘડતરમાં કવિગુરૂ રવિન્દ્રનાથ ટાગોરનો સિંહ ફાળો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ શાંતિનિકેતનમાં જ લીધું હતું. પ્રશાંતને આંકડાશાસ્ત્રમાં રસ લેતા કરનાર પ્રોફેસર બિજેન્દ્રનાથ સીલ હતા. તેમણે પ્રશાંતની રૂચિને ધ્યાને રાખીને આંકડાશાસ્ત્રમાં વધુ અભ્યાસ કરવાની પ્રેરણા પ્રોફેસર સીલે પુરી પાડી હતી. પી.સી.મહાલનોબિસ કલકત્તામાં વિજ્ઞાનમાં બીએ પાસ થયા હતા.અભ્યાસ કરવાની તેમની ભુખને સંતોષવા તેઓ 1913માં ગણિત અને ભૌતિક શાસ્ત્રના વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા. જયાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી હતી.

1915માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઇંગ્લેન્ડની સારી તક છોડીને પ્રશાંતચંદ્ર મહાલનોબિસ ભારત પરત આવી ગયા અને કલકત્તા પ્રેસિડેન્સી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે કારકિર્દી આરંભી હતી. આ દરમિયાન તેમણે આંકડાશાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો. તેઓ માનતા હતા કે, લાંબાગાળાના ફાયદા ગણાવવાનો અર્થ નથી.દુરના ભવિષ્યનું કોઇ ભવિષ્ય નથી હોતું તેઓ ઝડપથી પરિવર્તન લાવવા માંગતા હતા. આર્થિક યોજના અને આંકડાશાસ્ત્રના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન બદલ ભારત સરકારે તેઓના જન્મદિવસ 29 જૂનને વર્ષ 2006થી રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવણી કરીને તેઓનું સન્માન કર્યુ છે. 29 જૂનને પી.સી.મહાલનોબિસની યાદમાં દર વર્ષે આંકડાશાસ્ત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ ગર્વભેર ઉજવણી કરે છે.

કેન્દ્રિય આંકડાશાસ્ત્રીય સંસ્થા (Central Statistical Organization)નો હેતુ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલય અને વિભાગોમાં આંકડાશાસ્ત્રીય કામગીરી કરી તેઓને આંકડાશાસ્ત્રીય માર્ગદર્શન પુરૂ પાડવાનો છે. રાષ્ટ્રીય નિદર્શન તપાસ (National sample Survey Organization) આ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય નાણાકીય સમિતિને સામાજીક-આર્થિક પ્રગતિની સમાંતરની માહિતી પુરી પાડવાનો છે.

તેમણે મેળવેલી સિધ્ધિઓ
Mahalanobis Distance - (દુરીનો સિદ્ધાંત જે સ્વતંત્રતાની માત્રા શોધવા માટેનું આંકડાશાસ્ત્ર માપ છે) આ એક એવું માપ છે જેનો ઉપયોગ જનસંખ્યા સંબંધિત અધ્યયન માટે કરવામાં આવે છે. સેમ્પલ સરવે અને નમૂનાનું પરિક્ષણ તથા તેમનો સિદ્ધાંત અને વ્યવહાર જેમાં મોજણી અગાઉ થતાં પાયલોટ તપાસ અંગેની માહિતી તથા નિદર્શન પસંદ કરવાની પદ્ધતિના ઉપયોગ અંગે માહિતી આપી. (1937 થી 1944 દરમિયાન ગ્રાહકના ખર્ચ, ચા પીવાની ટેવ, લોકમત, પાકનો વિસ્તાર અને પાકને થતાં રોગો વિશે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત તેમણે 4 મીટર વર્તુળના વિસ્તારમાં પાક કાપણી અને તેના અંદાજ અંગે પરિચિત કર્યા.તેમના જીવનનું સૌથી મોટું કાર્ય હોય તો તે બીજી પંચવર્ષીય યોજનાનો મુસદ્દો તૈયાર કરવાનું છે.

બીજી પંચવર્ષીય યોજનાને મહાલનોબિસ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રથમ પંચવર્ષીય યોજનામાં ખનીજ તેમજ ઉદ્યોગો માટે રૂ.179 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જયારે બીજી પંચવર્ષીય યોજનામાં તે વધીને 1075 કરોડની કરવામાં આવી હતી. દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ તેમના મોડેલથી પ્રભાવિત થયા હતા. બીજી પંચવર્ષીય યોજનાનો ધ્યેય એક જ હતો કે આપણી જમીન, આપણા સંશાધનો, આપણી ટેકનોલોજી અને આપણે સ્વાવલંબી બનીએ. સ્ટીલ પણ ભારતમાં બને તથા મશીનો પણ ભારતમાં બને. બીજી પંચવર્ષીય યોજનાને દુનિયાનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માની લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...