વિજલપોરના રામનગરમાં આવેલ એક મોબાઈલની દુકાનમાંથી શટર ઉંચી કરી મળસ્કે 3.30 વાગ્યાના અરસામાં ચોરી કરનારા બે તસ્કર સામે દુકાનના માલિકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ સીસીટીવીમાં કેદ થયેલા ચોરટાઓ સુધી પહોંચી શકી નથી. હાલ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
વિજલપોરના રામનગરમાં રહેતા રાજકિશોર શિવપ્રતાપ શુકલાએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓની રામનગર-3મા અંબા માતાજીના મંદિર પાસે તેમની માલિકીની બાલાજી મોબાઈલ શોપ આવેલી છે. તેમના મની ટ્રાન્સફરના આવકના રોકડા રૂ. 1.10 લાખ રોકડા અને 46 મોબાઈલ કિંમત રૂ. 86202 મળી કુલ રૂ. 1.96 લાખની 20મીની રાત્રે બે તસ્કર યુવાનોએ દુકાનનું તાળું તોડી તેમાં પ્રવેશ કરી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પીઆઇ કે.બી.દેસાઈ તપાસ કરી રહ્યા છે.
જાણભેદુ હોવાની આશંકા સાથે તપાસ ચાલુ છે
ફરિયાદ કરનારે જણાવ્યું કે તેઓ મોબાઈલ વેચાણની રકમ ઘરે લઈ જતા હતા પણ એકાદ-બે દિવસથી દુકાનમાં જ મુકતા હતા. જેની જાણ કોઈને થઈ હોય એ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે! અન્ય વિસ્તારમાં સીસીટીવી જોતા એક યુવાન બાઇક લઈને આવતો અને બીજો પગપાળા આવતા હોવાની તપાસમાં ખબર પડી છે. દુકાનમાં મુકેલ સીસીટીવીમાં પિક્ચર ક્લીયર નથી. હ્યુમન અને પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ ચાલુ છે. - કે.બી.દેસાઈ, પીઆઇ, વિજલપોર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.