વિજલપુર વિઠ્ઠલ મંદિર પોલીસ ચોકીથી આશરે 500 મીટર દૂર આવેલી મોબાઈલની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ શટરનું તાળું ખોલી બિન્દાસ્ત ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. નવસારી વિજલપોર રામનગરમાં ગતરાત્રે ત્રણ વાગ્યે મોબાઇલની દુકાનમાં શટર ઊંચું કરીને તસ્કરોએ મોબાઇલની ચોરી કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કબીલપોર પંથકમાં ચડ્ડી બનિયાનધારી દ્વારા તાળા તૂટ્યા બાદ વિજલપોરમાં ચોરીની ઘટના બની છે. વિજલપોર વિસ્તારમાં આવેલી રામનગર ચોકડી પાસે શ્રી બાલાજી મોબાઇલ નામની દુકાન આવેલી છે.
આ દુકાનનો તેમનો માલિક રાત્રિના સમયે દુકાન બંધ કરી ઘરે ગયો હતો. સવારે તેમની દુકાનનું શટરનું તાળું તૂટેલું જોતા તેમને કોઈએ ચોરી થયાની જાણ કરતા માલિક ઘટનાસ્થળે આવ્યા હતા. દુકાનના સીસીટીવીમાં રાત્રિના 3.15 વાગ્યા બાદ બે યુવાનમાંથી એક યુવાને શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરે છે અને બીજો દુકાનનું શટર બંધ કરી ચોકી કરતો હોવાનું દેખાતું હતું. તસ્કરો દુકાનમાંથી કેટલા મતાની ચોરી કરી ગયા તે બાબતની દુકાન માલિકે મોડે સુધી ફરિયાદ કરી નહીં હોવાની માહિતી ચોકીએથી મળી છે. જેથી ચોરીનો આંક જાણી શકાયો નથી પરંતુ લાખો રૂપિયાના મોબાઈલ અને એસેસરીઝની ચોરી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
માલિકને ફરિયાદ કરવા બોલાવ્યો પણ આવ્યો નહીં
વિજલપોરના પીએસઓ અરૂણભાઈએ માહિતી આપી કે ચોરીની ઘટના બાબતે ફરિયાદ નોંધાવવા માટે દુકાન માલિકને બેવાર બોલાવ્યો હતો પરંતુ તેઓ હજુ સુધી આવ્યા નથી. તેઓ ફરિયાદ નોધાવશે ત્યારબાદ માહિતી મળી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.