નેહરુ યુવા કેન્દ્ર નવસારી તથા યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત જિલ્લા સ્તરિય ‘પડોશ યુવા સંસદ કાર્યક્રમ’, વૈશ્વિક મંચ પર ભારતનો ઉદય 'G-20' વસુધૈવ કુટુમ્બકમ ‘એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય’ ની થીમ આધારિત કાર્યક્રમ ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના વિશેષ ઉપસ્થિતમાં નવસારી સ્થિત બી.આર.ફાર્મમાં યોજાયો હતો.
ભારતને 1 ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર-2023 સુધી G-20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં G-20 હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા G-20 સમિટ હેઠળ વિવિધ અભિયાનો અને કાર્યક્રમો અંગે જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા સ્તરિય પડોશ યુવા સંસદ કાર્યક્રમના પ્રથમ સત્રમાં યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ G20 અને Y20 ની પાંચ અલગ અલગ થીમ પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું.
ત્યારબાદ મહેમાનો દ્વારા અને પ્રવક્તા ડો. ધર્મેશભાઈ કાપડિયા અને ડો. કે. શાહ દ્વારા G-20 ની અધ્યક્ષતા પર ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્ર સાથે જોડાયેલા વિવિધ તાલુકાના યુવા કેન્દ્રોને રમતગમતના સાધનો પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં યુવા સંવાદના વક્તાઓને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.
આ સાથે વિવિધ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો. રાજેશ્રીબેન ટંડેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી વિજલપોર નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ શાહ, જિલ્લા યુવા અધિકારી વર્ષાબેન રોઘા તથા અધિકારીગણ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.