બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા આદિવાસી સમાજમાં જોવા મળ્યા છે. જેમાં નવસારીના તેલાડા ગામે ચાલતી દેશી દારૂની 22 ભઠ્ઠીઓ ગામે એકજૂથ થઈ બંધ કરાવી અને કોઈએ પણ દારૂ ગાળવુ નહીં અને વેચાણ પણ નહીં કરવુ. જેમાં ગ્રામજનોએ સરપંચની આગેવાનીમાં નવસારી કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપી ગામમાં દારૂબંધીને સહયોગની માંગ કરી છે.
ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની માગ
નવસારી આદિવાસી જિલ્લો છે અને અહીં આદિવાસીઓમાં દારૂનુ દુષણ ઘર કરી ગયુ છે. ખાસ કરીને ગામડાઓ અને શહેરના શ્રમિક વિસ્તારોમાં દેશી દારૂ ગાળવામાં આવે છે અને મોટા પ્રમાણમાં વેચાણ પણ થતુ હોય છે. દેશી ગોળ, નવસાર, ફટકડી, પાણીના મિશ્રણ થકી બનતો દારૂ જીવલેણ બની જાય છે. નાના બાળકોથી જ દારૂની ટેવ પડતા યુવાન વયે પહોંચે ત્યારે મૃત્યુ શય્યા સુધી પહોંચી જતા હોય છે અને પરિવાર વિખેરાય છે. નાની વયે પતિનું અવસાન થતાં મહિલા અને બાળકો નિરાધાર બને છે. જેમાં બાળકોનો અભ્યાસ પણ બગડે છે. હવે તો પુરૂષોની સરખામણીમાં મહિલાઓ પણ દારૂનું સેવન કરવા માંડી છે. ત્યારે બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં 27 થી વધુ લોકોના જીવ ગયાની જાણ થતા જ નવસારીના તેલાડા ગામના સરપંચ સહિત આગેવાનોએ એકથઇ ગામમાં ચાલતી 22 ભઠ્ઠીઓ પર દેશી દારૂ ગાળતા લોકો સાથે બેઠક કરી, ગામમાં દેશી દારૂ ગાળવુ નહીં અને વેચાણ પણ નહીં કરવાનો સ્વૈચ્છિક સામુહિક નિર્ણય કર્યો હતો.
ગ્રામજનોએ દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી
ગામમાં 25 થી 40 વર્ષના 10 થી વધુ યુવાનો દરવર્ષે દારૂના દુષણને કારણે મોતને ભેટે છે. મહિલાઓ વિધવા થતા બાળકોના ભણતરને પણ અસર થાય છે. જેથી ગ્રામજનોએ ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ ગામના આગેવાનોએ આજે નવસારી જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગામમાં કરેલી દારૂબંધી જળવાયેલી રહે એ માટે સહયોગ માંગ્યો હતો.
દારૂનું વેચાણ અને સેવન બંધ થાય તે માટે યુવાનો જાગૃત થયા
ગામના લોકોએ સામૂહિક નિર્ણય કરીને દારૂબંધીની કડક અમલવારી થાય તે માટે અગાઉ પણ પ્રયત્ન કર્યા છે. પરંતુ થોડા સમય બાદ ફરીવાર દારૂનું વેચાણ અને સેવન શરૂ થતા બરવાળા વાળી ઘટનાથી બોધપાઠ લઈ યુવાનોએ આ વખતે અમલવારી માટે પોલીસનો સહકાર પણ માંગ્યો છે. આ સમગ્ર મુદ્દાને લઈને ગામના યુવાનો એસપી કચેરી પહોંચ્યા હતા. ડીવાયએસપી એસ.કે.રાય દ્વારા તમામને સાંભળીને સહકાર આપવાની તૈયારી બતાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.