તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીમાં કોવિડની 3થી 4 હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી છે પરંતુ પ્રથમ કેસ 21મી એપ્રિલ 2020ના રોજ નોંધાયો ત્યારથી હજુ પણ જ્યાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે એવી જિલ્લાની એકમાત્ર ‘કોવિડ હોસ્પિટલ’ નવસારી સિવિલ હોસ્પિટલ જ છે. સિવિલ હોસ્પિટલમાં પણ આમ તો કોરોનાના દર્દીઓની સારવાર એકથી વધુ તબીબોએ કરી છે પરંતુ શરૂઆતથી આજદિન સુધી સતત સેવા કરી હોય એવા મુખ્ય સિનિયર તબીબ ડો. અશ્વિન પરમાર છે.
ડો. અશ્વિન પરમાર મૂળ રાજકોટના છે, પરંતુ જ્યારથી લોકડાઉન મુકાયું, કોવિડના દર્દી નોંધાયા ત્યારથી આજદિન સુધી 9 મહિના કરતાંય વધુ સમયથી વતન રાજકોટ પોતાના વૃદ્ધ પિતાને જોવા પણ ગયા નથી. માતા થોડો સમય નવસારી જરૂર આવ્યા હતા અને ખડેપગે દર્દીઓની સેવા બજાવી છે. ઉલ્લેખનીય વાત તો એ છે કે સતત કોવિડના દર્દીઓ સાથે રહેતા 45 વર્ષીય ડો. અશ્વિન પોતાને પણ આ રોગથી બચાવી શક્યા ન હતા અને તેઓને પણ કોવિડ (કોરોના પોઝિટિવ) થયો હતો. માત્ર તેમને જ નહીં તેમના પરિવારમાં પત્ની અને પુત્રને કોરોના થયો હતો. આમ છતાં તેઓ ડગ્યા પણ નહીં અને ડર્યા પણ નહીં અને સતત સેવા કરતા જ રહ્યા છે. ડો. પરમારે સિવિલમાં ઘણાં દર્દીઓની સારવાર કરી છે. જોકે તેનો યશ માત્ર પોતાને નહીં પરંતુ સમગ્ર ટીમને, અન્ય તબીબોને પણ આપે છે.
60 દિવસ ઓક્સિજન, 25 દિવસ વેન્ટિલેટર, 40 દિવસ આઈસીયુમાં રહેલા દર્દીને પણ સાજા કર્યા
નવસારી સિવિલમાં ડો. પરમાર અને તેમની ટીમે ઘણાં દર્દીઓને સાજા કરી ઘરે મોકલ્યા છે, પરંતુ ચારેક દર્દીને મહિનો-દોઢ મહિનો હોસ્પિટલમાં રહી ગંભીર હોવા છતાં મૃત્યુથી બચાવ્યા હતા. હાલ 10 દિવસ પહેલા જ મહુવા તાલુકાની એક 55 વર્ષીય મહિલાને કોવિડની સારવાર આપવા 68 દિવસ નવસારી સિવિલમાં રાખવી પડી હતી. આ સમય દરમિયાન 60 દિવસ તો ઓક્સિજન આપવો પડ્યો હતો. 40 દિવસ આઈસીયુમાં રખાઈ હતી, જેમાં 25 જેટલા દિવસ ક્રિટીકલ સ્થિતિના કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. આમ છતાં આખરે મહિલા બચી ગઈ અને સાજા થઈ ઘરે ગઈ હતી. આવા કિસ્સા સિવિલમાં સારી ટ્રીટમેન્ટ નથી અપાતી અને તબીબો ધ્યાન નથી આપતા તેનો છેદ ઉડાડી દે છે. નવસારીના કોવિડ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ આશીર્વાદ સમાન પૂરવાર થઇ છે.
સિવિલ હોસ્પિટલના ફિઝિશિયન ડો. અશ્વિન પરમારની દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત
સવાલ : 8 મહિના કોવિડના દર્દીઓની સારવારનો અનુભવ કેવો રહ્યો ?
ડો. પરમાર : અનુભવ ખુબ જ સારો રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ, સુરત વગેરેના સંપર્કમાં આવતા અને વેબિનાર થકી એક તબીબ તરીકે નવા રોગમાં ઘણું શીખવા મળ્યું.
સવાલ : દર્દીઓનો પ્રતિભાવ કેવો રહ્યો, તેમની માનસિક સ્થિતિ કેવી હતી ?
ડો. પરમાર : મહત્તમ દર્દીઓનો અમારા સાથે પ્રતિભાવ સારો રહ્યો હતો. દર્દીઓ ઘણાં સમય હોસ્પિટલમાં રહે ત્યારે માનસિક તાણ અનુભવતા હતા, લાંબો સમય આઈસીયુમાં રહે ત્યારે કેટલાક ડિપ્રેશનમાં પણ આવી જતા હતા.
સવાલ : તમારી કોવિડ પહેલાની અને કોવિડની સેવામાં કેટલો તફાવત ?
ડો. પરમાર : આમ તો બંને સમયે અમારે તબીબ તરીકે સારવાર જ આપવાની હતી, પરંતુ કોવિડ એક નવો રોગ હોય તેના દર્દીઓને સારવાર આપવી અમારે માટે એક ‘ચેલેન્જ’ હતી. રોજ આ રોગમાં કંઈક નવું નવું આવે છે. બીજુ કે તમામ દર્દીને ઈમરજન્સી તરીકે જ અમારે ટ્રીટ કરવા પડે છે.
સવાલ : કોવિડના દર્દીઓની સતત સેવા કરતા, આરામ પૂરતો ન મળવાથી થાક કે તનાવનો અનુભવ થતો ?
ડો. પરમાર : ના, થાક નથી લાગ્યો, પરંતુ આ નવા રોગના દર્દીઓની સારવાર, સેવા કરતા સંતોષ મળ્યો છે.
સવાલ : નવસારી સિવિલમાં તમે કેટલા દર્દીની સારવાર કરી ?
ડો. પરમાર : ચોક્કસ ગણતરી નથી, કારણ કે તબીબોનો સમય બદલાતો રહે છે. મારા દ્વારા કેટલાની સારવાર કરાઈ તે કહી શકાય નહીં. બીજુ કે દર્દી જે સારો થાય તેનો યશ હું એકલો લઈ ન શકું, અન્ય તબીબો અને આખી ટીમની સેવા થકી આમ બને છે. ખાસ કરીને કલેકટર, ડીડીઓ, જિલ્લા આરોગ્ય અધિકારીએ ખુબ સાથ આપ્યો અને જે માગ કરી તે પૂર્ણ કરી છે.
નવસારીએ કોરોનામાં આ રત્નો ગુમાવ્યાં
નવસારીએ કોરોના કાળ દરમિયાન કોરોના સામે ફ્રન્ટ લાઇન પર લડી રહેલા કેટલાક તબીબો અને સેવાના ભેખધારીઓ ગુમાવ્યા છે. આ રત્નોના નિધનથી તબીબી, સામાજિક અને રાજકીય ક્ષેત્રે તેમની ખોટ ક્યારેય પૂરાશે નહીં.
જિંદગી જીતી ગઇ, કોરોના હારી ગયો
નવસારીમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપવા દરમિયાન નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ, ચીફ ઓફિસર, ડીવાયએસપી, એપેડેમિક ઓફિસર, આયુર્વેદાચાર્ય સહિતના સંક્રમિત થયા હતા અને કોરોનાને માત આપી હતી.
નવસારી સિવિલમાં કોરોના દર્દીઓને મનોચિકિત્સકની હૂંફ
નવસારી સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો.ઇન્દ્રવદન પરીખે જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન બે માસમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. તે દરમિયાન કોરોના કાળમાં ચિંતા, વ્યસન કરતા લોકોને જે તે નશાકારક વસ્તુ ન મળવાથી તેમને ચિંતા થતા તેઓ સારવાર અર્થે આવ્યા હતા. બે માસમાં 400થી વધુ દર્દી સારવાર લેવા આવ્યા હતા. ઉપરાંત મનોચિકિત્સક ડો.રાધા મહેતા અને તેમની ટીમ દ્વારા કોરોનાની સારવાર માટે દાખલ થયેલા 160થી વધુ પોઝિટિવ દર્દીઓનું કાઉન્સેલિંગ અને સારવાર આપવામાં આવી હતી.
નવસારીના યુવા તબીબો ગુજરાત, પુના, પોંડીચેરીમાં બજાવી રહ્યાં છે કોવિડ સેવા, કોવિડ દર્દીઓની સારવાર કરતા સંક્રમિત થયા પણ ડગ્યાં નહીં
નવસારીની એક યુવાપેઢી તબીબ તરીકે પોતાની કારકિર્દી પસંદ કરી કોરોના કાળમાં કોરોના વોરિયર્સ તરીકે અન્ય રાજ્યો અને જિલ્લામાં સેવા આપી રહ્યા છે. કેટલાક તબીબો કોરોના કાળમાં દર્દીઓની સેવા કરતા કોરોના સંક્રમિત થયા છે ત્યારે નવસારીની નવી તબીબ પેઢી અન્ય વિદ્યાર્થીઓને તબીબી જગતમાં જોડાવવા પ્રેરણા પૂરી પાડે છે. પરિવારથી દૂર રહી સતત કોવિડ દર્દીઓની સારવારમાં ખુદ સંક્રમિત થયા છતાં કોઇનો જુસ્સો લેશ માત્ર ડગ્યો નથી.
નવસારીમાં 108ના 70 કર્મી કોરોનાકાળમાં અવિરત દોડતા રહ્યાં છતાં એકપણ સંક્રમિત નહીં કોરોના વોરિયર્સની સેવા અવર્ણનીય
નવસારી જિલ્લામાં સરકારની ઈમરજન્સી સેવા 108 કોરોના મહાકાળમાં કોરોના દર્દી અને ઈમરજન્સીના દર્દીઓ માટે ઈશ્વરનાં આશીર્વાદરૂપી બની છે. જેમાં લોકડાઉન બાદ કોરોનાનાં અને અન્ય ઈમરજન્સી દર્દીઓ માટે એક માત્ર સેવા રહી હતી. જેમાં નવસારી જિલ્લામાં 13 લોકેશન પરથી 108નાં 70થી વધુ પેરામેડિકલ સ્ટાફ સેવા માટે અવિરત દોડતો રહ્યો અને મોટાભાગનાં કોરોના દર્દીઓને લઈ આવવાની ફરજ બજાવી હતી, જેમાં એકપણ સ્ટાફ સંક્રમિત થયો ન હતો અને નિર્ભય રીતે પોતાની ફરજને સેવા ગણી અવિરત દોડતા રહ્યા છે.
નવસારી જિલ્લામાં 23 માર્ચ બાદ લોકડાઉન નોંધાયા બાદ લોકોને અવરજવર માટે પ્રવેશબંધી હતી. ઈમરજન્સીમાં કોઈપણ આકસ્મિક ઘટના નોંધાય ત્યારે 108ની સેવા આશીર્વાદરૂપ બની હતી. જેમાં નવસારી જિલ્લામાં 13 જેટલા લોકેશન પર 108ના સ્ટાફની 24 કલાક હાજરી રહેતી હતી. જેમાં નવસારી સિવિલ હોસ્પિટલ, જલાલપોર, ગ્રીડ, મરોલી, બીલીમોરા, ચીખલી, ખેરગામ, ટાંકલ, ગણદેવી, રૂમલા, લીમઝર, મહુવાસ વાંસદામાં 108નાં 70થી વધુ સ્ટાફ ઈમરજન્સીના ભાગરૂપે પ્રોગ્રામ મેનેજર દિનેશ ઉપાધ્યાયનાં માર્ગદર્શનથી નવસારી જિલ્લા ઈએમઈ મયંક ચૌધરીનાં હાથ નીચે ફરજ બજાવી રહ્યા છે. જેમાં 13 એમ્બ્યુલન્સ પૈકી 2 એમ્બ્યુલન્સ કોવિડ-19નાં કેસ માટે ફાળવવામાં આવી હતી. કોરોનાનો પ્રથમ કેસ 24 એપ્રિલે નોંધાયો હતો, ત્યારબાદ આજ સુધી 1500થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓને 108 મારફત લાવવામાં આવ્યા છે.
108નાં પેરા મેડિકલ સ્ટાફના વૈશાલીબેન પટેલે જણાવ્યું કે કોરોના કાળમાં 108નો સ્ટાફ કોઈપણ પરિસ્થિતિમાં ડર્યા વગર ફરજ પર હાજર રહ્યો છે. કોરોનાની શરૂઆતમાં અમે ઘટનાસ્થળે જઈએ ત્યારે પીપીઈ કિટ પહેરીને બહાર નીકળીએ અને કોરોના પોઝિટિવ દર્દીઓને લેવા જઈએ ત્યારે મહોલ્લાનાં લોકો ગભરાઈ જતા હતા. અમારે પહેલા કોરોનાગ્રસ્ત દર્દીના સંબંધીઓનું કાઉન્સેલિંગ કરી બાદમાં અમે તેમનું પ્રાથમિક ચેકઅપ કરી 108માં લાવતા હતા.
બીલીમોરાના ટેલરે કોવિડ સેવા આપતા તબીબો માટે બનાવ્યા 40,000 PPE સૂટ, કોરોનાના પ્રારંભે જ નવસારી જિલ્લામાં બનાવાયું કવચ કોરોનાના પ્રારંભે એકતરફ કેસો સતત વધી રહ્યા હતા ત્યારે કોરોના સંક્રમણથી બચવા માટે સૌથી વધુ પીપીઈ કિટ (પર્સનલ પ્રોટેક્શન ઈકવિપમેન્ટ)ની માંગ વધી હતી. તે સમયે સરકાર પાસે પણ ગણતરીની પીપીઇ કીટ હતી. કંપની દ્વારા મોટા પ્રમાણમાં પીપીઈ કિટ બનાવવાની ઝુંબેશ ઉપાડવામાં આવી હતી, ત્યારે નવસારી જિલ્લાના બીલીમોરાના ટેલરને 40,000 પીપીઇ સૂટ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. આ કીટ કોરોનાની મહામારીમાં કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ સંક્રમિત દર્દીઓની સારવાર કરતાં ડોક્ટરો અને નર્સો સહિતના દર્દીઓની સેવામાં કાર્યરત તમામને કોરોનાના સંક્રમણથી બચાવવા જે સૂટ પહેરાવવામાં આવે છે. ઘણી કંપનીઓ આ પીપીઈ સૂટ બનાવવામાં લાગી હતી.
જેમાં બીલીમોરાના પ્રશાંતભાઈ ટેલરને પણ 40 હજાર પીપીઈ સૂટ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. તેમણે સમગ્ર ઓર્ડર તેમણે નહીં નફો નહીં નુકસાનના ધોરણે લીધો હતો. કોરોનાના કપરા કાળમાં લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી. ઘણા લોકો આર્થિક સંકડામણમાં આવ્યા હતા ત્યારે તેમણે 30 થી 35 જેટલા માણસને પીપીઈ કીટ બનાવવાનું કામ આપી તેમને રોજગારી પૂરી પાડી હતી. તે સમયે એક પીપીઈ કિટ રૂ. 600 થી 650માં વેચાણ થતી હતી. જોકે હાલ મોટી સંખ્યામાં તેનું ઉત્પાદન થયુ હોય તેની કિંમત પણ ઓછી થઈ છે. આ કીટ નોન વુવન મટિરિયલમાંથી બનાવવામાં આવે છે. આ સૂટમાં પહેરનારની આખું શરીર ઢંકાઈ જાય છે. માત્ર મોઢાનો ભાગ જ ખુલ્લો રહે છે. આ પીપીઈ કીટ પ્રશાંતભાઈએ સમયસર બનાવી પહોંચાડી દીધાં હતાં. હાલમાં ઘણી જગ્યાએ પીપીઈ સુટનું ઉત્પાદન થઈ રહ્યું છે.
2020ના ઊંડા અંધારેથી 2021માં પ્રભુ પરમ તેજે તું લઇ જા...
રાજ્યના ચોપડે ડાંગ જિલ્લામાં આજદિન સુધી કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. ડાંગનું જંગલ કોરોના કવચ બન્યું હોય તેમ સ્વચ્છ વાતાવરણ અને ગામડાઓમાં મકાનો વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સના કારણે કોરોના અહીં સૌથી વધુ કાબૂમાં રાખી શકાયો છે. સાથો સાથ વહીવટી તંત્રની સજાગતા પણ કામ લાગી છે. જોકે, ડાંગમાં ગત 9 ડિસેમ્બરે કોરોના મહામારીમાં મુત્યુનો પ્રથમ કેસ જિલ્લા કક્ષાએ નોંધાયો હતો. મૂળ દાહોદ જિલ્લાના વતની અને આહવા પોલીસ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય કિરણસિંહ છત્રશિહ બારીયાનું પ્રથમ મોત નોંધાયું હતું.
ડાંગ આરોગ્ય વિભાગનાં ડો. ડી.સી.ગામીતે જણાવ્યું હતું કે, આ પોલીસ કર્મીને અન્ય બીમારીઓ પણ હતી. કોરોનાનું સંક્રમણ થતા આખરે પોલીસ કર્મીએ દમ તોડ્યો હતો. આ સાથે જિલ્લામાં કોરોનામાં મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો હતો, પરંતુ આ મૃત્યુની રાજ્યના ચોપડે નોંધ લેવાઇ નથી એટલે હજુ સુધી ડાંગમાં સત્તાવાર કોરોનાથી એકપણ મૃત્યુ દર્શાવાયું નથી. 29 ડિસેમ્બરે વધુ બે પોઝિટિવ કેસ નોંધાવા સાથે ડાંગમાં કોરોનાના કુલ 135 કેસ નોંધાયા છે. તેમાંથી 130 દર્દીએ કોરોનાને માત આપી દીધી છે. જ્યારે હાલ માત્ર 5 કેસ એક્ટિવ છે.
વિતેલું વર્ષ 2020 કોરોના કાળમાં અનેક બોધપાઠ આપી ગયું. અનેક લોકોએ જીવ ગુમાવ્યો, તો અનેકે રોજગારી ! પરંતુ વર્ષાન્તેે નવસારી અને ડાંગ જિલ્લા સહિત રાજ્યભરમાં કોરોના વેક્સિનના સરવેની કામગીરીથી ફરી ઉજળા દિવસોની આશા બંધાય છે, ત્યારે 2020ના ઊંડા અંધારેથી 2021માં પ્રભુ પરમ તેજે તું લઇ જા.., કોરોનાને પરાજિત કરી આવનારું વર્ષ 2021 નવી વિકાસગાથા રચે તેવી પ્રાર્થના. 29 ડિસેમ્બરની પ્રભાતે ડાંગ ઉત્તર વનવિભાગના ડીસીએફ અગ્નિશ્વર વ્યાસે ધુમ્મસથી ઘેરાયેલા મહાલ બ્રિજની તસવીર કેમેરામાં કેદ કરી છે. જે 2020ને અલવિદા કરતી હોય તેવી ભાસી રહીં છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.