કોરોના મહામારી દરમિયાન શાળાઓમાં દર વર્ષે યોજાતા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન આ વખતે રૂબરૂ શક્ય બન્યું ન હતું તેમ છતાં પણ સરકાર દ્વારા બાળકોના વિજ્ઞાનની જિજ્ઞાસા સંતોષાય રહે અને એમની વિજ્ઞાન પ્રત્યેની રુચિ વધે એ માટે ઓનલાઇન ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈટાળવા શાળાએ પાસ્કલનો ત્રિકોણની કૃતિ રજૂ કરી હતી. જે ક્લસ્ટર કક્ષાએથી શરૂ કરી તાલુકા, જીલ્લા અને રાજ્ય લેવલે પસંદ થઈ હતી. હવે આ કૃતિ નેશનલ કક્ષાએ નોમીનેટ થઇ છે. જે ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે.
આ કૃતિમાં દ્રષ્ટિ ટંડેલ અને રિધમ પટેલ નામના વિદ્યાર્થીઓ દ્વારા રજુઆત કરાઇ હતી. આ કૃતિ અંતર્ગત શાળાના માર્ગદર્શક શિક્ષિકા યામીનીબેન પટેલ દ્વારા જણાવ્યું હતું કે, આ કૃતિથી ગણિત જેવા વિષયને કેવી રીતે સરળ બનાવી બાળકોમાં ગણિત વિષય પ્રત્યે વધુ રસ રૂચિ જાગૃત કરી શકાય અને ઓછા સમયમાં સકલ્પનાઓ સમજાવી શકાય છે. વળી આ કૃતિ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી બિલકુલ ખર્ચ કર્યા વગર બનાવવામાં આવી છે.
ભાગ લેનાર બાળકો અને માર્ગદર્શક શિક્ષકને શાળાના આચાર્ય ઠાકોરભાઈ પટેલ, શાળાના શિક્ષકો, એસ.એમ.સી.અને ગ્રામજનો દ્વારા અભિનંદન આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય યોગેશભાઈ પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા ઇટાળવા શાળાની ટીમને નેશનલ લેવલે નોમિનેટ થવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.