ગૃહિણીથી ખેડૂત સુધીની સફર:હાંસાપોરની મહિલાઓ વર્મિ કમ્પોસ્ટ ખાતર બનાવી પગભર બની

નવસારી2 વર્ષ પહેલાલેખક: નીલ નાયક
  • કૉપી લિંક
  • અળસિયા 45 દિવસની સફર ખેડીને બેડની નીચે સુધી પહોંચી ખાતર તૈયાર કરે છે

જૈવિક ખાતરોનો ઉપયોગ પાકની વૃદ્ધિ અને વધુ ઉત્પાદકતા મેળવવા માટે ફાયદાકારક છે. રાસાયણિક ખાતરોની મર્યાદાઓ અને જૈવિક ખાતરોના ફાયદાઓને ધ્યાનમાં રાખીને આપણા ખેતરમાં જૈવિક ખાતર ઉપલબ્ધ કરાવવું એ સમયની જરૂરિયાત છે. તેથી, આપણે કમ્પોસ્ટ ખાતર અને છાણીયા ખાતરનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ.

નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી આસપાસના ગામની ખેડૂત બહેનો સ્વનિર્ભર બનીને આગળ વધી રહી છે. નવસારી કૃષિ યુનિ. અંતર્ગત ચાલી રહેલા પ્રોગ્રામમાં પુરતુ જ્ઞાન મેળવીને વર્મિ કમ્પોસ્ટ ખાતર બનાવવાની કામગીરીને પોતાના જીવનનો એક ભાગ બનાવીને ખાતર બનાવવાની કામગીરીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે. નવસારી હાંસાપોર ગામની આશરે 10થી 12 બહેનો છેલ્લા ત્રણ વર્ષથી વર્મિ કમ્પોસ્ટ ખાતર બનાવીને રોજગાર પ્રાપ્ત કરી રહી છે.

હાંસાપોર ગામની આ બહેનો પોતાના ઘરની પાછળની જમીનમાં કૃષિ યુનિવર્સિટી તરફથી આપવામાં આવેલ બેડને પાથરવામાં આવે છે. તેમાં પણ સંપુર્ણ છાંયડો હોય તેવી જગ્યાએ બેડને સ્થાપિત કરવામાં આવે છે. બાદમાં બેડમાં લીલો પડવાશ નાખવામાં આવે છે અને લીલા પડવાશની ઉપર છાણીયું ખાતર પાથરવામાં આવે છે. આવી કામગીરી બે વાર કરીને બેડમાં ચાર થર ઉભા કરવમાં આવે છે. બાદમાં તેના પર પાણીનો છંટકાવ કરીને અંદરથી નિકળતી ગરમીને ઓછી કરવાના પ્રયત્ન કરાય છે.

આ બાદ તેમાં અળસિયા મુકવામાં આવે છે. જો પાણીના છંટકાવ પહેલા અળસિયા મુકવામાં આવે તો ખાતરની ગરમીને કારણે અળસિયા મરી જાય છે. અંતે બેડ પર કંતાન પાથરીને તેની 45 દિવસ સુધી માવજત કરવામાં આવે છે. આ 45 દિવસમાં ઉનાળો હોય તો રોજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને જો શિયાળો હોય તો દર ત્રણ દિવસે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. અળસિયા આ 45 દિવસમાં સફર ખેડીને નીચે સુધી પહોંચી જાય છે અને વર્મિકમ્પોસ્ટ ખાતર તૈયાર થાય છે.

અળસિયાના ઉછેરને વર્મિકલ્ચર કહેવાય છે
પૃથ્વી પર અળસિયાની 3000 જાતિપ્રજાતિઓ જોવા મળી છે. એક અભ્યાસ મુજબ 1000 અળસિયા 21 દિવસમાં સાનુકુળ વાતવારણમાં 2000 થાય છે અને વર્ષના અંતે 8,33,000 થાય છે. જે 24 કલાકમાં જમીનમાં 10 થી 20 કાણાં પાડે છે. અળસિયાના ઉછેરને વર્મિકલ્ચર કહેવાય છે.

અળસિયાને સમતુલિત ખોરાક આપવો અનિવાર્ય
યોગ્ય ભેજ, પી.એચ. અને ઉષ્ણતામાન જાળવવામાં આવે અને અળસિયાની યોગ્ય જાત, તેની સંખ્યા તેમજ તેને સમતુલિત ખોરાક પુરો પાડવામાં આવે તો વર્મિ કમ્પોસ્ટનું ઉત્પાદન નફાકારક બનાવી શકાય છે. > ઇલાક્ષીબેન પટેલ, ખેડૂત, હાંસાપોર

વેચાણ માટે અસરકાર માર્કેટીંગ કરવું જરૂરી
વર્મિ કમ્પોસ્ટ બનાવતી વખતે જો યોગ્ય તકેદારી રખાય તો સારૂ પરિણામ મળી રહે છે. આ સાથે જ વર્મિકમ્પોસ્ટનું ધંધાકીય રીતે નિયમન કરવું જોઈએ તથા વેચાણ માટે પણ અસરકારક માર્કેટિંગ કરવું જોઈએ. > દેવીબેન પટેલ, ખેડૂત, હાંસાપોર

ઓછા ખર્ચે સારૂ ઉત્પાદન
કેટલાક ઉત્પાદકો વર્મિ કમ્પોસ્ટનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે તેને બનાવવા પુરતો સમય ફાળવી શકતા નથી કે પૈસા ખર્ચી શકતા નથી. તેઓ ધીમી અને ઓછા ખર્ચવાળી સાદી પધ્ધતિથી જરૂરિયાત મુજબનું ઉત્પાદન મેળવી શકે છે. > જયાબેન પટેલ, ખેડૂત, હાંસાપોર

​​​​​​​અળસિયા મહત્વપૂર્ણ પાસું
વર્મિ કમ્પોસ્ટ ખાતર બનાવતી વખતે ખૂબ જ તકેદારી રાખવી પડે છે. અળસિયાને ઉંદર અને નોળીયા ખાઇ ન જાય તેનું ખૂબ જ બારીકાઇથી ધ્યાન રાખવું પડે છે. કેમકે અળસિયા રૂ.200 પ્રતિ કિલોના ભાવે મળતા હોવાથી મોંઘા પડે છે. > જશુબેન પટેલ, ખેડૂત, હાંસાપોર

અન્ય સમાચારો પણ છે...