નવસારીના સર્વોદયનગરમાં મંદિર તૂટવાની ઘટના બાદ મુલાકાતે ગયેલા ધારાસભ્ય પિયુષ દેસાઈને સ્થાનિક મહિલાઓએ ચોખ્ખુ કહીં દીધુ હતું કે, ‘મંદિર ત્યાં જ બનાવો.’સોમવારે નવસારીના જમાલપોર વિસ્તારની સર્વોદયનગરમાં બનેલ રાધાકૃષ્ણનું મંદિરનું બાંધકામ નૂડાએ મસમોટા કાફલા સાથે લાઠીચાર્જ, બળપ્રયોગ કરી તોડી નાંખ્યું હતું. ઉક્ત ઘટનામાં મંદિર તોડવા માટે જે રીતે મહિલાઓને પણ માર મરાઈ અને પોલીસ તંત્રએ વર્તણૂક કરી તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ઘટનાના એક દિવસ બાદ નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ સર્વોદયનગરની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન મહિલાઓએ ધારાસભ્ય સમક્ષ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું કે,‘મહિલા પોલીસ હોવા છતાં પુરૂષ પોલીસોએ મહિલાઓ ઉપર બળપ્રયોગ અને ગેરવર્તણૂક કરી હતી. છાતી ઉપર ડંડા માર્યા અને ચીમટા પણ માર્યા હતા, અનેક મહિલાઓમાં નિશાન આજે પણ છે. મહિલાઓએ ગેરવર્તણૂક કરનાર પોલીસની બદલી, સસ્પેન્ડ નહીં પણ બરતરફ કરવાની માગ કરી હતી. સાથે એમ પણ જણાવી દીધુ કે, ‘મંદિર તે જગ્યાએ બનાવી આપો.’
નવસારીના ધારાસભ્ય સહિત સ્થાનિક નગરસેવકો કફોડી સ્થિતિમાં મૂકાયા
સર્વોદયનગર સહિતનો સમગ્ર જમાલપોર વિસ્તાર વગેરે ભાજપનો ગઢ છે. આ સ્થિતિમાં બનેલી ઘટનાએ ધારાસભ્ય પિયુષ દેસાઈને મુશ્કેલીમાં મુકી દીધા છે. દેસાઈએ સર્વોદયનગરની મુલાકાત બાદ મહિલાઓ સાથે થયેલ વર્તન યોગ્ય ન હતું તે જણાવવા સાથે સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હોવાનું તો જણાયું પરંતુ મંદિર પુન: બનાવવા મુદ્દે કે અન્ય બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું. પિયુષ દેસાઈ સાથે સ્થાનિક ભાજપના કાઉન્સિલર પ્રશાંત દેસાઈ, વિજય રાઠોડ વગેરે પણ મુશ્કેલીમાં મુકાયા છે.
રાજીનામાના લેટર તૈયાર, આપવાના બાકી
મંદિરની ઘટનાથી નારાજ આ વિસ્તરના અનેક કાર્યકરો ભાજપમાંથી રાજીનામા આપવા તૈયાર થઈ ગયા છે. રાજીનામાનો લેટર ફરતો થઈ ગયો છે. સહી કરી આપવાના જ બાકી છે. હવે પક્ષ આ મુદ્દે કેટલું ‘પેચઅપ’ કરે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.