પાણીની સમસ્યાનો અંત આવશે!:દાંડી ગામના બે તળાવો નહેરના પાણીથી ભરાશે, સ્થાનિક લોકોની વર્ષો જૂની સમસ્યાનો હલ થશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદાજે પોણા બે કરોડના ખર્ચે નહેરથી તળાવ ભરી મીઠા પાણીની યોજના સાકાર કરવાનો પ્રયાસ હાથ ધરાયો

ભારતની આઝાદીમાં મહત્વનું સ્થાન ધરાવતું નવસારીનું ઐતિહાસિક દાંડી ગામ આઝાદીના 75 વર્ષે પણ પૂરતા મીઠા પાણી માટે તરસી રહ્યુ છે. દાંડીની પાણી સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરે અંદાજે પોણા બે કરોડના ખર્ચે ગામના બે તળાવોને નહેરના પાણીથી ભરી, પાણીને ટ્રીટ કરીને દાંડી ગામ તેમજ મીઠાના સત્યાગ્રહ સ્મારક અને દરિયા કિનારે આવતા પ્રવાસીઓને પીવાનું મીઠુ પાણી મળી રહે એવુ આયોજન કર્યુ છે.

મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રા કરી હતી. ત્યારે વર્ષ 1930 માં ગાંધીજી દાંડી ગામ પોતાના 80 પદયાત્રીઓ સાથે પહોંચ્યા, ત્યારે પણ અહીં મીઠુ પાણી 7 કિમી દૂરથી લાવવું પડતું હતું. આજે દાંડીકૂચને 92 વર્ષ અને ભારતની આઝાદીને 75 વર્ષ વીતી ગયા છે. પરંતુ ગતિશીલ ગુજરાતમાં ઐતિહાસિક દાંડીના ગ્રામજનો સાથે અહીં આવતા સહેલાણીઓને માટે મીઠા પાણીની સમસ્યા જેમની તેમજ રહી છે. ગામ લોકોએ પોતાની પાણી સમસ્યાનું સમાધાન વર્ષો પૂર્વે લોકફાળો તેમજ ગામના NRI લોકોની મદદથી 7 કિમી દૂર મટવાડ ગામેથી પોતાની પાઇપલાઈન નાંખી પાણી લાવી, તેને ફિલ્ટર કરી ગામના ઘરે ઘરે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ રોજના 15 થી 20 મિનિટ જ પાણી આપવામાં આવે છે, જે પાણી પૂરતું નથી.

બીજી તરફ દાંડી સહિત 6 ગામોને પર્યાવરણની જાળવણી સાથે જ પાણી સમસ્યાના નિરાકરણ માટે 24 કરોડ રૂપિયા ગાંધી પ્રોજેકટ હેઠળ ફળવાયા, પણ મોટાભાગની રકમ વણવપરાયેલી રહી હતી. ત્યારબાદ કરોડોના ખર્ચે બનેલા રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકમાં આવતા સહેલાણીઓ માટે અને 15 એકરમાં ફેલાયેલા સ્મારકની વચ્ચે દરિયાની અનુભૂતિ માટે બનેલા તળાવ પણ ઉનાળામાં સુકાઈ જાય છે, જેથી પ્રવાસીઓ નિરાશ થાય છે. જેથી સ્મારક અને ગ્રામજનોની પાણી સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર દ્વારા અંદાજે પોણા બે કરોડ રૂપિયાના ખર્ચે નહેરથી તળાવ ભરી મીઠા પાણીની યોજના સાકાર કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

ઐતિહાસિક દાંડી ગામ તેમજ મીઠાના સત્યાગ્રહ સ્મારક અને દરિયા કિનારે આવતા હજારો સહેલાણીઓને પીવાનું મીઠુ પાણી મળી રહે એ માટે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા દાંડીમાં પહોંચતી અંબિકા વિભાગની નહેર મારફતે પાણી લાવી, દાંડીના બે વિશાળ તળાવો ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ગામમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી પાણીને શુદ્ધ કરવાની યોજના બનાવી છે. જે ટ્રીટ થયેલું મીઠુ પાણી ગામલોકોને આપવા સાથે સ્મારકમાં પહોંચાડી વર્ષોની મીઠા પાણીની સમસ્યાનું સમાધાન કરાશે. સાથે જ એક અલગ પાઇપલાઇન નાંખી, સ્મારકનું તળાવ પણ બારે માસ ભરેલું રહે એવા પ્રયાસો કરાશે. તંત્ર દ્વારા આગામી 10 વર્ષને ધ્યાને લઈ દાંડીમાં પાણી સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

વર્ષો પછી સરકારી તંત્ર દ્વારા દાંડીને પીવાનું મીઠુ પાણી પહોંચાડવાનું આયોજન થયુ છે, પણ અંબિકા નહેરનું પાણી પાછલા વર્ષોમાં અહીં પહોંચ્યું જ નથી અને નહેરનું સમારકામ કર્યા બાદ એપ્રિલ, મે મહિનામાં જ નહેરનુ પાણી તળાવમાં આવે છે. જ્યારે અન્ય મહિનાઓમાં નહેરમાંથી ખેડૂતો પાણી લેતા હોય પાણી પહોંચતું ન હોવાની ગ્રામજનોની ફરિયાદ છે. ત્યારે દાંડીના તળાવો સુધી અલાયદી પાઇપલાઇન નાંખવામાં આવે એવી માંગ પણ ઉઠી છે

અન્ય સમાચારો પણ છે...