તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:દાંડી, ઊભરાટ બીચ પર સંક્રમણ થઇ શકે, ડુમસમાં નહીં!

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાંડી બીચ - Divya Bhaskar
દાંડી બીચ
  • દક્ષિણ ગુજરાતમાં બીચ ખુલ્લા રાખવામાં સરકારી તંત્રની નીતિમાં વિરોધાભાસ, એક બીચને ખોલવાની મંજૂરી અને બીજાને નહીં
  • કોવિડ-19ને લઈને માર્ચ 2020 થી એકાદ મહિનાને બાદ કરતાં નવસારી જિલ્લાના બન્ને બીચ પ્રવાસીઓ માટે બંધ જ રખાયા છે

સુરતનો બીચ કોરોનાની બીજી લહેર શાંત થતા ખોલી દેવાયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં જ આવેલ અહીંના દાંડી અને ઊભરાટ બીચ પ્રવાસીઓ માટે ન ખોલતા પ્રતિબંધ સંબંધે સરકારની એકરાગીતા ન હોવા સામે સવાલ ઉભા થયા છે. ટુરિસ્ટોને આકર્ષતા નવસારી જિલ્લાના બન્ને બીચ દાંડી અને ઊભરાટ માર્ચ 2020માં કોવિડને લઈ પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા હતા. જાન્યુઆરી -ફેબ્રુઆરી 2021ના સમયમાં થોડા દિવસ ખોલાયા બાદ પુનઃ બંધ કરી દેવાયા હતા,જે હજુ બંધ જ છે.

ઊંભરાટ બીચ
ઊંભરાટ બીચ
દાંડી મેમોરિયલ
દાંડી મેમોરિયલ

કોવિડની બીજી લહેર શાંત થઈ ગઈ છે અને રાજ્યના મહત્તમ ટુરિસ્ટ મથકોએ છૂટછાટ અપાઈ છે પણ અહીંના બન્ને બીચ ખોલાયા નથી. સૌથી મહત્વની અને વિરોધાભાસ ઉપજાવે તેવી બાબત એ છે કે દક્ષિણ ગુજરાતના બીચો ખોલવા બાબતે પણ સરકારમાં એકરાગીતા નથી.

નજીકના સુરતનો ડુમસ બીચ પ્રવાસીઓ માટે ખોલી દેવાયો છે ત્યારે નવસારીના દાંડી અને ઊભરાટ બીચ હજુ ય પ્રવાસીઓ માટે ન ખોલવાનું કારણ શું? શું માત્ર દાંડી અને ઊભરાટમાં જ કોરોનાનું સંક્રમણ થાય, ડુમસમાં નહીં ? મળતી માહિતી મુજબ દાંડી અને ઊભરાટના અનેક સ્થાનિકો પણ હવે બધી બાબતોમાં છૂટછાટ આપી છે ત્યારે બીચ ખોલવા પણ અપાઈ એવું ઈચ્છી રહ્યાં છે અને તંત્રને રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકો, પંચાયતની આવકને પણ અસર
લોકો અને હું પણ ઈચ્છુ છું કે દાંડી બીચ પણ હવે ખોલવો જ જોઈએ. મેમોરિયલ તો ચાલુ જ છે અને તેથી પ્રવાસીઓ તો આવે જ છે. બીચ બંધ હોવાથી અમારા ગામના ઘણાંની આવક પર અસર થઈ છે. પંચાયતની આવક પર પણ અસર થઈ છે. અમે કલેકટરને બીચ ખોલવા આવેદનપત્ર આપવાનો વિચાર કર્યો છે. - વિમલ પટેલ, સરપંચ, દાંડી

બીચ ખોલવા કલેકટરને આવેદન આપ્યું છે
ઊભરાટ બીચ કોરાના બાદ થોડો જ સમય ખુલ્યો હતો. બીચ બંધ રહેવાથી અમારે ત્યાં સ્થાનિક લોકોની રોજીરોટીને અસર પડી છે અને લોકોને ભારે તકલીફ છે. બીચ ખોલવો જ જોઈએ અને અમે એ બાબતે ગુરૂવારે નવસારી કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું જ છે. -નિલેશ પટેલ, સરપંચ, ઊભરાટ

દાંડીમાં મેમોરિયલ ખુલ્લું પણ બીચ બંધ
ઐતિહાસિક દાંડીમાં મુખ્યત્વે પ્રવાસીઓ માટે બે મહત્ત્વના સ્થળ છે એક નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ અને બીજો બીચ છે. મેમોરિયલ તો ઘણાં સમયથી ખુલ્લું જ છે પરંતુ બીચ જ બંધ કરવામાં આવ્યો છે. મેમોરિયલમાં રજાના દિવસે વધુ પ્રવાસી આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...