આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કૃષિ મેળો અને પાક પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લા કલેકટર અમીતભાઈ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ, નવસારી કૃષિ યુનિ.ના કુલપતિ ડો. ઝીણાભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, ડો. સી.કે. ટીમ્બડીયા, રણધીરભાઈ પટેલ, પરિમલ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. નવસારી જિલ્લાના છ તાલુકામાંથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા 10 પ્રગતિશીલ ખેડૂતનું મહાનુભાવોને હસ્તે અભિવાદન થયું હતું.
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા તથા વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. સી.કે. ટીમ્બડીયાએ કૃષિ મેળા અને પાક પરિસંવાદથી ખેડૂતોને થતા ફાયદા અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે સમારોહના મુખ્ય મહેમાનપદેથી રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાના બેફામ ઉપયોગથી ખેત ઉત્પાદનોમાં વિષ ફેલાવાથી એવા ઝેરયુક્ત ખેતપેદાશોનો ખોરાક લેવાતો હોય લોકો કેન્સર જેવા અસાધ્ય રોગોના ભોગ બની રહ્યાં છે. આ બધામાંથી બચવા પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય પાકી ગયો છે તેમ જણાવ્યું હતું.
ભૂરાલાલ શાહે કૃષિ ક્ષેત્રના અદ્યતન સંશોધનોનો ઉપયોગ કરી કૃષિ ક્ષેત્રે સારા ઉત્પાદનો લઈ ખેડૂતો સુખીસંપન્ન થાય તેવી ભદ્રભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. અતુલ ગજેરાએ ખેડૂતોને સરકારી ખેડૂતલક્ષી યોજના સમજાવી તેનો લાભ લેવા સમજ આપી હતી. મદદનીશ બાગાયત નિયામક પ્રીતિબેન દેસાઈએ બાગાયત ખાતાની ખેડૂતલક્ષી સરકારી યોજના અંગે, નાયબ પશુપાલન નિયામક ડો.એમ.સી.પટેલે પશુપાલાન ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું. મત્સ્ય પાલન ખાતાની વિવિધ સરકારી યોજના અંગે અિધકારી આર.કે.ચૌધરીએ પ્રકાશ પાડ્યો હતો.
નવસારી કે.વી.કેના સસ્યવિજ્ઞાન વૈજ્ઞાનિક કે.એ.શાહે નવસારી કૃષિ યુનિ.ના જુદા જુદા પાકોના નૂતન સંશોધનો અંગે િવગતવાર વાતો કરી વૈજ્ઞાનિક માહિતીની છણાવટ કરી હતી. નવસારી જિલ્લાના 6 તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોઓ પોતાના અનુભવો વર્ણવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને તંદુરસ્ત જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ કૃષિ મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ તાંત્રિક માહિતી મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.