કેન્દ્રીય ટીમની મુલાકાત:નવસારીમાં થયેલી તારાજીની સ્થતિનું નિરીક્ષણ કરવા આવેલી ટીમને તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારને બદલે અન્ય વિસ્તારમાં ફેરવ્યાં!

નવસારી13 દિવસ પહેલા
  • કેન્દ્રની ટીમે તંત્રના જુદા-જુદા 13 વિભાગો સાથે બેઠક યોજી સમીક્ષા કરી

નવસારી જિલ્લામાં ભારે વરસાદ તેમજ ત્રણ નદીઓમાં આવેલા ઘોડાપૂરથી તારાજી સર્જાઈ હતી. ત્યારે સ્થિતિનું નિરીક્ષણ કરવા આવેલી કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત બાદ આજે નવસારી શહેરની મુલાકાત કરી હતી. આજે પાલિકા તંત્રએ કેન્દ્રીય ટીમના સભ્યોને શહેરના પૂર પ્રભાવિત વિસ્તારોને બદલે વિજલપોરમાં ફેરવ્યા હતા, જેને લઈને પણ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.

જિલ્લામાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ હતી
નવસારી જિલ્લામાં ગત 7 થી 15 જુલાઈ સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારી સહિત ઉપરવાસમાં પડેલા સાંબેલાધાર વરસાદને કારણે જિલ્લાની કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં પુર આવ્યાં હતા. જેથી નદી કિનારાના અનેક ગામડાઓ અને શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. પૂરના ધસમસતા પાણીને કારણે ઘણા રસ્તાઓ, પૂલ તેમજ મકાનોને નુકસાન થયુ હતું. ત્યારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઇન્ટર મિનિસ્ટ્રીયલ હોમના જોઈન્ટ સેક્રેટરી સંજીવ સેહગલ સહિત ચાર સભ્યોની ટીમે બે દિવસ નવસારી જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક તંત્ર સાથે ફરી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું.

પૂર પ્રભાવિત ગામડાઓની પણ ટીમે મુલાકાત લીધી
તંત્રના જુદા-જુદા 13 વિભાગો સાથે બેઠક કરી સમીક્ષા પણ કરી હતી. ગત રોજ જિલ્લાના ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકાના પૂર પ્રભાવિત ગામડાઓમાં ટીમ ફરી હતી. જ્યારે આજે નવસારી શહેરના પુર પ્રભાવિત વિસ્તારની કેન્દ્રીય ટીમ મુલાકત કરવાની હતી. પરંતુ પૂર અસરગ્રસ્ત વિસ્તારને બદલે સી.ઓએ એમને જ્યાં પૂરની સ્થિતિ જ ન હતી, એવા વિસ્તારોમાં ફેરવ્યા હતા. જેના કારણે ટીમ શહેરના દશેરા ટેકરી, ભેંસતખાડા, ગધેવાન મોહલ્લો, શાંતાદેવી રોડ, કે જ્યાં પુરની સ્થિતિ હતી, ત્યાં પહોંચી જ શકી ન હતી. બાદમાં શહેરના મુખ્ય ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લઈ ટીમ પરત ફરી હતી.
જાનહાનિ અને મિલકતના નુકસાનીનું આકલન કર્યું
નવસારી જિલ્લામાં ગત દિવસોમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાની થઈ હોવાનું કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના નિરીક્ષણમાં બહાર આવ્યું છે. જેમાં સૌથી વધુ ખેડૂત પ્રભાવિત થયા છે, જિલ્લામાં 87 ગામડાઓમાં 3 હજારથી વધુ હેકટરમાં નુકસાન થવા સાથે 11,254 ખેડૂતોને 4 કરોડથી વધુનું નુકસાન થયું છે. જિલ્લામાં 62 ગામોમાં પૂરથી નુકસાન નોંધવામાં આવ્યું છે. જેમાં 40 કાચા મકાનોને નુકસાની સાથે 16 મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હતા. જિલ્લામાં 277 વીજ પોલ તેમજ 2 ટ્રાન્સફર ખરાબ થયા હતા. કાંઠામાં 88 ઝીંગા તળાવોને પણ નુકસાન થયુ હતું. પુર દરમિયાન કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યો અને 85 પશુઓના મોત નોંધાયા છે. કેન્દ્રના હોમ અફેર્સની ટીમે નવસારીની બે દિવસીય મુલાકાત લીધા બાદ એનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરી કેન્દ્ર સરકારમાં સુપ્રત કરશે, જેના આધારે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે એવી સંભાવના સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...