ગૌરવ:અમલસાડ સ્કૂલની છાત્રા ઇસરોના યુવા વૈજ્ઞાનિક કેમ્પમાં પસંદગી પામી

અમલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
શૈલી ટંડેલ - Divya Bhaskar
શૈલી ટંડેલ
  • રાજ્યમાંથી 4 પૈકી એકમાત્ર શૈલીની પસંદગીથી ગૌરવ
  • ​​​​​​​અવકાશ સંશોધન અંગે 25મે સુધી વિવિધ તાલીમો લીધી હતી

નવસારી જિલ્લાના અમલસાડના ડોકટર પિતાની પુત્રી અને હિ. ધૂ. સાર્વજનિક કન્યાવિદ્યાલય, અમલસાડમાં ધો. -9મા અભ્યાસ કરતી શૈલી જશવંતભાઈ ટંડેલની ઇસરોના યુવા વૈજ્ઞાનિક કેમ્પ માટે પસંદગી થતા પરિવાર અને શાળા પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ હતી.

શૈલીએ પ્રથમ 10 દિવસ માટે અમદાવાદના ઈસરોના વિવિધ પ્રકલ્પોની તથા અવકાશ વિજ્ઞાન અંગેની તાલીમ લીધી હતી અને ત્યારબાદ 5 દિવસ શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)ના ઈસરો સેન્ટરમાં અંતરીક્ષ સંશોધન અંગે વિવિધ માર્ગદર્શન મેળવી અમૂલ્ય વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા યુવા વૈજ્ઞાનિક કેમ્પનું આયોજન કરી અંતરીક્ષ સંશોધનમાં રૂચિ ધરાવનાર યુવાવર્ગની પસંદગી માટે સૌપ્રથમ એક ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી.

જેમાં નવસારી જિલ્લાના અમલસાડની હિ. ધૂ. સાર્વજનિક કન્યા વિદ્યાલયની ધો.-9માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થિની શૈલી જશવંતભાઈ ટંડેલે પરીક્ષા આપીને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરતાં તેની આ કેમ્પ માટે પસંદગી થતા ગત 15મેના રોજ તેણીએ પહેલાં ઈસરો, સાયન્સ સિટી, અમદાવાદમાં અવકાશ સંશોધન અંગે 25મે સુધી વિવિધ તાલીમો લીધી હતી.

બાદમાં 25 મેના રોજ એમના આખા જૂથને શ્રીહરિકોટામાં ચાલી રહેલા કેમ્પમાં લઈ જવાયા હતા. જ્યાં 5 દિવસ અભ્યાસ કરી અંતરીક્ષ સંશોધન અંગેનું વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું. જ્યાંથી 31મે ના રોજ શૈલી વતનમાં પરત ફરી હતી. શૈલીને શાળાના આચાર્યા જયશ્રીબેન દેસાઇ અને DEO રાજેશ્રી ટંડેલે અભિનંદન સહ વિશેષ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...