નવસારી જિલ્લા પંચાયત કચેરીમાં બુધવારે સવારે આરોગ્યકર્મીઓએ તેમના બે સહકર્મીનો સસ્પેન્શન ઓર્ડર રદ કરવા આરોગ્ય અધિકારીને મહેતલ આપી હતી પરંતુ આરોગ્ય અધિકારીએ તેમનો સસ્પેન્શન હુકમ રદ કર્યો ન હતો. જેને લઈ 650થી વધુ આરોગ્યકર્મી અને 150 થી વધુ આશા વર્કરોએ જિલ્લા પંચાયત સંકુલમાં ધરણાં પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે કર્મચારી મહાસંઘના સુનિલ ગામીત, રાજ્યના આરોગ્ય સંગઠન પ્રમુખે પણ સસ્પેન્શન પાછુ નહીં ખેંચાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. શુક્રવારે ત્રીજા દિવસે જિલ્લા પ્રમુખ ભીખુભાઇ આહીર, જિલ્લા આરોગ્ય અધિકારી ભાવસાર, આરોગ્ય વિભાગના પ્રકાશ પટેલ, બામણવેલ ગામના સરપંચ વિમલ પટેલ સહિત ગામનાં અગ્રણીઓ વચ્ચે સમાધાન બેઠક મળી હતી. જેમાં આરોગ્યકર્મીઓનું સસ્પેન્શન ખેંચવા અને આશાવર્કરને પુનઃ નોકરીએ લેવા માટે સર્વાનુમતે ઠરાવ કરાયો હતો.
ગામના લોકોએ કલેકટરને રજૂઆત કરી હતી
બામણવેલના સરપંચ વિમલ પટેલે જણાવ્યું કે ગામના આશાવર્કર અને આરોગ્યકર્મીઓ નિર્દોષ હોવા છતાં તેમને શિક્ષાત્મક કાર્યવાહી કરાતા ગામના 250 થી વધુ લોકોએ કલેકટરને પણ રજૂઆત કરી હતી. બાદમાં નવસારી જિલ્લા પંચાયતમાં આવી આદિવાસી પાવર બતાવ્યો હતો. જેને પગલે વહીવટી તંત્રએ સમાધાનકારી વલણ અપનાવવાની ફરજ પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.