નુકસાન:પવન ફૂંકાવાથી મોલધરામાં અનેક ઘરોના છાપરા ઉડ્યા

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોલધરામાં પવનથી થયેલ નુકસાનીવાળુ ઘર. - Divya Bhaskar
મોલધરામાં પવનથી થયેલ નુકસાનીવાળુ ઘર.
  • 10 જેટલા આદિવાસી પરિવારોના ઘરોને નુકસાન
  • ઉપર આભ નીચે ધરતી સ્થાનિકોએ જ મદદ કરી

નવસારી તાલુકાના મોલધરા ગામે શનિવારે આવેલ ભારે પવન સાથે વરસાદને લઈ 10થી વધુ ઘરોના પતરા ઉડી ગયા હતા. તમામ ઘરો આદિવાસી પરિવારના હોય નીચે ધરતી અને ઉપર આકાશ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ વાત ગામમાં વાયુવેગે ફેલાઈ ગઇ હોવા છતા સરપંચે જે તે સમયે મુલાકાત લીધી ન હતી અને કોઈ પણ મદદ ન કરી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. બીજા દિવસે પણ સરકારી કર્મચારીઓ ડોકાવા આવ્યા ન હોવાની માહિતી મળી છે.

નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે સાંજે અચાનક ભારે પવન અને વિજના ચમકારા સાથે આવેલ વરસાદને કારણે સામાન્ય જનજીવન પણ ખોરવાયું હતું. નવસારીમાં રાજમાર્ગો ઉપર પાણી આવી ગયું હતું. જો કે નવસારી તાલુકાના મોલધરા ગામે સાંજે ભારે પવનોને કારણે 10થી વધુ જેટલા આદિવાસી ઓના ઘરના પતરા ઉડી ગયા હતા. જેને કારણે તમામ આદિવાસી કુટુંબોની હાલત કપરી થઈ જવા પામી હતી. ઘર સામગ્રી પણ પાણીમાં પલળી જતા ઘણું નુકશાન થયું હતું.

જેની જાણ સ્થાનિક યુવાનોને થતા તેઓએ જેમના ઘરે પતરા ઉડ્યા હતા. તેઓને સલામત સ્થળે ખસેડી દીધા હતા. સાંજે પાછો વરસાદ પડતાં અમુક ઘરોમાં સ્થાનિક યુવાનોએ જ સારા પતરા ચડાવી આપી કામચલાઉ સગવડ કરી આપી હતી. આ બાબતે જાણ થતાં ગામના અગ્રણીઓ મદદે ન આવ્યા હોવાનો અસરગ્રસ્ત પરિવારોએ બળાપો ઠાલવ્યો હતો. બીજા દિવસે પણ સરકારી અધિકારીઓ ન આવતા સ્થાનિકોએ જાતે જ એક બીજાને મદદ કરી હોવાની માહિતી મળી છે.

નોંધનીય નુકસાન થયું હોય એવા અસરગ્રસ્તોના નામ
નવસારીના મોલધરા ગામે રતન ઝીણાભાઈ, બુદ્ધિયાભાઈ રાઠોડ, અશોકભાઈ રાઠોડ, ટીનુંબેન ઉમેશભાઈના 3 ઘરો, દક્ષાબેન ભરતભાઇ, અશોક ધીરુભાઈ, ભરતભાઇ રાઠોડ અને યુસુફભાઈ નામના લોકોના ઘરોને વ્યાપક નુકશાન થયું હતું. જ્યારે ઝાડ પણ નમી પડ્યા હતા. જો કે જાનહાની થઈ ન હોવાની માહિતી મળી છે.

ગામના અગ્રણીઓને જાણ કરતા તેઓ ન આવતા મુશ્કેલી વધી
સાંજે વાવાઝોડાને કારણે પતરા ઉડી ગયા હતા. જે બાબતે અમોએ સરપંચને તુંરત જાણ કરી હતી, પણ તેઓ કે પંચાયતના ઉપરી આવ્યા ન હતા. નવા બની રહેલા આદિવાસી આવાસોના પતરા પણ ઉડી જતા તેમની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. 10થી વધુ જેટલા ઘરોના છાપરા ઉડી જતા તેમના માટે સરકારી પ્રાથમિક શાળાના દરવાજા ખોલવા હતા, તે પણ ન કર્યું હતું. બીજા દિવસે પણ સરકારી કર્મીઓ આવ્યા ન હતા.> કિરણભાઈ રાઠોડ, આદિવાસી અગ્રણી, મોલધરા

અન્ય સમાચારો પણ છે...