પંચ-સરપંચો સાથે લોકશાહી પણ જીતી:ગ્રામ પંચાયત ના પરિણામમાં લોકસભા-વિધાનસભા જેવો અભૂતપૂર્વ ઉત્સાહ દેખાયો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં સંસ્કાર ભારતી મતગણતરી સેન્ટર પર બહારની બાજુએ જલાલપોર તાલુકાના સરપંચ અને સભ્યોના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. પોતાના ઉમેદવારના વિજયને વધાવવા માટે લોકો ઉત્સાહી દેખાયા હતા. - Divya Bhaskar
નવસારીમાં સંસ્કાર ભારતી મતગણતરી સેન્ટર પર બહારની બાજુએ જલાલપોર તાલુકાના સરપંચ અને સભ્યોના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. પોતાના ઉમેદવારના વિજયને વધાવવા માટે લોકો ઉત્સાહી દેખાયા હતા.
  • નવસારી અને જલાલપોર તાલુકામાં મત ગણતરી વહેલી પૂરી થઇ પણ અન્ય 4 તાલુકામાં મોડે સુધી જારી રહી હતી

નવસારી જિલ્લામાં યોજાયેલી 269 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મંગળવારે મત ગણતરી પૂર્ણ થયા બાદ હવે ચૂંટાયેલ સરપંચો અને વોર્ડ સભ્યો ગામમાં સરકાર ચલાવશે.4 તાલુકામાં મત ગણતરી મોડે સુધી ચાલી હતી.નવસારી જિલ્લામાં 269 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રવિવારે મતદાન થયા બાદ મંગળવારે તેની મત ગણતરી શરૂ થઈ હતી.જિલ્લાના 6 તાલુકામાં દરેકમાં એક -એક જગ્યાએ ઉક્ત તાલુકાની ગ્રામ પંચાયતોની મત ગણતરી સવારથી શરૂ થઈ હતી.

ચૂંટણી માટે મતદાન ઇવીએમથી નહીં પણ મતપેટીમાં મત નાખી કરાયું હોય તથા સરપંચ ઉપરાંત વોર્ડ સભ્યના મતની પણ ગણતરી કરવાની હોય વિલંબ થયો હતો. જોકે નવસારી તાલુકામાં પંચાયતોની મત ગણતરી હોવા છતાં 5 વાગ્યા પહેલા અને જલાલપોર તાલુકાની ગ્રામ પંચાયતોની પોણા આઠ પહેલા ગણતરી પુરી થઈ હતી.

વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકામાં તો વધુ ગ્રામ પંચાયતોની મત ગણતરી હોય મોડે સુધી મત ગણતરી ચાલી હતી પણ જ્યાં 22 જ ગ્રામ પંચાયતોની ગણતરી હોવા છતાં ગણતરીમાં વિલંબ થયો હતો. જિલ્લામાં જેમ જેમ પરિણામ આવતા ગયા તેમ વિજેતા સરપંચ અને વોર્ડ સભ્યોમાં વિજયની ખુશી ફેલાઈ હતી.તમામ મત ગણતરી કેન્દ્રોની બહાર ઉમેદવારોના ટેકેદારોના ટોળે ટોળે જોવા મળ્યા હતા.

પાતળી સરસાઇ વચ્ચે ‘મિસીંગ મતો’થી વિવાદ
ચૂંટણી માટે મતદાન ઈવીએમથી નહીં પણ પેપર મત (મતપેટી)થી થયું હતું. જેને લઈને અનેક મતદાન મથકોમા નોંધાયેલ મતદાન કરતા મતપેટીમાંથી ઓછા મત નીકળ્યાં હતા. કેટલાક મતદારોએ બેલેટ પેપર લઈ મતદાન નોંધાવ્યું તો ખરું પણ ગુપ્ત મતદાન માટેની મતપેટીમાં મત નાંખ્યો ન હતો. જેથી તફાવત આવ્યો હતો અને મિસીંગ મત થયા હતા. વાંસી, મહુવર જેવા ગામોમાં હાર-જીત ટૂંકા મતના અંતરથી થતા આ મિસીંગ મતોએ વિવાદ પણ સર્જયો હતો.

મતદાન અગાઉ જ 49 સરપંચ નક્કી હતા
આમ તો નવસારી જિલ્લામાં કુલ 308 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ હતી, પરંતુ તેમાં 35 પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યો તમામ બિનહરીફ થતા ‘સમરસ’ થઈ ગઈ હતી. આ ઉપરાંત 14 ગ્રામ પંચાયતોમાં પણ સરપંચો બિનહરીફ જ થયા હતા, જેને લઈને 49 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે મતદાન થયું ન હતું અને અગાઉથી જ નક્કી થઈ ગયા હતા.

કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન
હાલ જિલ્લામાં કોવિડના કેસો વધી રહ્યાં છે અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની ગાઈડલાઈન છે ત્યારે મતગણતરી વેળા તેનું પાલન ચૂસ્ત થયું નહતું. માસ્ક વિના લોકો મતગણતરી કેન્દ્રમાં ફરતા દેખાયા હતા. મતગણતરી કેન્દ્રમાં સેનેટાઈઝેશનમાં પણ ઉણપ દેખાઈ હતી. મત ગણતરી કેન્દ્રોની બહાર મોટી ભીડો દેખાઈ હતી અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક નહિવત જણાયું હતું.

કેટલાક ધૂરંધરોની હાર, કેટલાકનો દબદબો યથાવત
જલાલપોર તાલુકાના બોદાલીમાં સરપંચપદે ભાજપ અગ્રણી રણધીર પટેલની પત્નીની હાર થઈ હતી. સુપા ગ્રામ પંચાયતના સરપંચ અને નવસારી એપીએમસીના ભૂતપૂર્વ સરપંચ આશિષ નાયકની વોર્ડ સભ્યની ચૂંટણીમાં હાર થઈ હતી. વાઘરેચમાં વર્ષો સુધી ચૂંટાતા આવેલા અને ગત ચૂંટણીમાં જેલમાંથી ચૂંટાયેલા અગ્રણી મનહર ટંડેલ આ વખતે સરપંચની ચૂંટણી હારી ગયા હતા. જોકે બીજી તરફ કેટલાક અગ્રણીઓનો દબદબો ગામમાં યથાવત રહ્યો હતો. સુલતાનપુરમાં અગાઉ સરપંચ રહેલા શશીકાંત પટેલ ફરી સરપંચપદે ચૂંટાઈ આવ્યાં હતા. મંદિર ગામમાં સરપંચપદે ચૂંટાતા દેવાંગ દેસાઈનો દબદબો યથાવત રહ્યો હતો. નાગધરાના અગ્રણી મુકુંદ પટેલની પત્ની વનિતાબેન પટેલ સરપંચપદે ચૂંટાઈ આવી હતી. નાદરખામાં સતત 15 વર્ષ સરપંચ રહેલા ચંદ્રકાંત પટેલ 10 વર્ષ બાદ ફરી ચૂંટાયા હતા.

એક અને બે મત જ મળ્યાના રસપ્રદ કિસ્સા
જલાલપોર તાલુકાના કાળાકાછા ગામના વોર્ડ નંબર 7ના સોનલબેન સતીશકુમાર રાઠોડને માત્ર 1 જ મત મળ્યો હતો. વોર્ડમાં કુલ 91 મત હોય તેમાં મંગીબેન રાઠોડને 56, લક્ષ્મીબેન રાઠોડને 24 અને સોનલબેન રાઠોડને 1 મત મળ્યો હતો. અન્ય એક કિસ્સામાં વેડછા ગામના વોર્ડ નંબર 1ના જીગરભાઇ આહીરને માત્ર 2 જ મત પ્રાપ્ત થયા હતા. તેમની સામે ચૂંટણી લડનાર જગદીશભાઇ પટેલને 78, પીનલ પટેલને 30 અને કલ્પેશ પટેલને 8 મત મળ્યા હતા.

મંદિર ગામના વોર્ડ નંબર 6માં પેટા ચૂંટણી થશે
મંદિર ગામમાં દેવાંગકુમાર દેસાઇ અને તેમના પરિવારનો દબદબો રહ્યો છે. આ વખતે દેવાંગભાઇએ વોર્ડ નંબર 6માં સભ્ય તરીકે અને સરપંચના ઉમેદવાર તરીકે દાવેદારી કરી હતી. જોકે ગ્રામજનોનો પ્રેમ અને સહકાર મળતા તેમણે બન્નેમાં વિજય મેળવ્યો હતો. બન્નેમાં વિજય મેળવ્યા બાદ હવે દેવાંગકુમાર વોર્ડના સભ્ય પદેથી રાજીનામું આપશે અને ખાલી પડેલ પદ ભરવા માટે પેટા ચૂંટણી યોજાશે.

પરિણામની રાહ જોતા સમર્થકો રોડ પર બેસી ગયા
નવસારીની સંસ્કાર ભારતી સ્કૂલમાં ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. શાળાની બહાર ઉમેદવારોના સમર્થકોએ સવારથી જ લાંબી લાઇનો લગાવી હતી. જોકે પરિણામમાં વિલંબ થતા સમર્થકોએ થાકીને જાહેર માર્ગ પર જ બેસીને પ્રતિક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...