અકસ્માતની ભીતિ:વાંસદાના સરાગામે ધરાશાયી વીજપોલનું સમારકામ કરવામાં વીજ કંપનીના ઠાગાઠૈયા

ઉનાઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તે-ખેતરોમાં નમી પડેલા વીજપોલ અને જીવંત કેબલોથી અકસ્માતની ભીતિ

ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂન કામગીરીનો રાગ આલાપતી વીજ કંપનીની ગંભીર બેદરકારીઓ સામે આવી છે.. વાંસદા તાલુકાના સરા ગામે આવેલ ઝાડી ફળિયામાં ભારે વરસાદમાં ધરાશાયી થયેલા વીજપોલનું વરસાદે વિરામ લીધા બાદ પણ સમારકામ કરવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરા ગામના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નબળી કામગીરીને કારણે લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ થતું નથી. ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતી વીજ કંપનીની લાઈનોના થાંભલા ઠેર-ઠેર ઝુલતા જોવા મળે છે.

લોકોના માથે મોતનું જોખમ હોવા છતાં વીજ કંપની આ તૂટેલ વીજપોલ અને લાઈનોનું મરામત કાર્ય હાથ નહીં ધરતા સરાના ઝાડી ફળિયામાં જવાના રસ્તાની બાજુમાં જમીન પર પડેલા વીજ કેબલો જોતા વીજકંપની આ બાબતે ગંભીરતા દાખવી રહીં નહીં હોવાનું લાગી રહ્યું છે. વીજ કંપની મોટા અકસ્માતની રાહ જોઇ રહ્યું હોય તેમ જણાય છે. ખેતરોમાં કેબલો નીચે સુધી નમી પડેલા જોવા મળ્યા હતા તેમજ મેઈન રોડ પર અનેક વીજપોલ રસ્તાઓ પર નમી પડેલા જોવા મળ્યા હતા. જેને પગલે વરસાદી વાતાવરણમાં અકસ્માત થવાની ભીતિ રહેલી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અન્ય વિસ્તારોમાં વચ્ચે ખેતરોમાં જીવંત વીજતારવાળા થાંભલા પણ નમી ગયા છે. જેને પગલે ખેડૂતો ખેતરોમાં કામકાજ કરવા જવામાં ડર અનુભવી રહ્યા છે. વીજ વિભાગ દ્વારા મેઈન્ટેનન્સના નામે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતો હોય છે પરંતુ આ કહેવાતુ મેઈન્ટેનન્સ ચોમાસામાં પોત પ્રકાશતુ હોય છે. ઠેર ઠેર વીજ લાઈનના ઝુલતા તાર ખેડૂતોના મહામૂલા પાકથી માંડી કેટલાય લોકો માટે યમદૂત બની બેસે છે. જેથી વીજ કંપની તાત્કાલિક ધોરણે નમી પડેલા કેબલો તેમજ વીજપોલો દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરે એ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...