તંત્ર:પાથરી ગામના મુખ્ય માર્ગના ખાડા છેલ્લા એક દાયકાથી પૂરાયા નથી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં વાહનચાલકોએ વેઠવી પડે છે યાતના

ગણદેવી તાલુકાના પાથરી ગામનો મુખ્ય માર્ગ બિસમાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ચોમાસુ દરવાજે દસ્તક દઈ રહ્યું છે ત્યારે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થવાની સાથોસાથ માર્ગ અકસ્માત થવાની શક્યતા નકારી શકાતી નથી. નવસારી-ગણદેવી સ્ટેટ હાઈવે ઉપર આવેલા પાથરી ગામને જોડતો મુખ્ય માર્ગ બિસમાર થઈ ગયો છે. ગામના સરપંચ ડો. નરેશભાઈ આહિર સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અંદાજે દસ વર્ષ જેટલા સમયથી આ માર્ગોનું નવિનીકરણ થયું નથી. સરપંચના કાર્યમનો પદભાર સંભાળ્યા પછી માર્ગના નવિનીકરણ માટે તેમણે યોગ્ય રજૂઆત ઉચ્ચકક્ષાએ કરી છે પરંતુ અત્યારસુધી તેનું કોઈ પરિણામ મળ્યું નથી. સ્ટેટ હાઈવેથી લગભગ 1 કિ.મી. જેટલા રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને રસ્તા ઉપર કેટલીય જગ્યાએ ડામર સપાટી ઉખડીને ગટર જેવી પડી ગયેલી છે. જેમાં દ્વિચક્રી વાહનો સ્લીપ થઈ જવાની સંભાવના છે, જેના કારણે વાહનચાલકોને નાની મોટી ઈજા થવાની પૂરેપૂરી સંભાવના નકારી શકાય એમ નથી. ગણદેવી સ્થિત જિ.પં.ના તાબા હેઠળની માર્ગ મકાન કચેરી ખાતે આ માર્ગ અંગે તપાસ કરતા આ માર્ગના નવિનીકરણ અંગે કોઈ પ્રક્રિયા તેમના થકી કરવામાં આવી નથી. આગામી બજેટીય જોગવાઈમાં આ માર્ગની દરખાસ્ત કરીને માર્ગનું નવિનીકરણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. માર્ગ મકાન ખાતાના ઈજનેર વી.એન. ચૌધરીએ હાલમાં પ્રજાની મુશ્કેલી દૂર કરવા જરૂરી પેચવર્ક કરવાની ખાતરી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક દાયકાથી જે માર્ગના ખાડા નથી પૂરાયા ત્યા ખાડા પુરવાની વધુ એકવાર ખાતરી અપાઇ છે. ત્યારે રજૂઆત કરવા વાળા કે ખાતરી આપવા વાળા બંને થાક્યા ન હોવાનું જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...