નવસારી જિલ્લામાં કોવિડનો મૃત્યુઆંક ક્રમશઃ વધતા 1983 થઈ ગયો છે,જેમાં 1897 કેસમાં તો સહાય ચૂકવી પણ દેવાઈ છે.કોરોનામાં મૃત્યુ પામેલાઓને સહાય ચૂકવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને કોર્ટના આદેશ અનુસાર અહીંના નવસારી જિલ્લામાં પણ ડિસેમ્બર 2021થી કોવિડથી મૃત્યુ પામેલાઓને સહાય ચુકવવાની શરૂઆત થઈ હતી.
4 મહિના જેટલો સમય વીતી ગયો છે ત્યારે આ સમય દરમિયાન કોવિડ મૃત્યુની સહાય માટેની અરજીઓ વધુને વધુ આવતી રહી છે. મળતી માહિતી મુજબ કોવિડ સહાય માટે હાલ સુધીમાં કુલ 2148 ફોર્મ ભરાઈને આવ્યા છે, જેમાં 1983 ફોર્મ મંજૂર થઈ ગયા છે અને તેમાંથી 1897 કેસમાં તો સહાય ચૂકવાઈ પણ ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે કોવિડ મૃતકોને સહાય ચૂકવાયેલાની સંખ્યા અને સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની સંખ્યામાં ભારે તફાવત છે. જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે 210 મૃત્યુ નોંધાયા છે તો ગાંધીનગર રાજ્ય સરકાર જે કોવિડ મૃત્યુઆંક દર્શાવી રહી છે તે 41 જ છે.
9.48 કરોડ તો ચૂકવાઈ ગયા
નવસારી જિલ્લા હાલ સુધીમાં કોવિડથી થયેલા મૃત્યુના કેસમાં આવેલ કુલ અરજીઓમાંથી મંજૂર તો 1983 થઈ છે પરંતુ આજદિન સુધીમાં સહાય 1897 કેસમાં ચૂકવી દેવાઈ છે. આ સહાયનો આંક 9.48 કરોડ રૂપિયા (10 કરોડ નજીક) છે. હજુ આ આંક વધશે.
માત્ર 149 અરજીમાં સહાય નહીં
જિલ્લામાં હાલ સુધીમાં કોવિડ મૃત્યુ માટે આવેલ અરજીઓમાંથી 2132માં નિર્ણય લેવાઈ ગયો છે. જેમાં માત્ર 149 અરજી એક યા બીજા કારણે નામંજૂર કરી દેવાઈ છે. માત્ર 7 ટકા જ નામંજૂર થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.