હોમટ્રેડ પ્રકરણ:હોમટ્રેડ પ્રકરણ બાદ નવસારી પીપલ્સ ઉભી ન થઇ

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
16 વર્ષથી ફડચામાં બેંકની ધોબીવાડ સ્થિત હેડ ઓફિસ - Divya Bhaskar
16 વર્ષથી ફડચામાં બેંકની ધોબીવાડ સ્થિત હેડ ઓફિસ
  • 2005ની સાલમાં બેન્કને ફડચામાં લઇ જવાઇ ત્યારે 25 હજારથી વધુ સભાસદ, 51.33 કરોડ થાપણ અને 31.08 કરોડ રૂપિયાનું ધિરાણ હતુ
  • સરકારી જામીનગીરીના​​​​​​​ રોકાણ સંદર્ભે કોર્ટે બેંક અને તેના ડિરેકટરોને િનર્દોષ છોડ્યા પણ બેંકનું મહત્તમ કામકાજ તો 17 વર્ષથી બંધ છે

નવસારી પીપલ્સ બેંક કો.ઓ. બેંકને અને તેના ડિરેકટરોને તો કોર્ટે ગુરૂવારે નિર્દોષ છૂટકારો કર્યો પણ ‘હોમટ્રેડ પ્રકરણ’માં ફસાયા બાદ પુન: ઉભી થઈ ન હતી. સને 1971માં સ્થપાયેલ નવસારી પીપલ્સ કો.ઓપરેટીવ બેંક ફડચામાં ગઈ ન હોત તો આજે 50 વર્ષ પૂર્ણ કર્યા હોત.

એક સમયે નવસારી પંથકના મહત્તમ લોકો કોઈને કોઈ રીતે આ બેંક સાથે જોડાયેલા હતા. બેંકની સ્થિતિ ખુબ જ સારી હતી પરંતુ હોમટ્રેડ મારફત સરકારી જામીનગીરીમાં કરેલ કરોડોના રોકાણ (વ્યવહાર)માં હોમટ્રેડ દ્વારા થયેલ નાણાંનો અણધડ વહીવટને કારણે બેંક ખોટકાઈ ગઈ હતી અને 24.34 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો કેસ પણ દાખલ થયો હતો. જોકે હોમટ્રેડમાં ફસાયા બાદ નવસારી પીપલ્સ કો. ઓપરેટીવ બેંક પુન: ઉભી થઈ શકી ન હતી.

બેંકનું લાયસન્સ 8-11-2004ના રોજ રદ થઈ ગયું હતું અને 2005માં બેંકને ફડચામાં લઈ જવાઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે બેંકને ફડચામાં લઈ જવાઈ તે સમયે બેંકમાં 25850 જેટલા શેર હોલ્ડર હતા. એટલું જ નહીં આ સમયે બેંકની થાપણ 51.33 કરોડ રૂપિયાની હતી અને ધિરાણ-વ્યાજ સાથે 31.08 કરોડ રૂપિયા જેટલું હતું.

કોર્ટે કહ્યું, RBIની સૂચના મુજબ સરકારી જામીનગીરીમાં રોકાણ કરાયું હતું
કોર્ટે કહ્યું બેંકે જે સરકારી જામીનગીરીમાં રોકાણ કરેલું તે રોકાણ કરવા માટે RBIની સૂચના હતી, આગ્રહ પણ હતો અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈ મુજબ બેંકને ફરજ પણ પાડવામાં આવી હતી. જો રોકાણ ન કરે તો કલમ-24નો ભંગ થતો હતો.કોર્ટે કહ્યું, આ રોકાણમાંથી બેંક યા ચેરમેન, ડિરેકટર, કર્મચારીએ એક રૂપિયો પણ ગેરકાયદેસર મેળવી લીધો હોય તેવો એકપણ આક્ષેપ નથી.કોર્ટે કહ્યું સરકારી જામીનગીરીનું રોકાણ ‘સબજેક્ટ ટુ માર્કેટ રીસ્ક’ રહેલું હોય છે, જે હકીકત પણ રિઝર્વ બેંક સારી રીતે જાણે છે. આથી આ રોકાણથી પીપલ્સ બેંકને જે નુકસાન થયું તેમાં બેંક કે ડિરેકટર જવાબદાર ઠરતા નથી.કોર્ટે કહ્યું આરોપીઓ વિરૂદ્ધ કરેલ આક્ષેપોમાં જાણી જોઈને ખોટા રિટર્ન ફાઈલ કરેલ તે હકીકત પૂરવાર થતી નથી. કોર્ટે કહ્યું રિઝર્વ બેંકના આદેશો, સૂચનો, સરક્યુલરો કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈનો ભંગ કરેલો હોવાનું પણ રિઝર્વ બેંક પૂરવાર કરી શકી નથી.

બેંકના ચેરમેન ખુદ જ પોતાના એડવોકેટ
આ કેસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જે ફરિયાદ દાખલ કરી હતી તેમાં તે સમયના બેંકના ચેરમેન ઠાકોરભાઈ એમ. દેસાઈનો પણ સમાવેશ થાય છે. ઠાકોરભાઈ દેસાઈની નવસારીમાં ખુબ સારી વ્યક્તિ અને એડવોકેટ તરીકેની પ્રતિભા છે અને તેમણે પોતાની દલીલ પોતે જ કરી હતી. 17માંથી 15 આરોપીના એડવોકેટ પી.કે. મહિડા હતા અને બેંકના એડવોકેટ તરીકે કોર્ટમાં વી.ડી.નાયક હતા.

બેંકની એક નહીં 8 બ્રાંચ હતી
નવસારી પીપલ્સ બેંક કો.ઓપરેટીવ બેંકનુ કર્જ 1980-85 બાદ વધતુ ગયું હતું. જેને લઈ બેંકે તેની શાખાઓ પણ વધારી હતી. છેલ્લે બેંકની 8 શાખા ઉભી થઈ હતી, જે નવસારી શહેર બહાર મરોલી, વસર વિસ્તાર વગેરે સ્થળોએ પણ ઉભી કરાઈ હતી.

તેંડુલકર પણ હોમટ્રેડ સાથે જોડાયેલો હતો
2000ની સાલના અરસામાં હોમટ્રેડ કંપની ભારે ચર્ચામાં આવી હતી. તેનો પબ્લિક ઈસ્યુ પણ નીકળવાનો હતો (જે બાદમાં નહીં નીકળ્યાંનું જાણવા મળે છે) કંપની સાથે મોટી હસ્તીઓ પણ જોડાઈ હતી. જેમાં લેજન્ડરી ક્રિકેટર સચીન તેંડુલકરે પણ હોમટ્રેડની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...