નવસારી જિલ્લાના ચીખલી પાસેના ખુડવેલમાં 10મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમનું સૂચક રીતે ત્રણ વખત નામ બદલવામાં આવ્યું છે. નામકરણ બદલવા પાછળના કારણોને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. સૌપ્રથમ PMના કાર્યક્રમનું નામ આદિવાસી ગૌરવ સંમેલન રાખવામાં આવ્યું હતું. જોકે, આ નામ કોઈ કારણોસર બદલી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સમરસતા સંમેલન નામ આપવામાં આવ્યું હતું. આ નામ પણ 2 દિવસમાં આશ્ચર્યજનક રીતે બદલી નાખ્યા બાદ હાલમાં ગુજરાત ગૌરવ અભિયાન નામથી કાર્યક્રમ યોજાશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
હાલમાં પાર તાપી નર્મદા રીવરલિંક પ્રોજેક્ટ મુદ્દે આદિવાસી સમાજ ભાજપથી નારાજ છે. ત્યારે આદિવાસી સમાજને રીઝવવા માટે અને કરોડો રૂપિયાના પાણીની યોજનાનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન નવસારીના ચીખલી આવી રહ્યા છે. ત્યારે કોઈપણ વ્યક્તિગત સમાજ માટે કાર્યક્રમ ન યોજાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જે છે તે સમગ્ર ગુજરાતના સમાજ માટે ઉપયોગી થાય અને જાતિગત સમીકરણને જોતા ગુજરાતની અન્ય જ્ઞાતિઓને વિકાસલક્ષી મેસેજ આપવા માટે આ કાર્યક્રમમાંથી આદિવાસી શબ્દ કાઢીને તેના સ્થાને ગુજરાત ગૌરવ અભિયાન નામ આપ્યુ છે. આ કાર્યકમ આદિવાસી સમાજ પૂરતો સીમિત ન થાય તે માટે કુલ ત્રણ વખત નામ બદલવામાં આવ્યું છે.
નવસારીના કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની આગેવાનીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં નવા નામની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં આ કાર્યક્રમ ગુજરાત ગૌરવ અભિયાનના નામથી યોજાશે. નામકરણના બદલાતા કાર્યકમ સ્થળ પર જૂના બેનર રદ કરવામાં આવ્યા છે અને નવા નામથી બેનર છપાવવાની શરૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.