તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાલિકાને દર વર્ષે 20 લાખનો ખર્ચ છતાં શહેરમાં 10થી વધુ સ્થળે વરસાદી પાણીનો નિકાલ નહીં

નવસારી13 દિવસ પહેલાલેખક: ચેતન પટેલ
  • કૉપી લિંક
રેલવે ગરનાળુ, દર ચોમાસે આવી સ્થિતિ સર્જાય છે - Divya Bhaskar
રેલવે ગરનાળુ, દર ચોમાસે આવી સ્થિતિ સર્જાય છે
  • નવસારીની પ્રિમોન્સૂન કામગીરીમાં પોલમપોલ
  • સમસ્યાનો કાયમી નિકાલ કરવા ડ્રોન કેમેરાથી પાણી ભરાવાના સ્થળ ચેક કરાશે, તે પછી તેનું નિરાકરણની કાર્યવાહી કરાશે

નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી પ્રિમોન્સૂન કામગીરીમાં ઉતારાતી વેઠમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવે છે. વર્ષે આ કામગીરીમાં 20 લાખથી વધુનો ખર્ચ પાલિકાના સ્વભંડોળમાંથી થાય છે પરંતુ એ કામગીરી માત્ર કાગળ ઉપર જ હોય તેવી નરવી વાસ્તવિકતા ચોમાસુ શરૂ થતા જ લોકોને થઈ જાય છે. શહેરમાં 10થી વધુ એવા સ્થળો છે જ્યાં સામાન્યત: એકધારો 3 ઈંચ વરસાદ પડે તો જાણે અડધુ શહેર પાણીમાં ગરક થઈ ગયું હોય તેવો નજારો જોવા મળે છે. રસ્તા પાણીમાં ગાયબ થઈ જાય છે. ઘૂંટણસમા 2થી 3 ફૂટ પાણી ભરાય જાય છે.

મંકોડિયા
મંકોડિયા

કલાકોના કલાકો વાહનવ્યવહાર ઠપ થઈ જાય છે. શહેરના મહત્તમ લોકો આ સમસ્યાથી વાકેફ છે પરંતુ જોવા જેવી વાત એ છે કે દર વર્ષે ઉભી થતી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં પાલિકા તંત્રએ કોઈ રસ જ દાખવ્યો નથી. માત્ર પ્રિમોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયા પાણીમાં જ ગયા છે પરંતુ સ્થિતિ સુધરવાને બદલે દર વર્ષે બદથી બદતર થઈ રહી છે પણ નવસારી પાલિકા શાસકોના પેટનું પાણી હાલતું નથી. પાલિકા તંત્રને આ બાબતે કોઈ રસ નથી તે આટલા વર્ષોની સ્થિતિ જોતા સિદ્ધ થઈ ગયું છે. પ્રજાએ પણ આ બાબતને સ્વીકારી લીધી હોય તેવો આભાસ થઈ રહ્યો છે.

ભાસ્કરે આ સમસ્યા સંદર્ભે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરી તેના નિરાકરણ માટે શહેરના અગ્રણીઓ અને એન્જિનિયરો સાથે વાત કરી ઉપાયો સૂચવ્યાં છે. જો તે પાલિકા તંત્ર અમલ કરે તો વર્ષોજૂની સમસ્યાનો અંત લાવી શકે તેમ છે. લોકો પણ હવે આ સમસ્યાથી ત્રસ્ત થયા હોય ત્યારે તેનું નિરાકરણ અનિવાર્ય છે.

શહેરના આ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણીનો ભરાવો થતાં હાલાકી પડે છે
મારૂતિનગર, સૂર્યનગર, મેઘવાળ સોસાયટી, વિજલપોર હળપતિવાસ, ઘેલખડી શિવાની પાર્ક, શાંતાદેવી વિસ્તાર, પ્રકાશ ટોકીઝ ગરનાળુ, વિજલપોર સિટી ગાર્ડન, પ્રજાપતિ આશ્રમ-ડેપો રોડ, પોલીસ લાઈન-લુન્સીકૂઈ, ગ્રીડ અહિંસા દ્વાર, જૂની ભારતી ટોકીઝ પાસેનો રોડ.

તંત્રની બેદરકારીને કારણે જ સમસ્યા ઉદભવે છે
વરસાદી પાણીના ગટરની લાઈનની સાફસફાઈમાં પૂરતું ધ્યાન અપાતું નથી. અગાઉના વર્ષોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હોય તેવી ઘટના ઓછી બનતી હતી પરંતુ હાલ સ્થિતિ ખરાબ છે. પાણીનો નિકાલ થતો નથી એટલે રસ્તા પર પાણી ફરી વળે છે. તંત્રની બેદરકારીને કારણે જ આવું થાય છે. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તો તમામ સમસ્યા દૂર થઇ શકે અને લોકોને તેનાથી મોટી રાહત મળી શકે તેમ છે. -મુકેશભાઈ પટેલ, સામાજીક અગ્રણી, કબીલપોર

કેટલીય સોસાયટીમાં પાણી ભરાય જાય છે

વિજલપોરમાં વર્ષોથી ઘણાં બધા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ચોમાસામાં તળાવ ભરાયા હોય તેવી સ્થિતિ સોસાયટીઓમાં થઈ જાય છે. વિજલપોરમાં વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં તંત્ર સાવ ખાડે ગયું છે. વર્ષોથી લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે પરંતુ સત્તાધિશોને તેના નિરાકરણ માટે સમય મળતો નથી અથવા તો તેઓ લોકોની સુખાકારીને ધ્યાને લેતા નહીં હોય તેવું લાગી રહ્યું છે. -અમીતભાઈ કચવે, અગ્રણી, વિજલપોર

ડિવાઇડરનો અવરોધ અને વરસાદી પાણીની ગટરની સફાઈના અભાવે પાણી ભરાય છે

વરસાદી પાણીની ગટર લાઈનની જે રીતે સાફસફાઈ થવી જોઈએ તે યોગ્ય પ્રમાણમાં કરાતી નથી. ઉપરાંત રસ્તાની વચ્ચે કેટલીક જગ્યાએ ડિવાઈડર બનાવી દેવામાં આવ્યાં છે. તેના કારણે જે પાણી સડસડાટ પસાર થઈ નીકળી જવું જોઈએ તે ડિવાઈડરના અવરોધથી રોકાય છે. પરિણામે પાણીનો ભરાવો થઈ જાય છે અને રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવી પડે છે.

જો આવા ડિવાઈડર હટાવી દેવામાં આવે અને વરસાદી ગટરની યોગ્ય સાફસફાઈ થાય તો બેથી ત્રણ ફૂટ પાણીનો જે ભરાવો થાય છે તેવી સમસ્યા નહીં રહે પણ તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરાતું નથી અને તેના પરિણામે લોકોએ જ સહન કરવાનું આવે છે. - જયંતભાઇ (દેવુભાઇ) મહેતા, આર્કિટેકટ એન્જિનિયર, નવસારી

સીધી વાત: જીગીશભાઇ શાહ, પ્રમુખ, નવસારી-વિજલપોર પાલિકા

પ્રશ્ન: દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરીમાં કેટલો ખર્ચ થાય છે ? જવાબ: પાલિકાનો દર વર્ષે 20થી 25 લાખનો ખર્ચ પ્રિમોન્સૂન કામગીરીમાં કરવામાં આવે છે. હાલ આસપાસના ગામો પણ પાલિકામાં સમાવાયા હોય એટલે કામગીરી વધી છે. પ્રશ્ન:2 પ્રિમોન્સૂન કામગીરીમાં કેટલા માણસો જોડાયા છે ? જવાબ: પાલિકાના 30થી 40 કર્મચારીઓ કામગીરી કરી રહ્યાં છે. પ્રશ્ન: પાણી જ્યાં ભરાય છે તેવા કેટલા સ્થળો તમારા ધ્યાન પર છે ? જવાબ: અત્યારે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. જ્યારે વરસાદ પડશે ત્યારે ડ્રોન ઉડાવી ચોક્કસ જગ્યા શોધી કાઢી તેના નિરાકરણ માટેના પ્રયાસો કરાશે. પ્રશ્ન: વરસાદી પાણીના ભરાવાનો કાયમી ઉકેલ કરી શકાશે ખરો ? જવાબ: હા, બિલકુલ. તે માટેના જ પ્રયાસો કરાઈ રહ્યાં છે, જેથી ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થાય નહીં. પ્રશ્ન: કેવી કામગીરી કરાઈ રહી છે, જેથી પાણીનો નિકાલ થાય ? જવાબ: જ્યાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે તેવા કેટલાક સ્પોટ ધ્યાને આવ્યાં છે. જે સ્પોટ છે તેમાં અલગ અલગ કારણોને લઈ પાણીનો ભરાવો થાય છે. પ્રશ્ન: દબાણ કારણે પાણીનો નિકાલ થતો નથી ? શું કાર્યવાહી કરશો ? જવાબ: હાલ, જે સરવે કરાઈ રહ્યો છે તેમાં મહત્તમ જગ્યાઓમાં વરસાદી પાણીની ગટર પર દબાણ ઉભું કરાતા પાણી નિકાલની સમસ્યા ઉભી થઈ હોવાનું બહાર આવ્યું છે. એ દબાણો કેટલીક જગ્યાએ દૂર કરાયા છે તો કેટલીક જગ્યાએ જરૂર પડ્યે કાયદાકીય કાર્યવાહી કરી દબાણ દૂર કરાશે. પ્રશ્ન: ચાલુ વર્ષે પાણી ભરાવાની સમસ્યા દૂર થશે ખરી ? જવાબ: હાલ, આ સમસ્યાનો નિવેડો આવે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી ભવિષ્યમાં મુશ્કેલી ઉભી ન થાય.

અન્ય સમાચારો પણ છે...