'હે મેઘરાજા હવે ખમૈયા કરો':બીલીમોરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, સ્થાળાંતર કરવામાં ન આવતા લોકોને પડી રહી છે હાલાકી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આફતરૂપી વરસાદ બંધ થાય તેવી લોકો પ્રાથના કરી રહ્યા છે
  • અવિરત વરસાદથી લોકોની રોજની કામગીરી પ્રભાવિત થઈ

નવસારી જિલ્લામાં સતત પાંચમાં દિવસે મેઘમહેર થઈ રહી છે. જેથી આ ધોધમાર વરસાદ હવે આફતનો વરસાદ બની રહ્યો છે. ગત રોજ ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની નદીઓના જળસ્તરમાં સતત વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને કારણે 2500 લોકોને સ્થળાંતર કરવા પડ્યું હતું અને તંત્ર દ્વારા એમના રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. જોકે, બીલીમોરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. પરંતું લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ન હતું. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.

નદીના જળસ્તર સતત વધારો
બીલીમોરા શહેરના ઓરિયા-મોરિયા, શ્યામ નગર 1, વાડિયા શીપયાર્ડ, બંદર, માછીવાડ વગેરે વિસ્તારોમાં પાણી ભરાતા અસરગ્રસ્ત લોકોએ ઘરવખરીનો સમાન ઉંચો મુકી સુરક્ષિત સ્થળોએ ખસવું પડ્યું હતું. જ્યારે પૂરના પાણી ઓસરતા ઘરે પહોંચી સાફ-સફાઈ કરી, સમાન ગોઠવવાની તૈયારી કરતા શ્યામ નગર 1 સામેના શ્રમિકોની ચિંતા ફરી વધી છે.

કાવેરી અને અંબિકામાં ફરી જળસ્તર વધી રહ્યુ છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા છે. જેથી ફરી સ્થળાંતર કરવા પડશેની ચિંતા સાથે પાલિકાએ ગત રોજ પણ જમવાની વ્યવસ્થા કરી ન હોવાની ફરિયાદ ઉઠી છે. બીજી તરફ આફતના વરસાદમાં બાળકોએ ખુશી શોધી લીધી છે અને વરસતા વરસાદમાં મન મુકીને છબછબિયાં કરવા સાથે રમી રહ્યા છે. જ્યારે અન્ય એક બાળકે ઘરમાં પડેલી થર્મોકોલ શીટને નાવડી બનાવી વરસાદની મજા માણી હતી.

કોઈપણ અધિકારી વિસ્તારમાં ફરક્યાં નથી
સ્થાનિક મહિલા બિકલિશ બેનના જણાવ્યાં મુજબ વરસાદથી તેઓ ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે દિવસથી પાણી ભરાવાને કારણે પોતાના ઘરવખરીનું પણ તેમને ચિંતા સતાવી રહી છે. વહીવટી તંત્રમાંથી કોઈપણ અધિકારી આ વિસ્તારમાં ફરક્યા નથી જેને કારણે તેમને મદદ મળે તેવી તેમની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...