તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:માત્ર 5 કલાકમાં અપહરણકર્તા ઝડપાયા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવસારી પોલીસની સજાગતાથી અપહૃતનો છૂટકારો

5 વર્ષ અગાઉ અમદાવાદનો યુવાન મહારાષ્ટ્રના પુનામાં કમ્પ્યૂટરની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. કોરોનાના કારણે દેવુ થઈ જતા આ યુવાન અમદાવાદ તેમના સ્વજનને ત્યાં આવ્યો હતો. જેથી તેમના ભાગીદારોએ નુકસાન ભરપાઈ કરવા અમદાવાદ આવીને તેનું અપહરણ કર્યું હતું. જોકે તેઓ યુવાનને અન્ય સ્થળે લઈ જાય તે પહેલાં નવસારી પોલીસે નેહા.નંબર 48 પરથી ઝડપી લીધા હતા. માત્ર 5 જ કલાકમાં અમદાવાદ અને નવસારી પોલીસના સંકલનને પગલે ગણતરીના કલાકોમાં અપહરણ કરેલા યુવાનનો છૂટકારો કરાવી 3 જણાંની અટક કરી હતી.

અમદાવાદમાં રહેતા કાંતિલાલ લીલારામ લોહારે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ આપી હતી કે તેમના ફોઈનો છોકરો ભરત લલિતભાઈ લોહાર (હાલ રહે. અમદાવાદ, મૂળ રહે. રાજસ્થાન) પુનામાં કમ્પ્યૂટરની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો પરંતુ તે દુકાન બંધ થઈ જતા તે અમદાવાદ તેમની સાથે 2 જૂનથી રહેતો હતો. 23મી જૂને ભરત કાંતિલાલની દુકાન પાસે લઘુશંકા કરવા ગયો હતો. દરમિયાન મહારાષ્ટ્રની પાસિંગવાળી કારમાં ત્રણ યુવાન તેને મારમારી અપહરણ કરી ગયા હતા. આ બાબતે કાંતિલાલે પોલીસને જાણ કરી હતી.

પોલીસે આ અપહરણ બાબતે રાજયની પોલીસને જાણ કરતા નવસારી ગ્રામ્ય પીએસઆઈ એન.બી. સોલંકી, અહેકો નરેન્દ્રસિંહ લાખુભા, અહેકો યોગીરાજ, અપોકો શક્તિસિંહ અને સ્ટાફે હાઈવે નં. 48 પર વોચ ગોઠવી હતી. દરમિયયાન બાતમીવાળી કાર (નં. MH-12-TD-0129) આવતા તેને ઉભી રાખી તપાસ કરી હતી. કારમાં અપહૃત યુવક ભરત લોહારને હેમખેમ છોડાવ્યો હતો અને અપહરણકર્તા કૃણાલ ગજાનન પવાર (રહે. પુના, મહારાષ્ટ્ર), શ્રીકાંત ખડાંગને (રહે. પુના) અને કૃણાલ માલેવાર (રહે. પુના, મહારાષ્ટ્ર)ની અટક કરી હતી. અમદાવાદ પોલીસને જાણ કરી તેમને આરોપીનો કબજો સોંપી વધુ કાર્યવાહી અમદાવાદ વસ્ત્રાપુરના પીએસઆઈ મકવાણા કરી રહ્યાં છે.

22 લાખ ઉઘરાણી કરવા અપહરણ કરાયું
જેમનું અપહરણ થયું તે ભરત લોહાર મૂળ રાજસ્થાન વર્ષ-2016માં પુનામાં ગ્લોબલ આઇટી નામની કમ્પ્યૂટર કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. કોરોનાના કારણે એપ્રિલ-2021મા કંપની બંધ થઈ જતા તે બેરોજગાર બન્યો હતો. તેને સ્થાનિક મિત્ર કૃણાલ સહિત અન્ય મિત્રો પાસે નાણાં ઉધાર લેતા દેવુ થઈ ગયું હતું.

હાલમાં બેરોજગાર ભરત તેમના મામાનો દીકરો અમદાવાદ રહેતો હોય ત્યાં 2 જૂને આવ્યો હતો અને 23મી જૂને અપહરણ થયું હતું. ભરત અમારી પાસે છે, તેની પાસે અમારે 22 લાખ લેવાના છે અને હાલ અમે પણ મુસીબતમાં છે, જેથી ભરતના ખાતામાં હમણાં જ 5 લાખ જમા કરાવો, તેને કંઈ નહીં થાય અને તે અમારો ભાઈ છે તેમ સતત 12.30 થી 2 વાગ્યા સુધી અપહરણકર્તાનો મેસેજ આવતા હતા. ભરતનું 22 લાખ લેવા અપહરણ થયું હોવાનું અમદાવાદ પોલીસે નોંધ્યું હતું. વસ્ત્રાપુર પોલીસ તપાસ કરી રહી છે.

બાતમીવાળી કાર આવતા ગુનો ડિટેકટ થયો
અમદાવાદના યુવાનનું બ્લેક રંગની અને મહારાષ્ટ્રની પાર્સિંગવાળી કિયા કારમાં અપહરણ થયું હોવાની બાતમીને આધારે હાઈવે નં. 48 પર વોચ રાખી હતી. અમદાવાદ પોલીસનો 12.30 વાગ્યે અપહરણ થયાનો મેસેજ આવ્યો અને 5.30 કલાકે આરોપીઓની અટક કરી હતી. અમદાવાદ પોલીસને જાણ કરી આરોપીને સોંપી દેવાયા છે. > એન.બી સોલંકી, ઈનચાર્જ પીઆઈ, નવસારી ગ્રામ્ય

અન્ય સમાચારો પણ છે...