તરૂણોએ દાખવ્યો રસીમાં રસ:નવસારી જિલ્લામાં સૌથી વધુ વાંસદા તાલુકામાં 161.54 ટકા તો સૌથી ઓછું ખેરગામમાં 93.20 ટકા

નવસારી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ દિવસે 12800ના ટાર્ગેટ સામે 16819ને વેક્સિન અપાઇ, 131.40% રસીકરણ
 • હવે છાત્રો​​​​​​​ ભણાવશે કોરોનાને પાઠ

નવાસારી જિલ્લામાં 15થી 18 વર્ષની વયના બાળકો માટે સોમવારથી ગુરૂવાર સુધી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સોમવારે પ્રથમ દિવસે આરોગ્ય વિભાગ દ્વારા 12800ના લક્ષ્યાંક સામે 16819 બાળકોનું વેક્સિનેશન કરી 131 ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો. જેમાં સૌથી વધુ વાંસદા તાલુકામાં 161.54 ટકા લક્ષ્યાંક અને ખેરગામમાં સૌથી ઓછું 93 ટકા રસીકરણ કરાયું છે. આરોગ્ય વિભાગ કોઈ પણ બાળક વેક્સિનેશન વગર રહી નહીં જાય તે માટે કાર્યવાહી કરી રહ્યાં છે.

નવસારી જિલ્લામાં કોરોનાનું છાત્રોમાં સંક્રમણ વધતા જેને લઈ આરોગ્ય વિભાગે 15થી 18 વર્ષની વયના બાળકોને રસીકરણ આપવાની વ્યવસ્થા ગોઠવી છે. તેમાં પ્રથમ દિવસ સોમવારે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિભાગના યોગ્ય સંકલનના અભાવે રસીકરણ માટે સ્ટાફ વહેલી સવારે આવી ગયો હતો પરંતુ શાળાનો સમય સવારે 10.30 વાગ્યાનો હોય શાળાના આચાર્ય સાથે આરોગ્યકર્મીઓની રકઝક પણ થઈ હોવાની માહિતી મળી છે. આરોગ્ય વિભાગ દ્વારા 3થી 7 જાન્યુઆરી દરમિયાન 57467 કિશોરોને રસી આપવામાં આવશે.

જેમાં 3જી જાન્યુઆરી પ્રથમ દિવસે દરેક તાલુકામાં 2500ના ટાર્ગેટ સામે નવસારી તાલુકામાં 3613, જલાલપોર તાલુકામા 2202, ગણદેવી તાલુકામાં 2979, ચીખલી તાલુકામાં 3216, ખેરગામ તાલુકામાં 932 અને વાંસદા તાલુકામાં 3877 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 12800ના ટાર્ગેટ સામે 16819 બાળકોનું વેક્સિનેશન થતા 131 ટકા રસીકરણ થયાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

વાંસદા તાલુકાની આંબાબારી અને મહુવાસની શાળામાં 100% રસીકરણ
વાંસદા તાલુકાની આંબાબારી વન વિદ્યાલયમાં 525 અને મહુવાસ સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં 184 વિદ્યાર્થી મળી કુલ 709 બાળકોને પ્રથમ દિવસે રસીકરણ કરાયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ડો.કમલેશ ઠાકોરે શુભકામના પાઠવી હતી. ડાયરેકટર દિશાંત ઠાકોર અને આચાર્યા હર્ષાબેન અને એમની ટીમે પ્રથમ ડોઝ લેનાર વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. આંબાબારી શાળાના સ્ટાફ અને બાળકોના પ્રયાસથી 100% રસીકણનો લક્ષ્યાક સિદ્ધ કર્યો હતો.

પ્રથમ દિવસે વેક્સિનેશન નહીં કરવા વાલીઓએ શાળાને જાણ કરી
નવસારીની અગ્રવાલ સ્કૂલમાં સોમવારે વહેલી સવારે કલેક્ટર અમિત પ્રકાશ દ્વારા 15થી 18 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓના વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત કરાવાઇ હતી. કેટલાક વાલીઓ પોતાના બાળકને વેક્સિન આપવાને લઇને વિમાસણમાં મુકાયા છે. કેટલાક વાલીઓએ પોતાના બાળકને વેક્સિન નહીં મૂકવા શાળાને જાણ કરી છે. જેથી આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી કોરોનાને રોકવા સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

શાળાએ ન જતા 1538 બાળકોને પણ રસી અપાઇ
નવસારી જિલ્લામાં શાળાએ નહીં જતા બાળકોને પણ આરોગ્ય વિભાગ દ્વારા શોધીને રસીકરણ કરાવ્યું હતું. જેમા નવસારીમાં 415, જલાલપોરમાં 341, ગણદેવીમાં 476, ચીખલીમાં 114, ખેરગામમાં 32 અને વાંસદા તાલુકામાં 160 બાળકને રસી આપવામાં આવી હતી.

એક પણ બાળક રહી ન જાય તે અમારો પ્રયાસ રહેશે
નવસારી જિલ્લામાં તમામ 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓની વેક્સિનેશન શરૂઆત કરવામાં આવી છે અને અમારો ટાર્ગેટ અઠવાડિયામાં 60 હજાર વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો છે. અમે તમામ શાળાએ જતા વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ રાખ્યો છે.જિલ્લામાં 60 હજાર બાળકોનો સમાવેશ થયો છે. જિલ્લા પ્રશાસનનો પ્રયાસ રહેશે કે એક અઠવાડિયાની અંદર આ વયજુથને આપણે કવર કરીશું. શાળાએ જઈને અથવા તો બાળકોના ઘરે જઈને તેઓને વેક્સિન આપવામાં આવશે. જિલ્લાનો એક પણ બાળક વેક્સિન વગર ન રહે તેવો અમારો પ્રયાસ રહેશે. - સુજીત પરમાર, જિલ્લા વેક્સિનશન ઓફિસર, નવસારી

કોરોનાના સંક્રમણ સામે રસી મેં મુકાવી તમારે પણ મુકાવવી જોઈએ. હાલમાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યું છે. સૌએ રસી મુકાવવી જોઈએ. સૌ સાથે મળીને કોરોનામુક્ત સમાજનું નિર્માણ કરીએ. - આયુષી પટેલ, છાત્રા

વડાપ્રધાને કોરોનામુક્ત ભારતનો સંદેશો આપ્યો છે. નવસારીમાં પણ સોમવારે કોરોનામુક્ત થાય તે માટે રસીકરણનો કાર્યક્રમ થયો હતો. અમે આવનાર પેઢી તરીકે રસી મુકાવી સુરક્ષિત થયા છે. - રાહુલ પ્રજાપતિ, છાત્ર

શરૂઆતમાં રસી લેવાનો થોડો ડર લાગ્યો હતો, પરંતુ રસી લીધા બાદ એની કોઇ આડઅસર જણાતી નથી જેથી રાહત થઇ છે. મારી જેમ તમામ વિદ્યાર્થીઓએ રસી લેવી જોઇએ. જેથી કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવી શકાય. - પ્રિયાંશી ગામીત

રસીકરણની સાથે સાથે...

 • જાણકારી આપ્યા વિના જ આરોગ્ય કર્મીઓ રસી આપવા શાળાએ પહોંચી જતાં વેક્સિનેશન માટે રાહ જોવી પડી.
 • રસીકરણ 3થી 7 જાન્યુઆરી દરમિયાન થવાનું હોવા છતાં સંકલનના અભાવે ગ્રામ્ય વિસ્તારની શાળામાં મૂંઝવણ ઉભી થઇ બાદમાં બે દિવસ રસીકરણ હોવાનું જણાવાતા રાહત.
 • શાળામાં શુક્રવારે બાળકોને રસીકરણ બાબતે વાલીઓનું સંમતિપત્રક મોકલવાયું હતું. જેઓએ ના પાડી હતી કે બીમાર હતા તેમને રસી ન મૂકાઇ.
 • ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગે જે તે શાળાને આગોતરી જાણ કરવામાં આવી નહીં હોવાનું ખુલ્યું.
 • ઓનલાઇન રજિસ્ટ્રેશન બાકી હોય તેમનું સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરી રસી અપાઇ.
 • શાળામાં એકમ કસોટી હોય શાળામાં દોડધામ વધી, પરીક્ષા લેવી કે રસીકરણ કરાવવું મૂંઝવણ રહી.
 • સમય બાબતે મુશ્કેલી ઉભી થતાં ઘણી શાળાઓ સમય બદલીને છાત્રોનું રસીકરણ કરાવશે.
 • બાળકોને રસીકરણ બાદ પેરાસિટામોલની ગોળી આપવામાં આવી હતી.
 • જિલ્લામાં મોડી સાંજ સુધી વેક્સિનેશન થયા બાદ બાળકોને આડઅસર થઇ હોય એવી કોઇ માહિતી સાંપડી ન હતી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...