તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીયાત્રા થવાનું કારણ:બે રૂપિયાના મીઠામાં સવા રૂપિયો ટેક્ષ સરકાર લઇ લેતી, અનેક રજૂઆતો છતાં ટેક્ષ ન ઘટાડતા કૂચ કરવાની ફરજ પડી

નવસારી5 દિવસ પહેલા
 • કૉપી લિંક
દાંડીયાત્રાની ફાઇલ તસવીર - Divya Bhaskar
દાંડીયાત્રાની ફાઇલ તસવીર
 • બ્રિટીશ સરકારે સન 1923માં મીઠા પર બમણો કર નાંખ્યો, 1929માં ફરી કર વધારતા સરકારની મીઠાની આવક 50 કરોડને આંબી
 • 6ઠ્ઠી એપ્રિલે દાંડી સત્યાગ્રહ સફળતાપૂર્વક પૂર્ણ થયો છતાં અંગ્રેજ સરકારે મીઠાના કરમાં આઝાદી સુધી કોઈ રાહત આપી ન હતી

નમક જેવી સામાન્ય વસ્તુ લઈને સત્યાગ્રહ કરવાનું સાહસ તો ગાંધીજી જેવી કોઈ વ્યક્તિ જ કરી શકે ! જ્યારે લોકજાગૃતિ માટે કૂચ કરવાનો નિર્ણય 1929માં લેવાય ત્યારે અનેક અગ્રણીઓએ વિવિધ સૂચનો કરેલા. દવા, દારૂ, કાપડ જેવી વિદેશથી આયાત થતી વસ્તુને આવરી લઈ સત્યાગ્રહ કરવા સૂચનો થયેલા પરંતુ ગાંધીજીએ મીઠા પર પસંદગી ઉતારી હતી કારણ કે, મીઠું કે નમક વિશ્વમાં દરેક વ્યક્તિને સ્પર્શે તેવો મુદ્દો હતો. બે રૂપિયાના બે મણ મીઠામાં સવા રૂપિયો ટેક્ષ સરકાર લઇ લેતી હતી. બ્રિટીશ સરકારે સન 1923માં મીઠા પર બમણો કર નાંખ્યો, 1929માં ફરી કર વધારતા સરકારની મીઠાની આવક 50 કરોડને આંબી ગઇ હતી.

અંગ્રેજો સમાન્ય કર લે તો પણ મોટી રકમ મળતી હતી
આ અંગે વધુ વિગતો આપતા નવસારીના ઇતિહાસવિદ કેરસીભાઇ દેબુએ જણાવ્યું હતું કે, ભારતમાં નમકનું ઉત્પાદન હજારો વર્ષથી થતું આવ્યું છે. કચ્છના રણપ્રદેશમાં અને ગુજરાતના દરિયા કિનારા ઉપરાંત ઓરિસ્સા કે બંગાળ સુધી મીઠાનું ઉત્પાદન થતું. મીઠાનો ઉપયોગ તમામ લોકો કરતા હોવાથી તેનો વ્યાપક વેપાર થતો અને સરકાર સામાન્ય કર લે તો પણ બહુ મોટી રકમ સરકારને પ્રાપ્ત થતી.

અંગ્રેજોએ મીઠું સરકારી નિયંત્રણ હેઠળ મૂક્યું હતું
મીઠા પરના કરની વાતો કરીએ તો મૌર્યકાળમાં મીઠા પર 25 ટકા જેટલો કર લેવાતો કારણ કે, સરકારની આવકનું એક સાધન મીઠું હતું. મોગલકાળમાં મીઠા ઉપર હિંદુઓ માટે પાંચ ટકા અને મુસ્લિમો માટે અઢી ટકા જેટલો કર લેવાતો. અંગ્રેજો સત્તા ઉપર આવ્યા પછી ઈ.સ. 1768મા મીઠા જેવી સામાન્ય વસ્તુમાંથી બહુ મોટી રકમ સરકાર મેળવી શકે એવુ લાગતા કંપની સરકારે કેટલીક જણસો (કોમોડીટીઝ) સરકારી આધિપત્ય હેઠળ આવરી લીધી. જેમાં તમાકુ, મરી-મસાલા સહિત મીઠાને પણ સરકારી નિયંત્રણ હેઠળ મૂકી દીધું.

સરકાર 75 ટકા જેટલો વધારે નફો લેતી હતી
તેનો સીધો અર્થ એવો થાય કે દેશમાં મીઠાનું જે ઉત્પાદન થાય તે તમામ ઉત્પાદન મીઠું પકવનારે સરકારને ચોક્કસ કિંમતે ફરજીયાત વેચી દેવું અને પછી સરકાર જનસામાન્યને ઉંચી કિંમતે વેચે પરિણામે સરકારને આ સામાન્ય લાગતી વસ્તુ ઉપર બહુ મોટી રકમ મળી શકે. સન 1781-82થી સરકાર દ્વારા સસ્તા દરે લીધેલા મીઠાની હરાજી કરવામાં આવતી અને જે વેપારી વધુ બોલી બોલે તેને પરવાનો આપવામાં આવતો. બે રૂપિયે માઉન્ડ (મીઠાના વજનનો માપદંડ) હરાજીમાં વેપારી લે. તેમાં લગભગ 75 ટકા જેટલી રકમ સરકારી નફો રહેતો. આમ, સામાન્ય વપરાશના મીઠામાંથી તે સમયે ત્રણસો વર્ષ પહેલા મીઠામાંથી સરકારી આવક 29 લાખથી વધી 1785 સુધીમાં રૂપિયા 62 લાખ જેટલી રકમ માત્ર મીઠાના વેપારમાં સરકાર લેતી હતી. જે 19મી સદીમાં તો સરકારની આવકના 10 ટકા જેટલી રકમ મીઠાના વેપારમાં સરકાર લેતી હતી.

વધારે કરને લીધે ઓરિસ્સાના અગરિયાએ મીઠું પકવવાનું છોડ્યું
20મી સદીની શરૂઆતમાં ભારતમાં મીઠાનું ઉત્પાદન 10 થી 12 લાખ મેટ્રીક ટન જેટલું થતું વિશ્વમાં ભારત સૌથી વધુ મીઠું ઉત્પાદક દેશ બની ગયો હતો. સરકારને મબલખ રકમ મીઠામાંથી મળતી હોવા છતાં સરકાર વર્ષ પ્રતિવર્ષ કરમાં વધારો કરતી રહી. ​​​​​​​દાદાભાઈ નવરોજીએ બ્રિટનની પાર્લામેન્ટમાં ભારતમાં મીઠા ઉપર લેવાતા કર સામે 14મી ઓગસ્ટ 1894ના દિને લંબાણપૂર્વક રજૂઆત કરી વિરોધ વ્યકત કર્યો હતો. આમ છતાં બ્રિટીશ સરકારે સન 1923માં બમણો કર નાંખ્યો હતો અને સન 1929 સુધીમાં તો એટલો આકરો નાંખવામાં આવ્યો કે ઓરિસ્સામાં તો અગારિયાઓએ મીઠાનું ઉત્પાદન બંધ કરી નાંખ્યું! 1929 સુધીમાં તો સરકારની મીઠાની આવક 50 કરોડ રૂપિયાને આંબી ગઈ હતી.

મીઠા ઉપરના કરની ચર્ચા તો વરસો સુધી ચાલી હતી. ગાંધીજીએ પણ અનેક વખત સરકારને પત્ર લખી કે જાહેર લેખો લખી મીઠાનો કર પાછો ખેંચી લેવા વિનંતી કરી હતી પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિભાવ મળતો ન હતો. આ સંજોગોમાં જયારે 1929-30 માં સંપૂર્ણ સ્વરાજની ઘોષણા સાથે આંદોલનો કરવાનું નક્કી થયું ત્યારે કયા વિષયને લઈને સત્યાગ્રહ કરવો તે અંગે ચર્ચાને અંતે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. 6ઠ્ઠી એપ્રિલના દિવસે દાંડીના દરિયાકિનારે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરી સરકાર સામે પડકાર ફેંક્યો હતો અને જનજાગૃતિ તરીકે સત્યાગ્રહ સફળ થયો હતો પરંતુ સરકારે મીઠાના કરમાં કોઈ રાહત આપી ન હતી. જે મીઠાનો કર ભારતને આઝાદી મળી ત્યાં સુધી ચાલુ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો