રોષ:અમને મોંઘવારી નડતી નથી એવું સરકારનું માનવું છે : ટીબી કર્મચારીઓ

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી ટીબી કર્મીઓની પડતર માગો પૂરી નહીં થતા રોષ
  • 3 સપ્તાહ બાદ કોઈ જવાબ નહીં આવતા કર્મચારીઓમાં નારાજગી

નવસારી સહિત ગુજરાતના ટીબી વિભાગના કર્મચારીઓ દ્વારા પડતર માંગોને લઈ હડતાળ અને કામથી અલિપ્ત રહ્યા હતા. બાદ સરકારમાં રજૂઆત કરી હતી. સરકારે તેમની માંગ પૂરી કરવા 3 સપ્તાહનો સમય માગ્યો હતો. જોકે 3 સપ્તાહ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતા ટીબી વિભાગના કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો છે.

નવસારી જિલ્લા પંચાયત હસ્તક ટીબીના કરાર આધારિત 22 કર્મચારી સહિત સમગ્ર ગુજરાતના કરાર આધારિત કર્મીઓએ સમાન કામ સમાન વેતનને પગલે અને પડતર માગોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. મોંઘવારી, સમાન કામ સમાન વેતન અને અન્ય પડતર માંગો બાબતે સરકારમાં રજૂઆત કરી હતી. ANHM વિભાગના મિશન ડાયરેક્ટર રેમ્યા મોહને તમામ માંગો બાબતે 3 સપ્તાહનો સમય માગ્યો હતો. તેની મુદત પૂરી થયાના બે દિવસ થઈ ગયા બાદ કોઈ કાર્યવાહી કે કોઈપણ જવાબ નહીં આપતા કર્મીઓમાં આક્રોશની લાગણી ફેલાઈ છે.

આ બાબતે નવસારીના ટીબી વિભાગના કર્મીઓએ જણાવ્યું કે ગુજરાત સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 3 ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે એટલે સ્વાભાવિકપણે કર્મચારીઓને આ લાભ થશે એટલે ગુજરાત સરકારને ખ્યાલ છે કે હાલના સમયમાં જે રેગ્યુલર સરકારી કર્મચારીઓ પોતાનું જીવન ચલાવે છે. એમાં હાલ મોંઘવારી ખૂબ વધી છે. જ્યારે મોટાભાગના કર્મચારીઓને સરકારે કોન્ટ્રાક્ટ પર લીધા છે. તેમને મોંઘવારી નડતી નથી એવું સરકારનું માનવું છે. આ કર્મચારીઓને સરકાર એટલો બધો પગાર આપે છે કે જેઓને આ મોંઘવારીનો સામનો કરવો પડતો નથી એવું પણ સરકારને લાગે છે તેમ જણાવી તેમની પડતર માગોને લઈ ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

નવસારી જિલ્લામાં કરાર આધારિત 22 જેટલા કર્મચારીઓ વિવિધ હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે. કેટલાક કર્મચારીઓ 20 વર્ષથી વધુ અને 10 વર્ષ સુધી ફરજ બજાવતા હોવા છતાં સરકાર દ્વારા તેમના પગારમાં કોઇપણ જાતનો વધારો કે પગાર ભઠ્ઠામાં પણ વધારો કરવામાં આવ્યો નથી. તેમને મળવા પાત્ર ઘર ભાડુ, મોંઘવારી ભઠ્ઠુ અને અન્ય ભઠ્ઠાઓ પણ અન્ય સરકારી કર્મચારીઓની જેમ અપાતા ન હોવાનો આક્ષેપ સાથે ગત 26 માર્ચથી હડતાળની શરૂઆત કરી પડતર માંગણીઓ અંગે સરકારમાં રજૂઆત કરી હતી. જેમાં પેનડાઉન હડતાળ, કામનો રિપોર્ટ ન સોંપવો અને પ્રતિક ધરણા કરી સરકારનું ધ્યાન દોરવા માટે પ્રયત્નો કર્યા હતા પણ સરકારે તેમની એકપણ પડતર માગ ન સ્વીકારતા કર્મચારીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે.

રેગ્યુલર કરતા કોન્ટ્રાકટ કર્મીઓ ત્રીજા ભાગના પગારમાં કામ કરે છે
આજે મોટાભાગની કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પર લીધેલા કર્મચારીઓ જ કામ કરતા જોવા મળશે અને એ પણ રેગ્યુલર સરકારી કર્મચારીઓની સરખામણીમાં ત્રીજા ભાગના પગારમાં. અમે 20-25 વરસથી સરકારી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરીએ છીએ અને આજ સુધી અમોને મોંઘવારી લાગતી નથી એવું સરકારનું માનવું રહ્યું છે. > મનિષ પટેલ, ઉપ પ્રમુખ, ટીબી કર્મચારી યુનિયન, નવસારી

અન્ય સમાચારો પણ છે...